કોરોના કાળ દરમ્યાન આપણે બધાએ અનુભવ્યું કે તાત્કાલિક સારવારનું શું મહત્ત્વ છે. આ મહામારી દરમ્યાન ઘણા પરિવારોએ લાચાર પરિસ્થિતિ પણ અનુભવી. કોરોના કાળ સિવાય પણ જે વડીલોના પરિવારજનો વિદેશમાં હોય કે પછી પોતાના શહેરની બહાર રહેતા હોય ત્યારે આવા વડીલો સારવાર માટે હોસ્પિટલના ધક્કા ખાતા હોય છે. દર્દીઓની આવી પરિસ્થિતિના નિરાકરણ માટે બે યુવાન ડૉક્ટરોએ અનોખી પહેલ કરી છે.
ડૉ.સેજલ અને ડૉ.ચારુએ પેશન્ટને પોતાના જ ઘરે મેડિકલ સારવાર મળે એટલું જ નહિ પરંતુ ઘરે બેઠા x-ray, બ્લડ રિપોર્ટ્સ થઇ શકે તે માટે Dr@doorstep નામનું એક નવું સ્ટાર્ટ અપ ઊભું કર્યું છે. આ સ્ટાર્ટ અપ અંતર્ગત શરૂઆતના તબક્કામાં બરોડા, સુરત અને અમદાવાદમાં આ સુવિધા ઊભી કરવામાં આવી છે.’Dr@doorstep’ એ માત્ર ડૉકટરોની ટીમ દ્વારા કન્સલ્ટિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તમામ જરૂરી તપાસ, દવા, લેબ, x-ray, ECG, કેથેટેરાઇઝેશન, ટેપીંગ, સ્યુચરિંગ, નેબ્યુલાઇઝર, ઓક્સિજનેશન અને કીમોથેરાપી વગેરે તમને ઘર બેઠા મળે તેવો પ્રયાસ છે. ફક્ત એક કોલથી 15થી 20 મિનિટમાં ડૉક્ટર અને નર્સની ટીમ તમારા ઘરે પહોંચી જાય તેવું સ્વપ્નું ડૉ.સેજલ અને ડૉ.ચારુની ટીમે શક્ય બનાવ્યું છે.
Dr@doorstep એ એક નવીન અને અનન્ય તબીબી સારવાર છે જે ‘વર્ચ્યુઅલ ક્લિનિક’ને દર્દીઓના ઘરે લાવે છે. ડૉ.સેજલ અને ડૉ.ચારુએ, Dr@doorstep વિશે વાત કરતા કહ્યું કે અમારું વિઝન દર્દીઓને સમયસર સારવાર મળે તે છે. જે દર્દીઓ મુસાફરી કરવા માટે સક્ષમ ના હોય તેઓ માટે આ સેવા આશીર્વાદ સમાન છે. વધુમાં તેમણે કહ્યું કે દર્દીઓ માટે હોસ્પિટલમાં જવું, ટેસ્ટ કરાવવો અને પછી ટેસ્ટ રિપોર્ટ્સ આવે ત્યાં સુધી રાહ જોવી, આ બધી પ્રક્રિયાઓ Dr@doorstep સેવા વડે તમે ઘરે બેઠા મેળવી શકો છો અને ઘણો સમય બચાવી શકો છો.
‘Dr@doorstep’, નિસર્ગ વેલનેસ પ્રા.લિ.વડોદરાના નેજા હેઠળ આ સેવા શરૂ કરવામાં આવી છે. આ સ્ટાર્ટઅપના સ્થાપકોમાં ડૉ.સેજલ શાહ ગુજરાતભરના એક પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક સર્જન છે જેઓ અનેક મેડિકલ કોલેજોમાં વિઝિટિંગ ફેકલ્ટી રહી ચૂક્યાં છે, ‘ટીપ્સ એન્ડ ટ્રિક્સ ઇન ટ્રોમા મેનેજમેન્ટ’ પર પુસ્તક લખનાર પ્રથમ લેખક છે અને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધનપત્રો રજૂ કર્યા છે. તેમને 2016 માં ભારતીય હેલ્થકેર ઉદ્યોગ દ્વારા ‘ગુજરાતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક સર્જન’ નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ડૉ.સેજલ શાહ એક ઉત્સુક અભ્યાસી છે અને તેમણે MS ઓર્થો તેમ જ MBA(સ્વાસ્થ્યસંભાળ)નો અભ્યાસ કર્યો અને ઓર્થોપેડિક્સ અને આર્થ્રોપ્લાસ્ટીમાં વિશેષ તાલીમ પણ મેળવી છે.
Dr@doorstepના બીજા કૉ ફાઉન્ડર ડૉ.ચારુ અમીનનું નામ હોમિયોપેથીક ક્ષેત્રે પ્રખ્યાત છે અને તેમને 2016 માં ‘હોલ ઓફ ફેમ’ થી નવાજવામાં આવ્યાં છે. ડૉ.ચારુ તેમની એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ દ્વારા વધારેમાં વધારે દર્દીઓ ‘Dr@doorstep’નો લાભ લઇ શકે તે માટે પ્રયત્નશીલ છે. ‘Dr@doorstep’ સેવાને ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સંભાળ સેગમેન્ટમાં ‘શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિક’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.
ડૉ.સેજલ અને ડૉ.ચારુ પાસેથી નીચે મુજબનું શીખી શકાય
અનોખી પહેલ ઊભી કરવી અને તેમાં શ્રેષ્ઠતા લાવવી
ઘણાં એવાં ક્ષેત્રો છે જેમાં યુવાનો સ્ટાર્ટ અપના માધ્યમથી કન્ટ્રીબ્યુશન કરી શકે છે.
તમે જો કોઈના જીવનમાં વેલ્યુ એડિશન કરી શકો છો તો તેના જેવો સંતોષ કશો નહિ.
જે કંઈ કરો તે પછી પાછું વળીને જુઓ નહિ.
જો તમારી કામગીરી સમાજમાં અનોખી હશે તો તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહિ.
ubhavesh@hotmail.com