SURAT

દોરાબદારૂ મસાલાની પેઢી આજે 157 વર્ષે પણ ગ્રાહકોને ઉત્તમ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ અને મસાલાની સાથે સેટીસ્ફેકશન પણ આપે છે

આજના સમયમાં કોઈ માલિક પોતાના નોકરને નામે આખી દુકાન કરી દે તેવું ભાગ્યે જ બને. પણ 1937માં ચૌટાબજારમાં કેખસરૂ દોરાબજી પાધડીવાલા નામના દિલદાર પારસી દુકાન માલિકે પોતાની 1965થી ચાલતી મસાલા અને જડીબુટ્ટીની દુકાન તેમને ત્યાં નૌકરી કરતા હિન્દૂ મગનલાલ ગાંધીને નામે કરી હતી. પણ શર્ત એક જ રાખી હતી કે પેઢીનું નામ બદલવું નહીં. માલિકને આપેલું આ વચન મગનલાલ ગાંધી બાદ તેમની આજે ચોથી પેઢી પણ પાળી રહી છે અને આ પેઢી 157 વર્ષે પણ દોરાબદારૂ મસાલાના નામે ડ્રાયફ્રૂટ, મસાલા અને જડીબુટ્ટીનું વેચાણ કરી રહી છે. સુરતમાં ઘરે-ઘરે જાણીતું બનેલું દોરાબદારૂ મસાલાની પેઢીની એક ખાસિયત એ પણ છે કે ગ્રાહક તેમને ત્યાંથી જે સામાન લઈ જાય તે સામાનનું પેકીંગ ખોલ્યાં બાદ ગ્રાહકને માલ પસંદ નહીં આવે તો આ ઉદાર દિલ પેઢી ગ્રાહકોએ ખોલ્યા બાદ પેકીંગ સાથેનો માલ પાછો લઈ ગ્રાહકને પૈસા પરત કરે છે અને ગ્રાહક પાસેથી બીલ પણ નથી માંગતા એટલે જ સુરતીઓ આંખો મીચીને આ પેઢીના ઉત્તમ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ અને મસાલાની સાથે સેટીસ્ફેક્શન પણ ઘરે લઈ જાય છે.

આ પેઢીનો પાયો પારસી દોરાબજી પાઘડીવાલાએ નાંખ્યો હતો: વિનોદભાઈ દોરાબદારૂવાલા
1967-68થી આ પેઢીનું સંચાલન કરી રહેલાં વિનોદભાઈ ચીમનલાલ દોરાબદારૂવાલાએ જણાવ્યું કે, મૂળ તો આ પેઢીનો પાયો પારસી કોમના દોરાબજી રતનજી પાઘડીવાલાએ 1865માં નાંખ્યો હતો. ત્યારબાદ આ પેઢીનું સંચાલન તેમના પુત્ર કેખસરૂ પાઘડીવાલાએ કર્યું હતું. ત્યારબાદ કેખસરૂએ તેમની આ પેઢીમાં નૌકરી કરતાં મારા દાદા મગનલાલ મોતીરામ ગાંધીને 1937માં દીકરીઓના લગ્ન બાદ આ દુકાન સોંપી હતી. મારા દાદા મગનલાલ ગાંધી બાદ મારા પિતા ચીમનલાલ ગાંધીએ આ પેઢી સંભાળી હતી. અત્યારે ત્રીજી હું અને ચોથી પેઢીએ મારો મોટો દીકરો વીરેન તથા નાનો દીકરો નેવીલ આ પેઢીનું સંચાલન કરી રહ્યા છીએ. આ પેઢી જ્યારે અસ્તિત્વમાં આવી હતી ત્યારે ભાગળ પર મસાલા અને જડીબુટ્ટીની ત્રણ કે ચાર દુકાન હતી અને ચૌટાબજારમાં અમારી દુકાન સાથે ત્રણ દુકાન અને ચોકમાં બે કે ત્રણ પેઢી હતી.

