Dakshin Gujarat

ડોસવાડામાં વેદાંતા ઝીંક કંપનીની પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી, પ્રોજેક્ટ રદ કરો

સોનગઢના ડોસવાડામાં વેદાંતા ઝીંક કંપનીને પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા વાલોડ આદિવાસી પંચે કલેક્ટર મારફતે મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને આવેદન આપ્યું છે. જણાવ્યું છે કે, વેદાંતા કંપની સાથે એમઓયુ કરી ૫મી અનુસૂચિ વિસ્તારના આદિવાસીઓની જમીન સંવિધાન વિરુદ્ધ ખાનગી કંપનીને આપી છે. જેની આદિવાસી સલાહકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી નથી કે, તેના પર રાજ્યપાલનું કોઈ નોટિફિકેશન નથી.

વેદાંતા કંપનીના રિપોર્ટ મુજબ ૧૦ કિ.મી.ના વિસ્તારમાં કોઈ કોર્ટ કે જંગલ નથી, એ તદ્દન ખોટી માહિતી છે. જેનાથી સાબિત થાય છે કે કંપની વાસ્તવિકતા છુપાવી પર્યાવરણને નુકસાન પહોંચાડવા માંગે છે. આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર દેવલી માડી (ડુંગર) ૪ કિ.મી.ના વિસ્તારમાં છે. તેને ભયંકર નુકસાન થાય એમ છે. આદિવાસીઓની જમીન જાહેર હિતમાં સંપાદન કરી સરકાર દ્વારા જીઆઇડીસીને આપવામાં આવી હતી. હાલમાં હેતુફેર કરી સ્થાનિકોના વિરુદ્ધ વેદાંતા ખાનગી કંપનીને આ જમીન ફાળવવામાં આવી છે. જે ભારતના સંવિધાનની ૫મી અનુસૂચિ વિરુદ્ધનું કૃત્ય છે.

સરકારના જમીન સંપાદનના કાયદા મુજબ પાંચ વર્ષમાં કોઈપણ જમીન જે હેતુ માટે લીધી હોય એ હેતુ માટે ના વપરાય તો એ જમીન જેતે માલિકને હેતુફેરથી આપવાનો કાયદો છે. હાલમાં ઉકાઈ, નર્મદા, કાકરાપર યોજના અને કાકરાપર અણુમથક પ્રોજેક્ટનાં કારણે હજારો લોકોએ જમીનવિહોણા થઈ સ્થળાંતર થવું પડ્યું છે. જેના કારણે આદિવાસીઓ ઘરબાર, કુટુંબ કબિલા વિહોણા થઈ જતાં પ્રકૃતિ-સંસ્કૃતિ અને રૂઢિ પરંપરા વિહોણા થઈ રોડ રસ્તા પર રઝડતા થયા છે.

ડોસવાડા વેદાંતા કંપનીમાં ૫000 લોકોને રોજગારીની વાત પણ પાયાવિહોણી અને ભરમાવવા વાળી છે. એના રિપોર્ટ મુજબ ૧૬૫૦ કાયમી અને ૨૫૦ હંગામી કામદારોને રોજગારી આપવાનું જણાવ્યું છે. હજુ સુધી ડેમના આજુબાજુના વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી આપવામાં આવ્યું નથી. હવે ડોસવાડા ડેમનું પાણી પણ ખેડૂતોને બદલે ઝીંક કેમિકલ વેદાંતા કંપનીને મળશે. રોજના ૪.૫ કરોડ લિટર પાણીની જરૂરિયાત એમના રિપોર્ટમાં જ છે. ખેતી મુખ્ય આવકનું સાધન હોય ખેડૂતો પાયમાલ થઈ જશે. પીવાનું પાણી પણ નહીં મળે અને પાણી પણ પીવાલાયક રહેશે નહીં. સાથે જ આ પ્રોજેક્ટ ચાલુ થશે તો આસપાસના એક કિ.મી.ના વિસ્તારમાં હજારો એકર ખેતી નાશ પામશે તેવું આવેદનમાં જણાવ્યુ છે.

પ્રોજેક્ટથી ગંભીર પ્રકારના પર્યાવરણીય પ્રશ્નો ઊભા થશે
વ્યારા: કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવાનું આયોજન નથી. મર્ક્યુરી, સીશુ, કેડિયમ, આર્સેનિક અને ઝીંક જેવા અત્યંત ઝેરી અને ભારે ધાતુનું ઉત્પાદન થશે. જેનો મિંઢોળા નદીમાં કેમિકલયુક્ત કચરો ઠાલવશે, લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેમ છે. સંવિધાનની કલમ મુજબ રાજ્યપાલને આદિવાસીઓના હિતમાં નિર્ણય કરવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જીઆઇડીસીની જમીન આપવાનો કરેલો એમઓયુ રદ કરી આ જમીનો સ્થાનિક જમીનવિહોણા આદિવાસીઓને ફાળવી આપવાનો હુકમ થવો જોઇએ.

Most Popular

To Top