નડિયાદ: કોરોના મહામારીને પગલે હાલ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર બંધ છે. નગરજનો ઉપરાંત બહારથી આવતાં શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકોને મંદિરના પાછલા બારણેથી અંદર લઈ જઈ વી.આઈ.પી. દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. ડાકોરમાં પૂનમના દિવસે આઠ જેટલી બહેનો નિજમંદિરમાં છેક ભગવાનના ચરણ સ્પર્શ કરતા સુધી પહોંચી ગયા હતાં. જ્યારે હજારોની સંખ્યામાં આવેલા ભક્તો બહાર ધજાના દર્શન કરીને જ પરત ફર્યાં હતાં.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના મંદિરમાં સેવા-પુજા કરતાં સેવકો વચ્ચે અંદરોઅંદર છેલ્લાં ઘણાં સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. તેમાંય વૈશાખ પુનમના દિવસે શ્રી રણછોડરાયજી નિજમંદિરમાં મહિલાઓ પ્રવેશતા વિવાદ ઉભો થયો છે. મંદિરમાં સવારના સમયે શણગાર આરતી બાદ બરાબર 9-30 વાગ્યાના સમયે મંદિરના સેવક પરિવારની આઠ મહિલાઓ નિજમંદિરમાં પ્રવેશી ગઈ હતી. આ મહિલાઓએ એક પછી એક રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના ચરણસ્પર્શ કરી, તુલસી ચઢાવી ભેટ મુકી બહાર નીકળી ગયાં હતાં. ભગવાનની મર્યાદા ખંડિત કરતી આ મહિલાઓ લાઈવ દર્શન માટે મુકવામાં આવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેને કારણે લાઈવ દર્શન કરી રહેલાં શ્રધ્ધાળુઓ આ દૃશ્ય જોઈ અચંબિત થઈ ગયાં હતાં. હાલ કોરોના મહામારીમાં મંદિરના દરવાજા બંધ હોવાથી હજારો ભક્તો બહારથી જ ધજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે માલેતુજારોને નિજમંદિર સુધી સેવકો લઇ જઇ રહ્યાં છે.
જોકે, પુનમના દિવસે બનેલા બનાવમાં મંદિરના કર્મચારી પર હુમલો થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બનાવમાં પણ સઘન તપાસ જરૂરી બની છે.
- મંદિર મેનેજમેન્ટની બેવડી નિતીથી ભક્તોમાં રોષ
ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ભગવાનના ભક્તો શ્રીજીની એક ઝલક પણ ન લઇ શકે તે રીતે મુખ્ય દ્વાર પણ બંધ રાખવામાં આવે છે, તો બીજી તરફ વી.આઇ.પી અને તેમના પરિવારજનોને નિજ મંદિરમાં દર્શન કરવા લઇ જવામાં આવે છે. મેનેજમેન્ટની આ બેવડી નિતી સામે શ્રધ્ધાળુઓ તેમજ ડાકોરના નગરજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
- મંદિરના મેનેજરનું સૂચક મૌન
આ મામલે ડાકોર શ્રી રણછોડરાજી મંદિરના વર્તમાન મેનેજર અરવિંદભાઇ મહેતાનો સંપર્ક સાધતા તેઓએ રૂબરૂ મળવા આવવાનું જણાવ્યું હતું. જોકે, મહિલાઓના નિજ મંદિર પ્રવેશ મામલે તેમણે ચુપકિદી સેવી હતી.
ઠાકોરજીને ચરણસ્પર્શ કરવાના કેસમાં સેવક સામે ગુનો નોંધાયો
નડિયાદ: ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં સેવક પરિવારની સાત મહિલાઓએ નિયમનો ભંગ કરી ભગવાનના ચરણસ્પર્શ કરતાં ભારે વિવાદ સર્જાયો હતો. આ મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરાવનાર સેવક વિરૂધ્ધ ડાકોર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં તારીખ ૨૬-૫-૨૧ ને વૈશાખ સુદ પુનમના દિવસે સવારના સમયે શણગાર આરતી બાદ મંદિરના વારાદારી સેવક પરેશભાઈ રમેશચંદ્ર પોતાના પરિવારની સાત મહિલાઓને લઈને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરના કર્મચારીએ રોકવા છતાં તેઓ માન્યાં ન હતાં અને નિજમંદિરમાં પ્રવેશી ગયાં હતાં.
જે બાદ આ તમામ મહિલાઓએ નિયમનો ભંગ કરી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના ચરણસ્પર્શ કરી દર્શન કર્યાં હતાં. આ સમગ્ર ઘટના મંદિરના લાઈવ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લાઈવ દર્શન નિહાળતા શ્રધ્ધાળુઓ આ દ્દશ્ય જોઈ ચોંકી ઉઠ્યાં હતાં. જોતજોતામાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો હતો. આ બનાવના અગિયાર કલાક બાદ ડાકોર મંદિરના મેનેજર દ્વારા આ બાબતે ડાકોર પોલીસમથકમાં ફરીયાદ આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે પરેશભાઈ રમેશચંદ્ર સેવક વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.