મેંદાની સેવ કરાંચી અને મરચું વારંગલથી લાવતાં: વીરેનભાઈ દોરાબદારૂવાલા
આ દુકાનની ચોથી પેઢીના સંચાલક વીરેનભાઈ દોરાબદારૂવાલાએ જણાવ્યું કે મારા પિતા વિનોદભાઇ (વિનુભાઈ)ના દાદા મગનલાલ જાતે મસાલો તૈયાર કરાવતા. તે સમયે મસાલો ખાંડવા, પેકીંગ કરવા મશીન નહીં હતાં એટલે ખાંડણીમાં મસાલો ખાંડવામાં આવતો. મારા દાદા ચીમનલાલે બિઝનેસ ડેવલપ કર્યો હતો. તેઓ મેદાની સેવ લેવા ટ્રેનમાં કરાંચી જતાં. એલચી લેવા કર્ણાટકના શખલેશપુર અને સિરસી આ બે સેન્ટર પર જતાં. જીરું, રાઈ, મેથી લેવા ઉત્તર ગુજરાતના ઊંજા, કેસર કાશ્મીરથી અને મરચું આંધ્રપ્રદેશના વારંગલથી અને મરી-મસાલા મુંબઈ મસ્જિદ બંદરથી લઈ આવતાં. આ ઉપરાંત મેથી મધ્યપ્રદેશના જાવરાથી લાવવામાં આવતી. કાજુ લેવાં ગોવાના કરકલા જતાં. ઉચ્ચ ક્વોલિટી માટેનો માલ લાવવા મારા દાદા ચીમનલાલ એક મહિનાની ટ્રીપ કરતાં, મારા પપ્પા વિનોદભાઈ 15 દિવસની ટ્રીપ કરતાં, હું અને મારો ભાઈ નેવીલ ત્રણ કે ચાર દિવસની ટ્રીપ કરીએ છીએ. હવે મેંદાની સેવ અમદાવાદથી આવે છે. શિયાળા પાક માટે વપરાતી જડીબુટ્ટી જેમકે ગોખરુ, શતાવરી, અશ્વગંધા લોકલ માર્કેટમાંથી લેવાય છે. હવે માલ વ્હોટ્સઅપ પર મેસેજ કરીને ઓર્ડર આપી મંગાવાય છે.

પહેલાં સરનેમ ગાંધી હતી: નેવીલ દોરાબદારૂવાલા
ચોથી પેઢીના સંચાલક નેવીલ દોરાબદારૂવાલાએ જણાવ્યું કે પહેલાં અમારી સરનેમ ગાંધી હતી. આ પેઢીમાં સક્સેસ મળતાં અને અમને ટ્રસ્ટ બેસતા દોરાબદારૂવાલા સરનેમ અપનાવી લીધી છે. મારા અને મારા મોટાભાઈ વીરેનભાઈના સંતાનોની સ્કૂલ અને કોલેજમાં સરનેમ દોરાબદારૂવાલા કરવામાં આવી છે. કેખસરૂની રિકવેસ્ટ હતી કે પેઢીનું નામ અને ગુડવીલ જાળવી રાખવામાં આવે. તે જાળવવાની સાથે અમે સરનેમ પણ દોરાબદારૂવાલા અપનાવી લીધી છે. હવે સુરતમાં દોરાબદારૂવાલા અમારી ઓળખ બની ગઈ છે. મારું નામ નેવીલ પણ પારસી નામ પરથી જ રાખવામાં આવ્યું છે.

કેખસરૂના વંશજો સાથે આજે પણ ઘરોબો
વિનોદભાઈ (વિનુભાઈ) દોરાબદારૂવાલાએ જણાવ્યું કે, કેખસરૂ દોરાબજી પાઘડીવાલાની બે દીકરીઓના સ્વજનો સાથે આજે પણ અમે ઘરોબો જાળવી રાખ્યો છે. કેખસરૂની દીકરી શેહનાઝની દીકરીના લગ્નમાં હું મુંબઈ પણ ગયો હતો. એ લોકો સુરતમાં આવે ત્યારે અમારા ઘરેજ રોકાય છે. સારા નરસા પ્રસંગોમાં અમે લોકો એકબીજાના ઘરે જતાં-આવતાં હોઇએ છીએ.

