રૂપાબહેન ગામના મુખીનાં પત્ની એક જાજરમાન સન્નારી, ગામની બહેનોને ફાજલ સમયનો ઉપયોગ કરતાં શીખવે, પોતે બધાં કામ જાતે કરે અને બધાને મદદ કરવા સતત તત્પર રહે. રૂપાબહેનના દીકરાના લગ્ન થયા અને ઘરમાં સિયા નવી વહુ બનીને આવી.સિયા ભણેલી હતી છતાં સાસુને ઘરના બધા કામમાં બનતી મદદ કરતી અને ઘડી ઘડી કહેતી, ‘મા , કોઈ ભૂલ થાય તો સમજાવજો.’
રૂપાબહેન પોતાની રીતે નવી વહુ સિયાને ઘર અને કુટુંબના રીતરિવાજ અને કાર્ય પધ્ધતિ વગેરે ધીમે ધીમે શીખવાડતાં રહેતાં. એક દિવસ આંગણે કોઈ ભિક્ષુક આવ્યો. રૂપાબહેને પોતાની નવી વહુને સિયાને કહ્યું, ‘સિયા બેટા, જરા આંગણે જે ભિક્ષુક આવ્યો છે તેને ભોજન આપી દેજો.’ આટલું કહીને તેઓ પોતાના કામમાં લાગી ગયાં.સિયા થોડી વારે તેમની પાસે આવી અને બોલી, ‘મા ભોજનમાં કેટલી રોટલી આપું બે કે ત્રણ?’
સિયા વહુનો આ પ્રશ્ન રૂપાબહેનને બિલકુલ ગમ્યો નહિ. તેઓ કંઈ બોલ્યાં નહિ પણ મોઢા પર દેખાયું.સિયા સમજી ગઈ કે નક્કી કૈંક ભૂલ થઈ છે.રૂપાબહેન જે કામ કરતાં હતાં તે છોડીને ઊભાં થઈ ગયાં અને આંગણે જઈને ભિક્ષુકને બેસવા કહ્યું.સિયાને કહ્યું, ‘વહુ તેમને પાણી આપો.’ અને પછી પોતે રસોડામાં જઈને થાળી પીરસીને લાવ્યાં અને ભિક્ષુકને કહ્યું, ‘પધારો, આપ ભોજન કરી લો.’ ભિક્ષુક જમવા બેઠો અને રૂપાબહેને પોતે ભિક્ષુકને પીરસીને ભરપેટ જમાડ્યો.’સિયા આ બધું જોતી રહી.
ભિક્ષુક જમીને આશિષ આપતો ગયો.રૂપાબહેન ફરી પોતાના કામે લાગી ગયાં.સિયાને પોતાની ભૂલ થઈ છે તે તો સમજાઈ જ ગયું હતું એટલે તે ધીમેથી સાસુ પાસે ગઈ અને બોલી, ‘મા, મને ખબર છે કે તમે નારાજ છો, મારી શું ભૂલ થઇ છે તે મને સમજાવો તો ખરા.’ રૂપાબહેન બોલ્યાં, ‘ના બેટા, તારી ભૂલ નથી. હું જ તને ઘરની રીત સમજાવતાં ભૂલી ગઈ હતી.વહુ દીકરા, જીવનમાં આ મારી વાત હંમેશા ગાંઠ બાંધી લેજો. જીવનમાં કયારેય પણ કોઈને કંઈ આપો તો ક્યારેય માપીને આપવું નહિ અને એક વાર આપી દીધા બાદ તેને ક્યારેય માપવું નહિ.’
સિયા બોલી, ‘એટલે?’ રૂપાબહેને કહ્યું, ‘બેટા તમે રોટલી ગણીને આપવાની વાત કરી કે બે આપું કે ત્રણ? બેટા એમ ગણીને રોટલી ન અપાય, આપવું જ હોય તો પેટ ભરાય તેટલું આપવું જોઈએ. આ એક ભિક્ષુકની વાત નથી. જીવનમાં કયારે પણ કોઈને ભોજન આપો ,પૈસાની મદદ કરો કે સાથ આપો કે પ્રેમ આપો જે કંઈ પણ આપો તે કયારેય માપીને આપવું નહિ અને એક વાર આપી દીધા બાદ માપવું નહિ.’રૂપાબહેને જીવનની સમજ વહુને આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
