દમણ: સંઘપ્રદેશ દમણના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલને દમણ કોર્ટે (Daman court ) 4 વર્ષની કઠોર કારાવાસની સજા (Imprisonment Punishment) સંભળાવી છે. ડબલ મર્ડર કેસ (Double murder case) બાબતે પૂછપરછ કરવા જિલ્લા પંચાયતે પહોંચેલી પોલીસને જોઈ સુખા પટેલ (Sukha patel) ફરાર થયા બાદ બિન જામીનપાત્ર વોરંટ (Warrant) ઈશ્યુ થયા પછી કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હોય તો પણ કોર્ટની અવગણના કરી હાજર ન થતાં આખરે કોર્ટે આ કેસ સંદર્ભે ફટકારી આકરી સજા ફટકારી છે.
1 એપ્રિલ-2018ના રોજ ડાભેલના વિશાલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં અમુક અજાણ્યા લોકોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને ભીમપોરમાં રહેતા અજય રમણ પટેલ ઉર્ફે માંજરો અને તેનો મિત્ર ધીરેન્દ્ર દુર્લભ પટેલ ઉર્ફે ધીરુની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે નાની દમણ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરી આ કામના આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કરી દેશનાં અલગ અલગ રાજ્યોમાંથી 15 આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જે પૈકી 13 આરોપી ન્યાયિક હિરાસતમાં હોય, ત્યારે આ કેસ સંદર્ભે દમણના પૂર્વ જિ.પં. પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ તથા તેમના સાથી પણ આ હત્યા પ્રકરણમાં સમલિપ્ત હોવાના આશય સાથે પૂછતાછ માટે દમણ પોલીસની એક ટીમ 21 ઓક્ટોબર-2020ના રોજ જિ.પં. ખાતે પહોંચી હતી. પરંતુ પોલીસને જોઈ સુખા પટેલ જિ.પં.ની દીવાલ કૂદી ફરાર થઈ ગયા હતા. જેને લઈ સુખા પટેલ સામે બિન જામીનપાત્ર વોરંટ (Non-bailable warrant) જારી કરવામાં આવ્યો હતો. તેમ છતાં સુખા પટેલ ભાગતો જ રહ્યો હોવાથી કલમ-82 અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ડબલ મર્ડર કેસના આરોપીને કારાવાસની સજા
દમણ કોર્ટે સુખા પટેલને 13 જાન્યુઆરી-21 સુધી દમણ કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પરંતુ સુખા પટેલ હાજર ન થતાં કોર્ટે તેમને આરોપી ઘોષિત કર્યા હતા. જ્યારે આ મામલે નાની દમણ પોલીસ મથકે આઈ.પી.સી.ની કલમ 174 એ અંતર્ગત 27 એપ્રિલ-21ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો અને આ કેસની તપાસ પી.એસ.આઈ. લીલાધર મકવાણાને સોંપવામાં આવ્યો હતો. જેમાં અધિકારીએ જરૂરી પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એ બાદ ચાલેલા કેસ અને રજૂ કરાયેલા સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાન પર લઈ દમણ કોર્ટે 4 જાન્યુઆરી-22ના રોજ સુરેશ ઉર્ફે સુખા પટેલને દોષિત ઘોષિત કરી 4 વર્ષની કઠોર કારાવાસ અને રૂ.25 હજારના દંડની સજા ફટકારી છે. જો આ રકમ ભરપાઈ ન કરે તો વધુ 1 વર્ષની સજાનું પણ પ્રાવધાન કર્યું છે.