Dakshin Gujarat

ડોસવાડાની હિંદુસ્તાન ઝીંક લિમિટેડની લોક સુનાવણીનો જોરશોરથી વિરોધ

સોનગઢના ડોસવાડા જીઆઇડીસીમાં હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કંપનીનો પાયો નંખાય તે પહેલાં જ વિવાદમાં સપડાઇ છે. આ કંપની શરૂ થતાં પહેલાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૫મી જુલાઇના રોજ રાખવામાં આવેલી લોક સુનાવણીનો જોરશોરમાં વિરોધ થયો છે. આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તેમજ ડોસવાડા સહિતનાં આસપાસનાં ગામો, જૂથ ગ્રામ પંચાયતના સરપંચોએ આ કંપનીનો વિરોધ નોંધાવી તે માટેની લોક સુનાવણી પણ તાત્કાલિક આશરે રદ કરવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને કલેક્ટર મારફતે આવેદન આપ્યું છે.

લોક સુનાવણી રદ કરવામાં ન આવે, તો તા.૩૦મી જૂનથી ધરણાં સહિતના આકસ્મિક કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે. પર્યાવણીય લોક સુનાવણી રદ કરવા આદિવાસી એકતા અને વિકાસ આંદોલન સાથે અસરગ્રસ્ત ગામોમાં ડોસવાડા, કુમકૂવા, ખાંજર, મુસા, કેળઇ, તાડકૂવા, કાનપુરા સહિતના સરપંચોએ પણ માંગ કરી છે. કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં લઇને લોકો ભેગા ન થાય અને કોવિડ-૧૯ વાયરસનો ફેલાવો ન થાય તેની ગંભીર નોંધ લેવા જણાવ્યું છે.

વધુમાં ઉમેર્યુ છે કે, મેસર્સ હિંદુસ્તાન ઝીંક લિમિટેડ દ્વારા પર્યાવરણીય લોક સુનાવણી સંદર્ભે કમિટીએ દર્શાવેલી “પર્યાવરણીય અસરોની આકારણી/ મૂલ્યાંકન”ની નકલો રાજ્યના વહીવટી ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી. ફક્ત અંગ્રેજી ભાષામાં ‘ENVIRONMENTAL IMPACT ASSEEEMENT’ના મથાળાવાળા અંગ્રેજી ભાષામાં લખાયેલાં સાહિત્ય ઉપલબ્ધ છે. તેની નકલ પણ વાદ-વિવાદ કર્યા વગર મળતી નથી. જે ન્યાય પ્રણાલી તથા કાયદા-કાનૂનની વિરુદ્ધનું કૃત્ય છે.

Most Popular

To Top