વિશ્વના સૌથી ધનાઢય એવા ઉદ્યોગ સાહસિક એલન મસ્ક અવારનવાર સાચા – ખોટા કારણોસર સમાચારમાં ગાજતા રહે છે. નેટવર્કિંગ સોશ્યલ સાઈટ ‘ટ્વિટર’ ખરીદી લીધા પછી સર્જાયેલા વિવાદમાંથી બહાર આવે ત્યાં હમણાં હોલિવૂડના સુપરસ્ટાર જોની ડેપ અને એની ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડના માનહાનિનો જે ચકચારભર્યો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો એમાં આપણા આ એલનભાઈનું નામ સંડોવાઈ ગયું છે.
કહે છે કે એલન મસ્ક – એક્ટ્રેસ એમ્બર એકમેકના પ્રેમમાં હતા. જોની ડેપ સાથે મેરેજ થયા પછી પણ એલન અને એમ્બરની પ્રેમકથા (કે પછી લફરાંકથા!) ચાલુ રહી હતી.… આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે એલન મસ્કનો એક હમશકલ ચીનમાં ફૂટી નીકળ્યો છે. આમ તો કોઈ જાણીતી વ્યક્તિની હમશકલ કે એની જેવી લાગતી – દેખાતી અન્ય કોઈ વ્યક્તિ મળી આવે એમાં નવાઈ જેવું ખાસ કંઈ નથી. ખાસ કરીને ફિલ્મસ્ટાર્સના ડબલ( કે બોડી ડબલ) તમને ફિલ્મના સેટ્સ પર અવારનવાર જોવા મળે. આવા અનાયાસ દેખાતા હમશકલને અંગ્રેજીમાં ‘ડોપલગેંગર’(Doppelganger) કહે છે.
જો કે એલન મસ્કનો જે હમશકલ મળી આવ્યો છે, એ તો એટલો બધો અદ્લોઅદલ એના જેવો છે કે ખુદ એલન મસ્ક પણ એની તસવીરો અને વીડિયો ક્લિપ્સ જોઈને અવાક થઈ ગયો છે. આમાં મજાની વાત એ છે કે એલન મસ્કના કોઈ પણ અગત્યના સમાચાર આવે એ સાથે જ આ ડુપ્લિકેટ મસ્કના ફોટા કે એની વીડિયો પણ સોશ્યલ મીડિયા માર્કેટમાં વહેતી થઈ જાય…. ફરક માત્ર એટલો કે ઓરિજિનલ એટલે કે મૂળ એલન મસ્ક એની લાક્ષણિક અમેરિકન ઈંગ્લિશમાં બોલે તો એનો પેલો હમશકલ શુદ્ધ ચાઈનીસ ભાષામાં બોલે! પ્રેસ અને સોશ્યલ મીડિયામાં આ ચીની મસ્ક ‘ક્લોન મસ્ક’ તરીકે જાણીતો થઈ ગયો છે.
આ બધું જોયા પછી એલન મસ્ક કહે છે કે આજના ડિજિટલ જમાના ‘ડીપફેક’ ટેકનિકના દ્વારા આવા આબેહૂબ મસ્ક સરજી શકાય છે. આમ છતાં હું ખુદ મારા આ ચીની અવતારને રૂબરૂ જોવા – મળવા તત્પર છું. મારા આ ચીની હમશકલને ફોટા – વીડિયોમાં જોયા પછી મને પણ થવા લાગ્યું છે કે ગયા ભવમાં હું ચાઈનીસ તો નહીં હોઉં ને? સો વાતની એક વાત એ કે ‘મિસ્ટર અસલી મસ્ક, હવેથી તમારી પત્ની (કે પ્રેયસી!)ને આ નકલી ચીની મસ્ક્થી દૂર જ રાખજો, નહીંતર એ તમારો ડબલ તમારા માટે જ ક્યાંક ડબલ કે પછી ટ્રીપલ ટ્રબલ ઊભી ન કરી દે…!’
મરેલાઓને પણ રમાડ્યો જુગાર …
આપણે ત્યાં કોરોનામાં જે મૃત્યુ પામ્યા હોય એને સરકાર તરફથી રૂ. 50 હજારનું રોકડું વળતર આપવાનું નક્કી થયું છે. ઘણાને એ રકમ પહોંચી છે તો અનેકને એ ન મળ્યાના ધાંધિયા આપણે ત્યાં હજુ ચાલુ છે. આવા દરેક સરકારી વિતરણ વેળા ભ્રષ્ટાચારી ગીધડા એમના શિકાર માટે માથે મંડરાતા જ હોય છે. જો કે કોરોના ફંડની હેરાફેરી માત્ર આપણે ત્યાં જ થાય છે એવું નથી. બધે કાગડા બ્લેકના બ્લેક જ હોય છે.
