સુરત : સુરતના વેસુ ખાતે આગમ આર્કેડમાં હોસ્પિટલ ચલાવતા ડો. પ્રેમલ અફીણવાળાની સામે તેમની પત્નીએ ખાધાખોરાકીનો કેસ કર્યો હતો. જેથી ડોક્ટરે પત્ની અને તેના વકીલને બદનામ કરતા 100 પત્રો લખીને પાડોશીથી લઇને મિત્રવર્તુળોને મોકલ્યા હતા. જેથી આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ડો.અફીણવાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- પત્નીએ ખાધાખોરાકીનો કેસ કરતા ડોક્ટરે બદનામ કરવા પત્રો પાડોશીથી લઇને મિત્રવર્તુળોને મોકલ્યા
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરાગામ ખાતે મથુરેશનગર સોસાયટીમાં રહેતા ડો.પ્રેમલ નવીનચંદ્ર અફીણવાળા વેસુ ખાતે આગમ આર્કેડમાં આઈ હોસ્પિટલ ધરાવે છે. ડો. અફીણવાળા વિરુદ્ધ તેની પત્નીએ પોલીસ મથક તથા ફેમિલી કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો હતો.
કેસ લડવા માટે તેમણે મહિલા વકીલને રોકી હતી. ગત બીજી મેએ તેમને આ મહિલા તબીબ રૂબરૂ મળ્યા હતા. પોતાની બદનક્ષી કરતા પત્રો સંબંધીઓ તથા મિત્રવર્તુળો, પાડોશી, બંગ્લાના બ્રોકર, બંગ્લો ખરીદવા માંગતી વ્યક્તિઓને મળ્યા હતા. પોતાના નામથી જ આ પત્રો મોકલવામાં આવ્યા હતા.
થોડાક દિવસ બાદ આ મહિલા વકીલને પણ આ જ પ્રકારનો પત્ર મળ્યો હતો. આ પત્ર અન્ય એક વકીલના નામથી આવ્યો હતો. તે સાથે આ વકીલના નામથી પણ અન્ય વકીલોને અપશબ્દો લખેલા પત્રો મોકલવામાં આવતાં મામલો ગંભીર બન્યો હતો. જે કુરિયર કંપની મારફત આ પત્રો આવ્યા હતા તે કુરિયર કંપની વેસુની હતી. ત્યાં તપાસ કરવામાં આવતાં ડોક્ટર પ્રેમલ અફીણવાળાનો નોકર આપી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર બાબત સામે આવતા મહિલા વકીલે ઉમરા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં આ તબીબને 10 સાક્ષીઓ મળી આવ્યા હતા. જેમણે આ મહિલાઓને બદનામ કરતા પત્રો મળ્યા હતા. જેથી ઉમરા પોલીસે ડો.અફીણવાળા સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.