Comments

સુધારા રહેશે ત્યાં સુધી ડૉ.મનમોહનસિંહને યાદ રાખવામાં આવશે

ભારતમાં એવી કઈ વ્યક્તિ છે જેની સહી નાણાંમંત્રી તરીકે એક રૂપિયાની નોટ પર પણ છે અને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે બે રૂપિયા કે તેથી વધુના ચલણની તમામ નોટો પર છે? તો જવાબ છે ડૉ મનમોહનસિંહની. હા, તેઓ રીઝર્વ બેન્કના ગવર્નર પણ હતા અને દેશના નાણાંમંત્રી પણ. માટે આ જગ્યાએ તેમની સહી જોવા મળે છે.  પોતાની ઓફિસે જવા નીકળેલા ડો. મનમોહનસિંહને તત્કાલીન વડા પ્રધાન શ્રી નરસિમ્હારાવ તરફથી સંદેશ મળ્યો અને તેઓ અર્થશાસ્ત્રી,અધિકારી ઉપરાંત રાજનેતા બન્યા અને નાણાંમંત્રી પદ શોભાવ્યું.

રાજ્યસભામાં ચુંટાયા અને સંસદ બન્યા. અર્થશાસ્ત્રના અભ્યાસી ડૉ.મનમોહનસિંહ રાજનીતિમાં લાવવામાં આવ્યા હતા કારણકે દેશમાં આર્થિક નીતિઓમાં બદલાવ જરૂરી બન્યો હતો.નરસિમ્હારાવ સમાજવાદી સમાજરચનાવાળા આર્થિક વિચારો છોડીને ઉદાર મતવાદી અર્થવ્યવસ્થા લાવવા માંગતા હતા અને અર્થશાસ્ત્રના તજજ્ઞ ડૉ. આઈ. જી. પટેલ સાહેબને પણ તે આમન્ત્રણ આપી ચૂક્યા હતા પણ પટેલ સાહેબે મંત્રી બનવાનું ના સ્વીકાર્યું તો પસંદગી મનમોહનસિંહ પર ઊતરી. 

“અર્થશાસ્ત્ર એ સાધન છે, જેનો ઉપયોગ રાજનેતાઓ કરે છે”- આ વિધાન સાચું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અર્થશાસ્ત્ર ઓછું અને રાજનીતિ વધારે હોય છે. તે ન્યાયે બજાર આધારિત વિકસિત આર્થિક મહાસત્તાઓ દ્વારા ભારત પર રીતસર દબાણ ઊભું કરવામાં આવ્યું કે તે સરકારી અંકુશોવાળી આર્થિક નીતિઓ છોડી આર્થિક ઉદારીકરણ અપનાવે. આ આંતરરાષ્ટ્રીય દબાણો વચ્ચે ભારતને અનુરૂપ આર્થિક નીતિઓ અને તેનો રોડમેપ નક્કી કરવાનું કપરું કામ ડૉ. મનમોહનસિંહને કરવાનું હતું.

અત્યારે સત્તામાં છે ત્યારે જે આર્થિક ઉદારવાદના લાભ મેળવી રહ્યા છે તેઓ આ ૧૯૯૧ માં બદલવામાં આવેલી આર્થિક નીતિઓના વિરોધી હતા. આંતરરાષ્ટ્રીય  દબાણો અને દેશનાં દબાણો વચ્ચે ભારતમાં આર્થિક નીતિના તબક્કાવાર પરિવર્તનનો નકશો ડૉ. મનમોહનસિંહ અને તેમના મંત્રાલયે તૈયાર કર્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ થી માંડીને સીધા વેચાણ સુધીની બાબતો ભારતમાં તબક્કાવાર  અમલી બની. ભારતમાં લાઇસન્સ રાજ ખતમ થયું. વિદેશી કંપનીઓ ભારતમાં આવે તે પહેલાં ભારતીય સાહસિકો સ્પર્ધા માટે તૈયાર થાય તે માટે ખાનગીકરણ શરૂ થયું.