હમણાં આપણા પાડોશી ‘ઊગતા સૂરજના દેશ’ જાપાનમાં પણ આવા ભ્રષ્ટાચારનો સૂરજ ઊગ્યો પણ જરા જુદી રીતે. બન્યું એવું કે જાપાનમાં કોરોનાને કારણે જે નગર – ગામના લોકોના વેપાર – ધંધાને આર્થિક નુકસાની થઈ હોય, એમને સરકારે ચોક્કસ વળતર આપવાની જાહેરાત કરી છે. કેટલું નુકસાન થયું અને વસતિ કેટલી છે એ મુજબ ત્યાંના લોકોને વળતર ચૂકવવામાં આવે છે. આ મુજબ જાપાનના યામાગુસી પ્રાંતના અબુ નામના એક ગામના લોકોને કોરોના રાહત પહોંચાડવામાં આવી. આ ખોબા જેટલા ગામમાં માંડ 463 પરિવાર વસે છે.
પરિવાર દીઠ 4 સભ્ય ગણીને સરકારે પ્રત્યેક પરિવારને 1 લાખ યેન (આશરે 775 ડોલર) આર્થિક સવલત આપવાનું નક્કી કરી, કુલ રકમ 46.3 મિલિયન યેન ગામના સરપંચના બેન્ક ખાતામાં મોકલી…ને જાણે કેમ એવી કશીક ગરબડ થઈ કે એ 3 કરોડ રૂપિયા જેટલી રકમ એ ગામના એક યુવાન શૉ તાગુચીના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ગઈ. આ ભૂલની જાણ થતા બેન્કે તાગુચીને તાકીદ કરી કે એ રકમ તાત્કાલિક પરત કરે. …આવી જાણ થાય એ પહેલાં જ તાગુચીએ બધી રકમ રોકડમાં પોતાના ખાતામાંથી કઢાવી લીધી હતી. સરકારી રાહત પહોંચી નહીં એટલે ગામાવાળાએ ઊહાપોહ શરૂ કર્યો. પછી મેયરે જે ગફલો થયો હતો એનો જાહેર ખુલાસો ગામની યુટ્યુબ ચેનલ પર કર્યો ને ગામવાળાને બાંયેધરી આપી કે પેલા યુવાન પાસેથી રકમ પાછી મેળવીને બધાને પહોંચાડશે.
બીજી તરફ પેલો યુવાન પણ મેયર અને બેન્કને ખાતરી આપતો રહ્યો કે આજકાલમાં એ રકમ પરત પહોંચાડશે.… આ બધામાં દસેક દિવસ વીતી ગયા પછી મેયર અને બેન્કવાળા રકમની ઉઘરાણી કરવા રૂબરૂ પેલા યુવાનના ઘેર ગયા ત્યારે યુવાન શૉ તાગુચી અને એનો વકીલ મળ્યા. વકીલે ધડાકો કર્યો કે પેલી 46.3 મિલિયન યેનની રકમ તો એનો અસીલ કસિનોમાં જુગાર રમતાં કયારનો હારી ગયો છે. …અત્યારે એની પાસે ફૂટી કોડી પણ નથી! પેલા જુગારી યુવાન તાગુચીએ પણ મેયર તથા બેન્કવાળાની હાથ જોડીને માફી માંગતાં કહ્યું કે ‘ભઈસા’બ, ભૂલ થઈ ગઈ. જુગારમાં હાર – જીત તો થતી રહે છે. આજે હું હાર્યો છું પણ કાલે જીતીને દેખાડીશ ને ગામની ઉધારી હું ધીરે ધીરે ચૂકવી દઈશ. …પ્રોમિસ!’ ઉમેરવાની જરૂર નથી કે આવો આ ફિલસૂફ વત્તા અઠંગ જુગારી તાગુચી આજે કસિનોમાં કરન્સીના ટોકનને બદલે જેલના સળિયા ગણી રહ્યો છે.…
- ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
વિશ્વભરના લોકો વર્ષના 365 દિવસમાંથી જુદા જુદા કારણોસર લગભગ 320 દિવસની ઉજવણી કરે છે. આમાંથી કેટલાક આપણે નથી પણ ઉજવતા. આમ છતાં ભારતમાં પણ 65 જેટલા દિવસની અલગ ઉજવણી થાય છે. આ બધા વચ્ચે તાજેતરમાં 14 જૂનના રોજ એક વિચિત્ર લાગે એવા એક આંતરરાષ્ટ્રીય દિવસની પણ ઉજવણી થઈ. એ છે ‘ઈન્ટરનેશનલ બાથ ડે’. કારણ એ જ કે ઈશુ જન્મના 287 વર્ષ પૂર્વે ઈટાલીના પ્રખર ગણિત – ભૌતિકશાસ્ત્રના વિશેષજ્ઞ એવા આર્કિમિડીઝે બાથટબમાં સ્નાન કરતી વેળા વજન(વેઈટ) તથા ઘનમાપ(વૉલ્યુમ)ને લગતો એક અતિ મહત્ત્વનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. એ વેળાએ એમણે ઉચ્ચારેલો ‘યુરેકા’ શબ્દ આજે ઐતિહાસિક બની ગયો છે. જેની સ્મૃતિમાં 14 જૂને ‘બાથ ડે’ની ઉજવણી થાય છે.… - સ્લિપ એકસપર્ટસ – ઊંઘ નિષ્ણાતોનું સંશોધન કહે છે કે તમારી 70 વર્ષની આયુ દરમિયાન એક અંદાજે તમને 2 લાખ 50 હજાર વાર બગાસાં આવશે…!
* ઈશિતાની એલચી *
રાજકરણ એક એવો ધંધો છે, જેમાં અંધા અને ખંધા જ ચાલે…!!