Charchapatra

દહેજનું દૂષણ હજુ ગયું નથી

આપણને એમ કે દહેજનું દૂષણ સંપૂર્ણપણે ઓછું થઇ ગયું છે. પણ એવું નથી. હાલમાં જ આ દહેજના દૂષણે વધુ એક દીકરીનો ભોગ લીધો છે. કેરાલાને આપણે સંપૂર્ણ સાક્ષર રાજય માનીએ છીએ પણ એની સાથે સાથે આ સાક્ષરતા લોભી અને લાલચુ પણ બની છે. જેમ જેમ મૂરતિયો વધારે ભણેલો તેમ તેમ દહેજમાં વધુ ને વધુ દીકરી તરફથી આપવું અને પણ કેવું કે ૮૦૦ થી ૯૦૦ ગ્રામ સોનું – ૧૨ લાખની ગાડી – કેટલા એકર જમીન આ બધું તો ત્યાં કોમન છે. વળી દીકરીના બાપે કરજ લઇને લોન લઇને પણ ભણેલો – જમાઇ મળતો હોય તો બધું કરી છૂટવા તૈયાર છે.

ઘણાં વર્ષો પહેલાં લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં તામિલનાડુની એક પરિણીતા પાસેથી જાણવા મળેલું કે અમારાં માબાપે ૮૦ તોલાથી ૯૦ તોલા સોનું અને ઘર તથા જમીન દહેજમાં આપ્યું છે. મા-બાપ સધ્ધર હોય તો આ બધું પહેલાંથી જ ભેગું કરી રાખે, પણ સાધારણ હોય તો શું થાય? દીકરીએ પ્રભુતામાં પગલાં ન પાડવાં? માવતર તો દીકરી પરણીને સાસરે જઇ સુખી રહે એ માટે આ બધું કરી છૂટે છે. છતાં દીકરીને દહેજના ત્રાસથી મરવું પડે છે. સરકારે વર્ષો પહેલાં કાયદા ઘડેલા, પણ નફફટ સમાજ સુધરતો જ નથી. આપણા દેશમાં હિન્દુ – મુસ્લિમ – ઇસાઇ વગેરેની આવી જ દશા છે.

થોમસ નામનો કેરાલાવાસી દહેજમાં આપવા ધન ભેગું કરવામાં ખુવાર થઇ ગયો. દીકરી – પરણાવી દહેજ આપીને પણ કરજમાં ડૂબી જવાથી એ અચાનક મૃત્યુ પામી ગયો. આવી કરુણતા ન થાય તે માટે સૌ ભણેલા યુવાનોએ દહેજ ન લેવાની અને ન દેવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. ઘણા સમાજમાં તો દીકરી એકદમ ભણેલો હોય ડોકટર કે એન્જિનિયર – કલેકટર હોય તો પણ એક પણ પૈસો દીકરી તરફથી લેતા નથી. આ સારી પ્રથા છે. દહેજના દૂષણને નાથવું સમાજની દીકરી-દીકરાના હાથમાં છે. સુરત     -જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top