Charchapatra

વરિષ્ઠોનું રેડિયોસુખ ન છીનવશો

રેડિયોનું નામ સાંભળતા જ આકાશવાણી તથા વિવધાભારતી VB5 તથા રેડિયો સિલોન સાથે ઉદઘોષક આદરણીયશ્રી અમીન સાહેબનું નામ સ્મૃત્તિ પટ પર પ્રથમ અંકિત થઈ જાય છે. સાથે જ પ્રખ્યાત રેડિયો કંપનીના ફિલિપ્સ, બુશ, મરફી, નેશનલ પેનોસોનિક, સીકો વગેરે રેડિયાની યાદ આવી જાય છે. ઈ.સ. 1980 સુધીના દાયકા સુધી ટી.વી. મોબાઈલની ગેરહાજરીમાં રેડિયાનું વિશેષ મહત્ત્વ હતુ. વહી ગયેલા Golden Era માં રેડિયાના વિવિધ કાર્યક્રમ સાંભળવા માટે ગામમાં એકાદ-બે ઘરમાં રેડિયા હતા ત્યાં બહાર ઓટલા પર બેસીને સાંભળવા જવુ પડતું. વિવિધ ભારતી તથા રેડિયો સિલોન પર પ્રસારીત થતા બિનાકા ગીત માલાના કાર્યક્રમ સાંભળવા માટે કિંમતી સમય કાઢવામાં આવતો. રેડિયો પર MW/SW પર ઘણાં સ્ટેશનો પણ સાંભળવા મળતા.

બેટરી તથા ફોલ પર ચાલતા રેડિયો પર સ્પષ્ટ કાર્યક્રમ સાંભળવા મળતા. આજે એકવીસમી સદી (2022)માં રેડિયો ભૂલાઈ જતા લાગે છે. અમારા જેવા સિનીયર સીટીજને હજુ એનો સાથ છોડયો નથી. સુરતના FM જેવા સ્ટેશનો પર ખૂબ જ સરસ કાર્યક્રમ પ્રસારિત થાય છે. જેને હુ નિયમિત સાંભળું છું. દુ:ખ સાથે જણાવવાનું કે ઘણાં રેડિયો સ્ટેશનો બંધ થઈ રહ્યાં છે. જેને આર્થિક ભારણ સહન કરીને પણ ચાલુ રાખવા જરૂરી છે. સિનીયર સીટીજન માટે આનંદ પ્રમોદનું એક સાધન રેડિયો છે. જે સૂતા રહીને આંખ બંધ કરીને પણ સાંભળી શકાય છે. દૂરદર્શનની ડીશ પર તો આખા દેશના વિવિધ રેડિયો સ્ટેશન પરના કાર્યક્રમ સાંભળી પણ શકાય છે. રેડિયાનું સ્થાન પૌરાણિક વસ્તુ ન બની જાય એ જોવા માટે મારી વરીષ્ઠ નાગરીકોને વિનંતી કરૂ છું. આપણા માટે ગુજરા હુઆ જમાના આતા નહિ સુધારા જેવું છે.
કોબા- મગનલાલ એલ.પટેલ

Most Popular

To Top