Charchapatra

 હિંદુ-મુસ્લિમ સાથે રહેવા નથી માંગતા કે સરકારે રહેવા નથી દેવાં?

હાલમાં ખંભાતમાં જે વર્ગવિગ્રહ થયો તે નિંદનીય છે. જયારે આવા બનાવો બને છે ત્યારે નિર્દોષ વ્યકિતઓ કે જેમને આ બાબતે કશી લેવા દેવા નથી. તેમ છતાં તેમનાં મકાન, દુકાન, ગાડીને નુકસાન થાય છે તે શું યોગ્ય છે? મિત્રો, રાજકારણ અંગ્રેજોના જમાનાની રીત રસમ અજમાવી ભાગલાવાદી રાજકારણ રમી પોતે આપણા ખર્ચ વિમાનમાં અને એ.સી. કારમાં ફરે છે. એમનું ધ્યેય ફકત સત્તા પ્રાપ્ત કરવાનું છે. પ્રજાની પીડાની જરાય પડી નથી. અમે 1966 થી 1971 એમ છ વર્ષ સુધી મુસ્લિમના મકાનના માળ ઉપર ભાડે રહ્યા. આવા ખખડધજ મકાનમાં બે લગ્નો પણ પૂર્ણ કર્યાં. દિવાળીના સમયે એમના આંગણામાં રંગોની અને રંગોળી પણ ભગવાનની પણ હોય. તો પણ વિરોધ નહીં. ઘરનાં માલિક વિધવા માજી મોડી રાત સુધી જાગે. રંગોળી પર પોતાનો હીંચકો ઢાંકે, જેથી કૂતરા રંગોળી બગાડે નહીં.

1968 ની તાપી નદીની રેલમાં એમના ઘરમાં પાણી ભરાતાં બે દિવસ અમે સાથે રહ્યાં જે હતું તે વહેંચીને ખાધું. જયારે આજે અશાંતધારો, લવજેહાદ, વહાબ કાયદાના કોઇ ફાયદા નથી. માનવતા જરૂરી છે. જયારે કોઇ પણ વ્યકિતને લોહીની જરૂર પડે ત્યારે લોહીનું ગૃપ જોવાય છે. તેમાં જાતપાત હોતી નથી! ગુજરાતમાંથી સૌ પ્રથમ બ્રેઇનડેડ સુરતના પરિમલનું હૃદય યુ.એ.ઇ.થી સુરત આવેલ 14 વર્ષની કિશોરી ખાદીજા અબદુલ્લા ઓબીદલ્લાને રીપ્લાન્ટ કરાયું! આ ઉપરાંત એક મુસ્લિમ યુવકની બંને કિડની ખરાબ થઇ ગયેલ જે એક હિંદુ યુવતી પોતે જીવિત હોવા છતાં દાનમાં આપેલ. આ શું બતાવે છે? જયારે પણ આવેગ આપણા મનમાં ઉત્પન્ન થાય ત્યારે તાકીદે નિર્ણય લેવો યોગ્ય નથી. આ નિર્ણય 99 ટકા ખોટો હોય છે. જે તે સમયે થોડો શાંત અને થોડા સમય વિચારી હૃદયની લાગણીને અનુસરવું ખૂબ જરૂરી છે. કોઈને નુકસાન કરવું દુ:ખી કરવાથી ભગવાન અલ્લાહ ખુશ થશે ખરા?
અમરોલી          – બળવંત ટેલર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top