મહેસાણાનો મહેન્દ્ર પટેલ અન્ય પટેલોની જેમ અમેરિકા જવા ઝંખતો હતો. એની ઈચ્છા અમેરિકામાં સ્થાયી થઈ કાયમ રહેવાની હતી. એક વિઝા કન્સલ્ટન્ટે NB-૧/B-૨ વિઝાની અરજી નકારાયા બાદ F-૧ સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા જવાની સલાહ આપી. અંગ્રેજી ભાષા આવડતી ન હોવાના કારણે મહેન્દ્ર માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા કઠિન હતા. એ વિઝા કન્સલ્ટન્ટે મહેન્દ્રને બદલે અન્ય વ્યક્તિને પરીક્ષા અપાવી અને મહેન્દ્રને IELTSમાં સાડા સાત બેન્ડ મળ્યા. અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્સ કરવા માટે એને પ્રવેશ મળી ગયો. મુંબઈ કોન્સ્યુલેટે F-૧ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા પણ મહેન્દ્રને આપી દીધા.
અમેરિકામાં ભણતાં ભણતાં જેમ સેંકડો પરદેશી વિદ્યાર્થીઓ ઈલ્લિગલી કામ કરે છે, એ મુજબ મહેન્દ્રએ પણ એક મોટેલમાં પાર્ટટાઈમ ઈલ્લિગલી કામ કરવાનું શરૂ કરી દીધું. ત્યાં કામ કરતાં મહેન્દ્રની ઓળખ એક અમેરિકન યુવતી જોડે થઈ. યુવાન હૈયાં એકબીજામાં ભળી ગયા અને મહેન્દ્ર એ અમેરિકન યુવતીને પરણી ગયો. પરણ્યા બાદ એની પત્ની મારિયાએ એના માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું.
એ પિટિશન અપ્રૂવ્ડ થઈ ગયું. મહેન્દ્ર ઈમિગ્રન્ટ વિઝા મેળવવા તેમ જ એનાં માતા-પિતાને મળવા ઈન્ડિયા આવ્યો. આ દરમિયાન એની પત્ની સગર્ભા બની ચૂકી હતી. પણ ચોથા મહિને એનું મિસક્રેરેજ થઈ ગયું હતું. મહેન્દ્રએ મુંબઈ કોન્સ્યુલેટમાં ઈમિગ્રન્ટ વિઝાની અરજી કરી ત્યારે એણે એની પત્ની પ્રેગ્નન્ટ હોવાની અને એને મિસકેરેઝ થયાની વાત જણાવી અને હોસ્પિટલ અને ડોક્ટરના રિપોર્ટ દેખાડ્યા. મહેન્દ્રને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવ્યા એ અમેરિકામાં દાખલ થયો અને એને ગ્રીનકાર્ડ આપવામાં આવ્યું.
મહેન્દ્રને ગ્રીનકાર્ડ મળે માંડ મહિનો થયો ત્યાં સમાચાર આવ્યા કે એના પિતાનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું છે. પિતાના અંતિમ સંસ્કારો અને વિધિ કરવા મહેન્દ્ર તાબડતોબ મહેસાણા જઈ પહોંચ્યો. બારમું-તેરમું કરીને એ પાછો અમેરિકા જવા નીકળ્યો. શિકાગોના એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ઓફિસરને મહેન્દ્રના લગ્ન સાચા હોવા વિશે શંકા જાગી. એણે પૂછપરછ માટે મહેન્દ્રને એક ખાસ ઓરડામાં બોલાવ્યો. નવ ઓફિસરો, જેમાંના બે-ત્રણ તો પોલીસ ઓફિસરો હતા, જેમની કમર પર પિસ્તોલ લટકતી હતી, એ સૌ મહેન્દ્રની ફરતે ગોઠવાઈ ગયા. બધા વારાફરતી મહેન્દ્રને પ્રશ્ર્નો કરવા લાગ્યા.
મહેન્દ્રના સાચા જવાબો એમણે હસીને ઉડાડી દીધા. એનાં લગ્ન સાચાં છે એ પુરવાર કરતો મુખ્ય દાખલો એની પત્ની પ્રેગ્નન્ટ હતી અને એને મિસકેરેજ થયું હતું એ ઓફિસરોએ મહેન્દ્રના સ્ટેટમેન્ટમાં લખ્યું જ નહીં. એમણે મહેન્દ્ર આગળ ખોટી કબૂલાતો કરાવી. ઈન્ડિયાથી અમેરિકા કલાકોની મુસાફરી કરીને મહેન્દ્રનું પ્લેન સવારના પાંચ વાગે શિકાગો એરપોર્ટ ઉપર લેન્ડ થયું હતું. મહેન્દ્રની આંખો ઊંઘથી ઘેરાતી હતી. પિતાના મૃત્યુનો આઘાત હજુ શમ્યો નહોતો. એવામાં એની આવી ઊલટતપાસ કરવામાં આવી. નવ નવ ઓફિસરો એને ઘેરીને બેઠા.