ગ્રાહકો મસાલો ખરીદવા ઘોડાગાડીમાં આવતાં
તે સમયે વાહનવ્યવહારમાં ઘોડાગાડીનો ઉપયોગ થતો એટલે ગ્રાહકો વેડ, ડભોલી, સિંગણપોર, વરિયાવ જેવાં ગામોથી ઘોડાગાડીમાં મસાલો ખરીદવા આવતાં. પારસી ગ્રાહકો ઘોડાગાડીમાં વધારે આવતાં. આ પેઢીમાં જે માલ અલગ-અલગ જગ્યાઓ પરથી ટ્રેનમાં આવતો અને દુકાન સુધી માલ ઘોડાગાડીમાં લાવવામાં આવતો.

નુક્કડ સીરિયલના ખોપડી (સમીર ખાખર) 10 વર્ષથી માલ મંગાવે છે
દૂરદર્શન પર ઘણાં વર્ષો પહેલાં નુક્કડ નામની સિરિયલ આવતી હતી તેમાં એક કેરેક્ટર ‘ખોપડી’ નું હતું જે કાયમ દારૂ પીધેલી અવસ્થામાં જ રહેતો. જેમનું અસલી નામ સમીર ખાખર છે અને તે મુંબઈમાં રહે છે. તેઓ છેલ્લાં 10 વર્ષથી દર ત્રણ-ચાર મહિને સામાન આ પેઢીમાંથી જ મંગાવે છે.

લગ્નનો 18-19 હજારનો માલ પાછો લીધો હતો
સચિનના એક ગ્રાહકને ત્યાં લગ્ન હતાં. લગ્નનાં પાંચેક દિવસ પહેલાં ગ્રાહક દુકાનમાંથી 18-19 હજારનો માલ લઈ ગયાં હતાં. પણ લગ્નના બે-એક દિવસ પહેલાં એમના કોઈ સગાનું નિધન થતાં ગ્રાહકનો આ સામાન પાછો લીધો હતો અને પૈસા પરત કર્યા હતાં.

લંડનની એક હોટેલમાં માલ જાય છે
લંડનમાં સ્થિત એક હોટેલમાં આ પેઢીનો મસાલો જાય છે. આ પેઢીનાં ડ્રાયફ્રૂટ અને મરી-મસાલા ઇન્ડિયામાં બેંગ્લોર, પુણે, મુંબઈ,અમદાવાદ, બરોડા, અંકલેશ્વર, ભરૂચ સુધી જાય છે. સુરતની ઘણી પ્રખ્યાત હોટેલ અને લારીઓમાં આ પેઢીના મસાલા જાય છે.

2006ની રેલમાં ચારેક લાખનું નુકસાન થયું હતું
1968માં સુરતમાં ભયંકર રેલ આવી હતી જોકે સમય હોવાથી માલ ઉપર ચઢાવી દીધેલ એટલે પેઢીને સામાન્ય નુકસાન થયું હતું. જોકે, 2006ના પુરમાં દુકાનમાં 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. વીરેનભાઈએ જણાવ્યું કે 2006ની રેલ વખતે અડાજણમાં પાણી વધારે ભરાયું હતું એટલે દુકાન સુધી પહોંચી શકાય એમ માલને 4 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. કોવિડના સમયે હોમ ડિલિવરી કારવામાં આવતી.

વંશવેલો
દોરાબજી રતનજી પાઘડીવાલા # કેખસરુ દોરાબજી પાઘડીવાલા # મગનલાલ મોતીરામ દોરાબદારૂવાલા (ગાંધી) ચીમનલાલ મગનલાલ દોરાબદારૂવાલા # વિનોદભાઈ (વિનુભાઈ) ચીમનલાલ દોરાબદારૂવાલા # વીરેનભાઈ વિનોદભાઈ દોરાબદારૂવાલા # નેવીલભાઈ વિનોદભાઈ દોરાબદારૂવાલા

Most Popular

To Top