Columns

સંદેહ અને વિશ્વાસ

સંદેહ અને વિશ્વાસ વચ્ચે કાયમી દુશ્મનાવટ.આમ તો સંદેહ અને વિશ્વાસ જુદા જુદા ગામમાં રહે, કારણ જ્યાં સંદેહ હોય ત્યાં વિશ્વાસ શક્ય નથી અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં સંદેહ માટે કોઈ સ્થાન નથી. એક વાર એક જંગલમાં પસાર થતા સંદેહ અને વિશ્વાસ સામસામે થઇ ગયા અને જૂની દુશ્મનાવટ તાજી થઈ ગઈ. બંને એકમેકને જેમ તેમ બોલવા મંડ્યા અને પોતાનું મહત્ત્વ સાબિત કરવા લાગ્યા.ત્યાં દૂરથી બે મુસાફર આવતાં દેખાયા અને બન્ને જણે નક્કી કર્યું કે સંદેહ એક મુસાફરના મનમાં સ્થાન લે અને વિશ્વાસ બીજા મુસાફરના મનમાં અને પછી જે થાય તે જોઈએ.આમ શરૂ થયું એક અદ્રશ્ય યુદ્ધ.

પહેલા મુસાફરના મનમાં સંદેહ પહોંચી ગયો અને મુસાફર વિચારવા લાગ્યો અંધારું થતાં પહેલા હું મારે ગામ પહોંચી જઈશ કે નહિ.રસ્તામાં ફળોથી લચીલાં વૃક્ષો દેખાયાં. આવતાં જતાં બધાં તેનો આનંદ માણી રહ્યાં હતાં.પણ જેના મનમાં સંદેહ રહેતો હતો તેણે વિચાર્યું કે અરે કદાચ આ ફળ ઝેરી હોઈ શકે, મારે નથી ખાવાં.આગળ જતા રસ્તામાં એક જૂનો વેપારી દોસ્ત મળ્યો. વાતવાતમાં વેપારની વાત નીકળી અને સારો સોદો હાથવેંતમાં પડી જાત, પણ વળી સંદેહસભર મનમાં વિચાર આવ્યો અરે, આમ અચાનક ઉતાવળમાં સોદો કરવાની વાત છે તેની પાછળ કોઈ છેતરામણી તો નહિ હોય ને.આમ જેના મનમાં સંદેહે  નિવાસ કર્યો હતો તેને દરેક બાબતમાં નકારાત્મકતા દેખાવા લાગી.

તે મુસાફર બધા પર અવિશ્વાસ કરવા લાગ્યો અને નાનકડી નજીવી વાત તેને પહાડ જેવી સમસ્યા લાગવા લાગી.તેના મનમાં રહેતા સંદેહને એમ કે હું હંમેશા સચેત રહીને આ માણસનું કંઈ પણ અહિત થતાં બચાવું છું ,પણ હકીકત જૂદી હતી. સંદેહના તાબામાં રહેલો મુસાફર બધેથી પાછો પડવા લાગ્યો. દરેક જગ્યાએ તેને સમસ્યાઓ દેખાવા લાગી અને કોઈ માર્ગ દેખાતો નહિ કારણ કે સમસ્યાનો જો કોઈ ઉકેલ સૂઝતો તો વળી પાછો સંદેહ જાગતો કે આ ઉકેલ સાચો હશે કે નહિ.આમ મુસાફર તેના મનના સંદેહના વમળમાં જ અટવાઈ ગયો.

બીજો મુસાફર જેના મનમાં વિશ્વાસ રહેવા ગયો હતો તેનો આત્મવિશ્વાસ વધી ગયો.જંગલમાં અજાણ્યા માર્ગે તે એકલો આગળ વધતો ગયો. રસ્તામાં બધા રસદાર ફળોનો આનંદ માણ્યો.બાળકો માટે થેલીમાં ભર્યાં અને બીજ વાવવાનું નક્કી કર્યું.તેને રસ્તામાં એક મોટો વેપારી મળ્યો અને મુસાફરની વિશ્વાસસભર વાતોથી પ્રભાવિત થઇ વેપારીએ તેની સાથે  મોટો સોદો નક્કી કરી દીધો.આમ જેના મનમાં વિશ્વાસે  નિવાસ કર્યો હતો તેને દરેક બાબતમાં સકારાત્મકતા જ દેખાતી.દરેક અઘરી બાબતનો પણ પોતે સામનો કરી શકે તેવી હિંમત આવી ગઈ.વિશ્વાસના સાથથી તે સતત આગળ વધી,સફળતા મેળવવા લાગ્યો.

આમ વિશ્વાસ જેના મનમાં હતો તે તરી ગયો અને સંદેહ જેના મનમાં હતો તે ડૂબી ગયો.આ યુદ્ધ તો સતત ચાલુ જ રહેવાનું છે.સંદેહ મુસીબતોના પહાડ નિર્માણ કરી શકે છે અને વિશ્વાસ પહાડ જેવી મુસીબતોમાંથી પણ રસ્તો કાઢી શકે છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા મનમાં કોને સ્થાન આપીશું.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top