ભારતમાં કરવેરાના માળખાને રેશનલ કરવાની શરૂઆત ડૉ.મનમોહનસિંહના સમયથી શરૂ થયું. ખાસ તો આવકવેરામાં સ્થિરતા અને સરળતા આવવાની શરૂઆત થઇ. વેપારીઓ માત્ર ૧૫૦૦ રૂપિયા ચૂકવે અને વેરા ગણતરીની ઝંઝટમાંથી મુક્ત થાય તે વાત અમલમાં આવી. ડૉ.મનમોહનસિંહ નાણાંમંત્રી તરીકે હતા અને પછી દેશના વડા પ્રધાન થયા ત્યારે ભારતમાં આર્થિક ઉદારીકરણની પ્રક્રિયા આગળ વધી. તેઓ રાજનીતિની ચર્ચાઓ અને મીટીંગોમાં કદી પડ્યા નહીં.તેઓ નાણાંમંત્રી હતા કે વડા પ્રધાન પણ હમેશાં એક નિષ્ઠાવાન અધિકારીની જેમ માત્ર વહીવટીય બાબતોમાં વ્યસ્ત રહ્યા.એકે એક ફાઈલની અધિકારીઓ સાથે ઝીણવટભરી ચર્ચા કરતા અને પૂરો સમય માત્ર વહીવટમાં જ આપતા. તેમની પ્રામાણિકતા એ બાબતથી સ્પષ્ટ છે કે ના તો તેમના નામે કે ના તેમના સગા સંબંધીઓના નામે કોઈ બેનામી પ્રોપર્ટી ,કંપનીઓમાં ભાગીદારી કે માલિકીઓ બોલે છે.

પોતે પરિવાર સાથે ક્યારેય પદનો લાભ લઈને વિદેશ યાત્રાઓ કરી નથી. રાજનીતિમાં વિરોધીઓ તેમને હમેશાં સોનિયા ગાંધીના વફાદાર કહેતા પણ ખરેખર તેઓ ગાંધી મૂલ્યોના વારસદાર અને કોંગ્રેસના વફાદાર સેવક હતા. તેઓ વ્યક્તિને નહિ વિચારધારાને આધીન હતા  અને આમ છતાં પરમાણુ સંધિમાં ભારતે જોડાવું જોઈએ કે પરમાણુ ઊર્જાના વ્યાપક ઉપયોગ નિયમન કરનારા બીલમાં જોડવા માટે તેમને સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓથી મત જુદા હતા છતાં ભારત સહી કરે તે આગ્રહ રાખ્યો અને સૌને મનાવ્યા ,ભારત તેમાં જોડાયું અને આવનારા સમયમાં પરમાણુ ઊર્જાના વ્યાપ અને ઉપયોગ વધશે ત્યારે વતર્માન સરકારો પોતાના જશ ગાશે પણ તેનો માર્ગ મોકળો મનમોહનસિંહ કરીને ગયા તે કોઈ નહિ કહે.

ભારતના સજ્જન મૃદુભાષી અને અભ્યાસુ રાજનેતાને ઈતિહાસ ન્યાય આપશે જ . અમેરિકી સંસદમાં તેમને મળેલા માન અને સન્માનના તેઓ અધિકારી હતા  અને ભારતમાં જ્યાં સુધી આર્થિક ઉદારીકરણ અને તેના લાભોની ચર્ચા થશે ત્યાં સુધી ડૉ. મનમોહનસિંહ યાદ રહેશે. ડૉ. મનમોહનસિંહે સંસદમાં કહેલી શાયરી ખરેખર જ તેમને ન્યાય આપવા માટે જરૂરી છે કે માના કે તેરી દિદકે કાબિલ નહીં મેં ,પર તું મેરા શોક તો દેખ મેરા ઇન્તઝાર દેખ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top