ઘરમાં એકના એક દીકરાની સગાઈ થઇ. સરસ બધાને ગમી જાય તેવી વહુ મળી અને બધા ખુશ ખુશ થઈ ગયાં.ઘરમાં હવે લગ્નની વાતો થવા લાગી. લગ્ન લેવાયાં અને લગ્નની તારીખ નક્કી હજી કરવાની હતી. તે દિવસથી દીકરાની મમ્મીના મોઢા પર લગ્નના દરેક પ્રસંગ બરાબર પાર પડશે કે નહિ, બધા ખુશ થઇ જાય તેવી રીતે લગ્ન ઉજવાશે કે નહિ, લગ્નની આડે કોઈ વિઘ્ન તો નહિ આવે ને, બધા રાજી અને ખુશ રહેશે ને, દીકરા -વહુની બધી ઈચ્છા પૂરી થશે ને આવી અનેક ચિંતાઓ છવાઈ ગઈ. લગ્નની બાબતને લઈને મમ્મી સતત ચિંતામાં રહેતી. તેના મનની આ ચિંતા બધાએ ઘણું સમજાવ્યું છતાં દૂર થતી ના હતી.આ ચિંતાને કારણે ઘણી વાર તે કામ અધૂરાં પડ્યાં હોય અને વિચારે ચઢી જતી.વારંવાર તેનું ડાયાબીટીસ વધી જતું.
કયારેય કારણ વિના બહુ ચિંતાના ભાર હેઠળ તે બધાં પર ખીજાઈ જતી. એક દિવસ બધા નિકટનાં સ્વજનો લગ્ન વિષે નક્કી કરવા ભેગાં થયાં હતાં અને બેસીને મજાક મસ્તી કરતાં હતાં. તેમાં મમ્મી અચાનક ગુસ્સે થઈ ગઈ કે ‘ઘરમાં કોઈને જવાબદારીનું ભાન નથી, કોઈને લગ્નની ચિંતા નથી, કોઈ તૈયારીમાં વ્યવસ્થિત ધ્યાન આપતું નથી.’ બધા ડઘાઈ ગયા કે અચાનક મમ્મીને શું થઇ ગયું. બધા ચૂપ થઈ ગયા.મમ્મીનો નાનો ભાઈ ઊભો થયો અને પાણીનો ગ્લાસ મોટી બહેનના હાથમાં આપ્યો અને કહ્યું, ‘આ શું બહેન, શાંત થઇ જા.શું ખોટી ચિંતા કરે છે અને બધા પર ખોટો ગુસ્સો કરે છે. બધું કામ બધાં સમજીને કરે જ છે અને બરાબર જ થશે.
તું ખોટી ચિંતા કરે છે.’ મમ્મીને પોતાની ભૂલ લાગતાં તે રડવા લાગી.ભાઈએ તેને સોફા પર બેસાડી શાંત કરતાં કહ્યું, ‘બહેન ,તું આ ચિંતા કરવાનું છોડી દે. મને કહે, શું તારા ચિંતા કરવાથી બધાં કામ આપોઆપ થઈ જશે? …ના કામ કરવાથી જ થશે અને હજી ઘણો સમય છે. દરેક સમયાનુસાર બધાં કામ થઈ જ જશે.તું ચિંતા કરીને કોઈ મદદ નથી કરતી અને આ કારણ વિના ખોટી ચિંતા કરવી સાવ નકામી છે.તે માત્ર સમયની બરબાદી કરે છે. તારી તબિયત ખરાબ કરે છે. આ ચિંતા કરવાથી જે થવાનું હોય છે તે બદલી શકાતું નથી અને તેં આજે બધાને ખીજાઈને મૂડ ખરાબ કર્યો તેમ આવતી કાલની ચિંતા આજની ખુશી ચોરી જાય છે. ચિંતા કરનારને ચિંતા ખોટા ખોટા બીઝી રાખે છે.કંઈ જ કામ કરવા દેતી નથી અને આ ચિંતાનો ભાર તને થકવી નાખે છે.માટે ચિંતા કરવાનું છોડી દે તો તું વધુ સારી રીતે કામ કરી શકીશ.’ કોઈ એક પ્રસંગની કે આવનારા ભવિષ્યની નાની કે મોટી કોઈ ચિંતા કરો નહિ.ચિંતા કરવી સમયનો વેડફાટ છે અને કરનારનાં તન અને મનને થકવી નાખે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.