એમાંના જે પોલીસ ઓફિસરો હતા એ વારંવાર કમર ઉપર લટકાવેલ એમની પિસ્તોલ ઉપર હાથ મૂકીને મહેન્દ્રને ડરાવતા હતા. મહેન્દ્રને પૂછવામાં આવેલ સવાલોના એ જે જવાબો આપતો હતો એ બધા તેઓ મોટે મોટેથી હસીને, જોરજોરથી ‘લાઈ લાઈ… યુ આર લાયર, ધિસ ઈઝ નોટ ટ્રુ’ આવું કહીને ટાળી દેતા હતા. એક કલાક સુધી એ ઓફિસરોએ મહેન્દ્રને જુદા જુદા પ્રશ્ર્નો કરીને ગભરાવી નાખ્યો. એના સાચા જવાબોની નોંધ લેવામાં ન આવી. આખરે મહેન્દ્રને એનું જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું, જે સાવ ખોટુ લખવામાં આવ્યું હતું એના ઉપર સહી કરવાનું કહેવામાં આવ્યું.
એ વાંચવાના મહેન્દ્રમાં હોંશકોંશ નહોતા. ઓફિસરોએ એને એ વાંચવા પણ ન દીધું. એમણે એક બીજું ફોર્મ, જે ‘હું મારું ગ્રીનકાર્ડ રાજીખુશી સરેન્ડર કરું છું’ એ મતલબનું હતું, એના ઉપર પણ મહેન્દ્રની સહી લીધી. મહેન્દ્ર સાચો હતો, પણ જે રીતે એનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, એને ગભરાવી મૂકવામાં આવ્યો હતો, એના જવાબો હસીને ઉડાડી દેવામાં આવ્યા હતા, મુંબઈથી શિકાગોની લાંબી મુસાફરી અને ઉજાગરાના કારણે એ થાકેલો હતો. પિતાના મૃત્યુનો આઘાત પણ શમ્યો નહોતો અને સ્ટુડન્ટ વિઝા ઉપર એ ઈલ્લિગલી કામ કરતો હતો એ વાત એના કમ્પ્યુટરમાં જે મેસેજિસ હતો એમાં છતી થતી હતી આ બધા કારણસર મહેન્દ્રને એ ઓફિસરોએ જે કાગળ ઉપર સહી કરવાનું કહ્યું એના ઉપર સહી કરી નાખી. એનું ગ્રીનકાર્ડ સરેન્ડર કરી દીધું. વળતી ફ્લાઈટમાં મહેન્દ્રને ઈન્ડિયા મોકલી આપવામાં આવ્યો.
મહેન્દ્ર સાચો હતો, એનાં લગ્ન સાચાં હતાં, ગ્રીનકાર્ડ મેળવવા માટે એણે લગ્ન નહોતાં કર્યાં આમ છતાં ગભરાટ અને ઉપલા કારણોસર એણે એનું ગ્રીનકાર્ડ સરેન્ડર કરી દીધું. અમેરિકામાં થોડો વખત એણે ઈલ્લિગલી કામ કર્યું હતું એનો પણ એને ગભરાટ હતો. પણ એ ઓફિસરોનું વર્તન અણછાજતું હતું અને એમણે જબરજસ્તીથી મહેન્દ્રએ કરેલી વાતો ધ્યાનમાં ન લેતાં એનું ગ્રીનકાર્ડ છીનવી લીધું હતું. જો મહેન્દ્રએ કોઈ પણ કાગળ ઉપર સહી કરવાની ના પાડી હોત તો કદાચ એ ઓફિસરોએ બંધ બારણે એને બે-ચાર લાફા માર્યા હોત. એકાદ દિવસ ત્યાં ગોંધી રાખ્યો હતો.
પણ પછી ઈમિગ્રેશન જજ આગળ એમને લઈ જવાની ફરજ પડતે. ઈમિગ્રેશન જજ એવું કોઈ કાળે નહીં ઠરાવતે કે મહેન્દ્રનાં લગ્ન ખોટાં હતાં. એણે અમેરિકન સિટિઝન જોડે ગ્રીનકાર્ડ મેળવવા માટે બનાવટી લગ્ન કર્યાં હતાં. ઈમિગ્રેશન જજ પેલા ઈમિગ્રેશન ઓફિસરોને ઠપકારતે અને મહેન્દ્રને માનભેર છૂટો કરતે. આવી હિંમત મહેન્દ્ર દાખવી ન શક્યો. અનેક ભારતીય ગ્રીનકાર્ડ ધારકો જોડે આવું વર્તન થાય છે. અમેરિકાના ઘણા ઈમિગ્રેશન ઓફિસરો એમની પોતાની માન્યતાઓને કારણે સાચા ગ્રીનકાર્ડધારકોને ખોટા ગણે છે અને જબરજસ્તીથી એમની આગળ કબૂલાત કરાવી એમનું ગ્રીનકાર્ડ છીનવી લે છે.
જો અમેરિકામાં પ્રવેશતા ઈમિગ્રેશન ઓફિસર તમારી ઊલટતપાસ કરે, મહેન્દ્રની જેમ તમને એક ઓરડામાં લઈ જઈ ધાકધમકી આપે તો તમારે બિલકુલ ગભરાવવું ન જોઈએ. જો તમે સાચા હોવ તો કોઈ પણ કાગળ ઉપર સહી કરવી ન જોઈએ. મને ઈમિગ્રેશન જજ પાસે લઈ જાવ એવું જણાવવું જોઈએ. સત્યનો હંમેશાં જય જ થાય છે. મહેન્દ્રએ હવે આવું સઘળું જણાવીને ગ્રીનકાર્ડ મેળવવાની અરજી કરવાની રહેશે. પણ એ વ્યવસ્થિત રીતે આવી અરજી કરશે તો એને એનું ગ્રીનકાર્ડ જરૂરથી પાછું આપવામાં આવશે.