Columns

આવું વિચારો નહિ

એક યુવાન સાહિલ ભણવામાં હોંશિયાર અને ડીગ્રી લીધા બાદ નક્કી કર્યું કે મારે નોકરી નથી કરવી, પણ પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે. સાહિલના ઘરમાં બધાએ તેને કહ્યું, ‘જે કરવું હોય તે કર. અમે તારી સાથે છીએ.’ સાહિલે મિત્ર સાથે મળીને નાનકડું કામ શરૂ કર્યું. થોડા મહિનાઓમાં કામ જામવા લાગ્યું અને બધા ખુશ હતાં, ત્યાં એક ખોટો કોન્ટ્રાકટ થયો અને બહુ મોટું નુકસાન થયું.બધી મહેનત નુકસાનમાં ધોવાઇ ગઈ.મિત્ર પણ સાથ છોડી જતો રહ્યો.સાહિલ નાસીપાસ થયો, પણ બે જ દિવસમાં નિરાશા ખંખેરી નાખી ઊભો થયો.

નવું કામ શરૂ કરવા ઇન્વેસ્ટર્સ શોધવા લાગ્યો.થોડા વખતમાં ઇન્વેસ્ટર્સ મળ્યા અને કામ શરૂ થયું.કામ ધીમે ધીમે સારું ચાલવા લાગ્યું.બહુ સારું કામ ચાલતું હતું ત્યાં કોઈ બાબતે ઇન્વેસ્ટર્સ સાથે વાંધો પડ્યો અને સાહિલને તેઓએ તેની જ કંપનીમાંથી કાઢી મૂક્યો. સાહિલ ફરી નિરાશ થયો કે હવે શું કરવું? તેણે નક્કી કર્યું કે કોઈ મિત્ર કે ઇન્વેસ્ટર્સની મદદ લેવી જ નથી.થોડી બચત તેની પાસે હતી.તેણે બે વર્ષ માટે નોકરી કરી થોડી વધુ બચત કરવાનું નક્કી કર્યું અને પછી બેંક લોન લઈને પોતાનું કામ શરૂ કરવાનું વિચાર્યું.બે વર્ષ સાહિલે રાત દિન મહેનત કરી.દિવસભર નોકરી અને બાકીના સમયમાં પોતાના નવા સ્ટાર્ટ અપના પ્રોજેક્ટની તૈયારી.

બે વર્ષ પૂરાં થવા આવ્યાં.પૂરતી લોન કોઈ બેન્કમાંથી મળતી  નહોતી.સાહિલ ચિંતામાં હતો.તેનાં માતા પિતાએ આ ચિંતા જોઈ એક દિવસ રાત્રે મમ્મી હાથમાં ઘરેણાંનો ડબ્બો લઈને પપ્પા સાથે સાહિલના રૂમમાં આવ્યાં અને તેના હાથમાં ઘરેણાંનો ડબ્બો આપી બોલ્યા, ‘દીકરા, આ લે મારાં ઘરેણાં.તારું કામ શરૂ કરવામાં જે પૈસા ખૂટે છે તે આ ઘરેણાં વેચીને ઊભા કરી લે.’ સાહિલ બોલ્યો, ‘ના ના, મમ્મી હું કોઈ વ્યવસ્થા કરીશ અને નહિ થાય તો તેના વિના ચલાવીશ.’ પપ્પાએ કહ્યું, ‘દીકરા, તારી ચિંતા આ ઘરેણાં દૂર કરશે તો તું કામ પર વધારે ધ્યાન આપી શકીશ.’

સાહિલે કહ્યું ‘પપ્પા, મારા મનમાં ભય છે કે હવે ત્રીજી વાર પણ કૈંક આડું અવળું કે ખોટું થશે તો…ના ના, પપ્પા આ કામમાં પણ મારાથી ભૂલ થઇ તો હું આ ઘરેણાં ન લઇ શકું.’ પપ્પાએ કહ્યું, ‘દીકરા, તેં આટલી હિંમત જાળવી છે…આટલી મહેનત કરી છે તો પછી મનમાં આવો ડર કેમ રાખીને બેઠો છે.તું આવું વિચારવાનું બંધ કર કે ફરી પાછું કૈંક ખોટું થશે તો …પણ એમ વિચાર કે જો હવે બધું જ સાચું અને સારું જ થશે…હવે મારી મહેનત ચોક્કસ રંગ લાવશે.દીકરા, તું પૈસાની ચિંતામાં રહે અને કામ ન શરૂ કરી શકે તેના કરતાં આ ઘરેણાં લે અને આવું નકારાત્મક વિચારવાનું છોડી દે.એમ જ વિચાર કે બધું બરાબર જ થશે.’      
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top