SURAT

સુરતમાં મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ડીપીઆર બનાવાશે

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા દેશનું 2 મેગા ટેક્સટાઇલ પાર્ક અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવાની જાહેરાત પછી ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટર અને પાલિકા કમિશનરે 1 હજાર હેક્ટરમાં મેગા ટેક્સટાઇલ પાર્ક ઊભો થઇ શકે તે માટે જમીનની શોધ શરૂ કરી છે. ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં મેગા ટેક્સટાઇલ પાર્ક માટે પ્રપોઝલ રજૂ કરતાં પહેલા ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR) તૈયાર કરવામાં આવશે.

સુરતની ભવિષ્યની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી વિવિંગ, પ્રોસેસિંગ, વોર્પ નિટીંગ, એમ્બ્રોઇડરી, ગારમેન્ટિંગ અને એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝ એકછત્ર હેઠળ લાવવાનો પ્રયાસ કરાશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ચેમ્બરને ખાતરી આપી છે કે સુરત મનપા અથવા સુડા વિસ્તારમાં 1 હજાર એકર જમીન મળી આવશે તો ટેક્સટાઇલ પાર્ક માટે ઉપલબ્ધ કરાવામાં આવશે. એવી જ રીતે જિલ્લા કલેક્ટર આયુષ ઓક સમક્ષ પણ આ પ્રોજેક્ટ માટે રજૂઆત કરવામાં આવતા તેમણે મામલતદારોને પાર્કને અનુકુળ જગ્યા શોધવા જણાવ્યું છે.

ચેમ્બરના માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત ઉપરાંત નવસારીના ઉભરાટ સહિતના વિસ્તારોમાં પણ 1 હજાર એકર જગ્યાની શોધ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં યાર્નથી લઇ ફેબ્રિક્સ સુધી અને એસેસરીઝથી લઇ પેકેજીંગ સુધીની તમામ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ કરવામાં આવશે.

સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી માટે નિડ સર્વેક્ષણ શરૂ કરાયું
રાજ્ય સરકાર દ્વારા ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેને લઇને ચેમ્બર દ્વારા નિડ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જર્મની અને ફ્રાન્સમાં જે પ્રકારની ટેક્સટાઇલ યુનિવર્સિટીઓ છે તે પ્રકારના અભ્યાસક્રમો અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં આવશે. સુરતમાં છેલ્લા દાયકા દરમિયાન 70 હજાર જેટલા હાઇસ્પિડ લુમ્સ ઉમેરાયા છે. તે 6.50 લાખ શટલ લુમ્સ જેટલું જ ઉત્પાદન કરી રહ્યા છે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ યુનિવર્સિટીએ સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના વિકાસનો તકાજો છે. સુરતમાં 10 લાખથી વધુ લોકોને રોજગારી આપતા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં આજે અપગ્રેડેશન થઇ રહ્યું છે. 6.50 લાખ જેટલા શટલ લુમ્સ જેટલું કાપડનું ઉત્પાદન કરે છે તેટલી જ ક્ષમતાના હાઇસ્પીડ અત્યાધુનિક ટ્વિસ્ટિંગ, વીવિંગગ વોટરજેટ, એરજેટ, રેપિયર વીથ જેકાર્ડ વગેરેના 60 હજાર જેટલા મશીન્સ ક્વોલિટી પ્રોડકશન કરી રહ્યા છે. એવી જ રીતે હવે સ્ટીચિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સાડા ચાર લાખ જેટલા મશીન કાર્યરત છે.

Most Popular

To Top