ઉત્તરાખંડ સતત કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટ્યાની ઘટનાના એક દિવસ પછી, હવે પૌરી જિલ્લામાં પણ વાદળ ફાટ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના પૌરી જિલ્લાના વિકાસ બ્લોકના સારાસોં ચૌથન થાલિસા ગામમાં બની હતી.
ગામની બાજુમાં રસ્તા પાસે નેપાળી મજૂરોનો તંબુ ગોઠવવામાં આવ્યો હતો. અચાનક વાદળ ફાટતા ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહથી 3 થી 4 નેપાળી મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી હતી, ખૂબ મુશ્કેલીથી તેમને કાટમાળમાંથી બહાર કાઢ્ય હતા.
જેઓને બહાર કાઢવામાં આવ્યા છે, તેમને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે કેટલાક લોકોને નજીકની શાળામાં તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે અને એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે કેટલાક મજૂરો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મશીનરીની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ઘટના પછી વિસ્તારમાં ભયનો માહોલ છે. સતત વરસાદને કારણે જમીન ધસારા અને અન્ય દુર્ઘટનાઓનો ખતરો યથાવત છે. પ્રશાસને લોકોને સાવધાની રાખવા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરી છે.