Dakshin Gujarat

બારડોલીમાં રહેતી પરિણીતા ઉપર એવી તે કઈ આપદા આવી પડી કે પોલીસનો સહારો લેવો પડ્યો

બારડોલી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) એંગોલે ખાતે સાસરામાં રહેતી પરિણીતા પાસે દહેજની (Dowry) માંગણી કરી મારઝૂડ કરવામાં આવતી હોવાથી પરિણીતાએ સુરત (Surat) જિલ્લા મહિલા પોલીસમથકમાં (Police Station) તેના પતિ અને સાસુ-સસરા વિરોધ દહેજ પ્રતિબંધક ધારા તેમજ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. ફરિયાદમાં પતિ કંઈ કામ-ધંધો કરતો ન હોય અને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

મહિલા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી સાંઈ ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝાલોરના રહેવાસી ભરત અશોક પુરોહિતની બહેન શિલ્પાબેન (ઉં.વ.31)નાં લગ્ન તા.3 મે-2014ના રોજ મૂળ રાજસ્થાનના અને હાલ આંધ્રપ્રદેશના એંગોલે ખાતે રહેતા મુકેશ તેજરાજ ઈરાની સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમને હાલ સાત વર્ષનો દીકરો દક્ષરાજ છે. પુત્રના જન્મ બાદથી સાસરિયાઓએ શિલ્પાને શારીરિક-માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પતિની નોકરી બેંગ્લુરુમાં લાગતાં તે બેંગ્લુરુ રહેવા જતો રહ્યો હતો. પરંતુ છ મહિનામાં જ નોકરી પૂરી દીધી હતી. તે આખો દિવસ કોઈ કામ ધંધો કરતો ન હતો અને ફોન પર વાતચીત કર્યા કરતો હોય શિલ્પાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તેની ફરી નોકરી લાગતા તે નોકરીના સ્થળે રહેવા ચાલ્યો ગયો હતો. 2 વર્ષ સુધી ત્યાં નોકરી કરવા છતાં તેના પત્ની અને પુત્રને લઈ ગયો ન હતો. અને શિલ્પાને બહેનનાં લગ્ન વખતે લીધે પાંચ લાખ રૂપિયાની લોન ભરવા માટે તેના પિયરમાંથી પૈસા લઈ આવવા પણ કરતો હતો. શિલ્પા તેના નોકરીના સ્થળે રહેવા ગઈ ત્યારે તેને જાણવા મળ્યું કે, તેનો પતિએ નોકરી છોડી દીધી છે અને અહીં તે એકલો જ નશો કરી પડી રહે છે. દરમિયાન તેણે શિલ્પાને જણાવ્યું હતું કે, મારાં લગ્ન તારી સાથે જબરદસ્તી કરાવ્યાં છે. મારે આ લગ્ન કરવા ન હતાં. મારું અન્ય છોકરી સાથે દસ વર્ષથી અફેર હતું. આથી હું તેની સાથે જ રહીશ. મારું જુગારમાં દેવું થઇ ગયું છે. તે તારાં ઘરેણાં પર લોન લઈ મારું દેવું ભરી શકું. તારે જ્યાં રહેવું હોય જ્યાં રહે વાંધો નથી. આમ કહી તે વારંવાર ઝઘડો કરતો હોય અને સાસુ-સસરા પણ મહેણાંટોણાં મારતા હોય શિલ્પા તેના પુત્ર સાથે છેલ્લા અઢી વર્ષથી ભાઈના ઘરે બારડોલી રહેવા આવી ગઈ હતી.

પરિણીતાએ સમાધાનની કોશિશ છતાં કોઈ નિવેડો નહીં આવતાં અંતે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. પરિણીતાએ તેના પતિ મુકેશ તેજરાજ ઈરાની, સસરા તેજરાજ સાદલાજી ઈરાની અને સાસુ સાઇતિદેવી તેજરાજ ઈરાની વિરુદ્ધ ફરિયાદ કરતાં મહિલા પોલીસે દહેજ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top