ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય કચ્છના મહિલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યને મળ્યો છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ડો. અનિલ જોષીયારાએ ફોર્મ ભર્યુ છે અને ભાજપ તરફથી જેઠાભાઇ ભરવાડે ફોર્મ ભર્યું છે. પરિણામે આગામી દિવસોમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને જંગ જામશે, અત્રે નોંધવુ જરૂરી છે કે વિધાનસભામાં જો મતદાન કરાવવામાં આવે તો પણ ઉપાધ્યક્ષ પદ ભાજપના ફાળે જાય તેમ છે.
નીમાબેન આચાર્યને રાજ્યની વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા. અગાઉ કચ્છના ધીરુભાઈ શાહની સ્પીકર પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ નીમાબેન આચાર્યની પસંદગી થઇ છે.
વિધાનસભા ઉપાધ્યક્ષ પદને લઈને ભાજપ દ્વારા જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસ તરફથી અનિલ જોષીયારાનું ફોર્મ ભરાયું છે. ડો. અનિલ જોષીયારાના ફોર્મ ભરતી વખતે અશ્વિન કોટવાલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. વિધાનસભાની પક્ષ દ્વારા જ સ્થિતિ જોઈએ તો 112 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે, 65 બેઠક કોંગ્રેસ પાસે છે. એક અપક્ષ જીગ્નેશ મેવાણી છે. બીટીપી પાસે બે બેઠક છે. જ્યારે દ્વારકાની બેઠક ખાલી છે.
ઉપાધ્યક્ષ પદને લઈને આક્રોશ વ્યક્ત કરતા વિપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની પ્રણાલી મુજબ અધ્યક્ષ તરીકે સત્તા પક્ષ સ્થાન લે છેસત્તા પક્ષ જેને અધ્યક્ષ તરીકે જે નામ મુકશે તેનું સમર્થન કરીયે છીએ. ભૂતકાળમાં ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળતું હતું. કમનસીબે વીતેલા વર્ષોમાં ભાજપે આ પ્રણાલી પુરી કરી દીધી છે. કોંગ્રેસ પક્ષ પોતાના અધિકારનું જતન કરતા ભણેલા ગણેલા ડો. અનિલ જોષીયરનું ફોર્મ ભર્યું છે. સ્વચ્છ છબીના ઉમેદવાર રજૂ કર્યા છે. ભાજપે ગુનાહિત ઇતિહાસ ધરાવતાને પસંદ કર્યા છે.
મહિલા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે મોટી વાત છે : ડો. નીમાબેન આચાર્ય
નવા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ફોર્મ ભર્યા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે મળેલી જવાબદારી ખૂબ મહત્વની છે, મે વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. પૂર્વ અધ્યક્ષ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પાર્ટીના દંડક પંકજ દેસાઈ મારી સાથે રહ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સંમતિ આપી છે. વિધાનસભાના અધ્યક્ષપદની ગરિમા ખૂબ ઊંચી છે. મહિલાઓને આવું સન્માન માત્ર નરેન્દ્રભાઈ જ આપી શકે. મોદીજીએ જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી હતી. તેમ પદનામિત અધ્યક્ષ નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ તરીકે તટસ્થ કામગીરી કરવી પડશે, શક્ય હોય તે વાતને વળગી રહેવું પડશે. પક્ષ-વિપક્ષ બધાને સાથે રાખીને ચાલવું પડશે. એક મહિલા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે ખૂબ મોટી જવાબદારી આવી પડી છે. શાળામાં ભણતી ત્યારે ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેથી ડોક્ટર બનીને રહી જાહેરજીવનમાં આવ્યા બાદ પ્રથમ મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી તે પણ સુપેરે નિભાવી હતી. હવે મહિલા અધ્યક્ષ તરીકેની ગૌરવવંતી જવાબદારી મને સોંપવામાં આવી છે જાહેર જીવનમાં આવ્યાનો મારો એજન્ડા સફળ થયો છે, રાજ્યમાં મહિલાની ગરિમા જળવાય તે રીતે કામકાજ હાથ ધરવામાં આવશે