ભ્રષ્ટાચાર તો રાજા રામના વખતમાં પણ હતો એમ કહીને લોકો જ આ ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોય તો તે બિલકુલ ચલાવી ન લેવાય. ગણ્યાગાંઠયા આવા સરકારી અધિકારીઓને કારણે આખું તંત્ર બદનામ થાય છે. આ માટે ઉચ્ચ અધિકારીઓએ કડક હાથે કામ લેવું જ જોઈએ. લોકશાહીમાં માત્ર સરકારને દોષ દઈ આખી સીસ્ટમ જ ભ્રષ્ટ છે એમ કહેવાથી તંત્રની છબી તો બગડે જ છે પણ પ્રામાણિક કર્મચારીઓનું મોરલ પણ નબળું પડે છે. એકાદ બે કિસ્સાઓમાં આવું બને અને એવાને બીજા શહેરમાં કે બીજા વિસ્તારમાં બદલી કરાય તો તે બરાબર છે. પરંતુ પાછલો રેકોર્ડ પણ ખરડાયેલો હોય એવાં થોડાંકને પણ પાણીચું આપી ઘેર બેસાડી દેવાય તો ભ્રષ્ટાચારી રીતરસમો પર ચોક્કસ અંકુશ આવે એમાં બેમત નથી.
સુરત – પલ્લવી ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જાપાની કંપનીઓનું ભારત રોકાણ
વર્ષોથી ચીનમાં કારનું ઉત્પાદન કરતી જાપાનની કંપનીઓ જેવી કે ટોયટા, હોન્ડા અને સુઝુકીને હવે ચીનમાં ઉત્પાદિત ખર્ચ વધુ અને નફાનો માર્જીન ખૂબ જ ઓછો લાગે છે જેને પરિણામે હોન્ડાએ હાલમાં જ એવી જાહેરાત કરી છે કે ભારત તેની આગામી ઈલેક્ટ્રીક કારો માટે ઉત્પાદન અને નિકાસનો આધાર બનાવાશે કેમ કે સ્વાભાવિક છે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો બજાર છે. ટૂંક સમયમાં જાપાન 11 અબજ ડોલરનું રોકાણ ભારતમાં કરશે જેથી હકારાત્મક અસરથી ભારતમાં અર્થતંત્ર માટે પ્રેરક બળ બનશે તેમજ જાપાનની કંપનીઓ ભારતમાં ફેકટરી સ્થાપિત કરવા અંગે વિચારી રહી છે. જેને પરિણામે ભારતમાં રોજગારીની તકોનું નિમાર્ણ થશે. ટૂંકમાં જાપાની કંપનીઓનું રોકાણ ભારત માટે ખૂબ જ લાભકર્તા પુરવાર થશે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.