એક વ્યક્તિ ભગવાન બુદ્ધના સત્સંગમાં મોટેભાગે હાજરી આપતો, તે બહુ ઉત્સુકતાથી શ્રદ્ધાથી પ્રભુનો ઉપદેશ સાંભળતો. પોતાના પ્રવચનમાં ભગવાન બુદ્ધ લગભગ રોજ જુદી જુદી રીતે ઉપદેશ આપી સમજાવતા કે લોભ, ક્રોધ, મોહ પાપના મૂળ છે. હિંસા કરવી અને અસત્ય બોલવું અધર્મ છે અને જો સાચા મનની શાંતિ મેળવવી હોય તો આ બધા જ દુર્ગુણોનો ત્યાગ કરો. ક્રોધી, ઈર્ષાળુ, સ્વાર્થી અને જૂઠો વ્યક્તિ ક્યારે શાંતિ મેળવી શકતો નથી. તે રોજ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળતો પરંતુ દુર્ગુણોનો ત્યાગ કરી શકતો ન હતો તે સમજતો પણ દુર્ગુણો દૂર થતા ન હતા તેથી તે મનથી અશાંત રહેતો. એક દિવસ તે ભગવાન બુદ્ધની પાસે ગયો અને પ્રાર્થના કરતા બોલ્યો,’ ભગવન, હું ઘણા દિવસોથી તમારા સત્સંગમાં આવું છું.
ઉપદેશ સાંભળું છું… સમજુ છું…. છતાં તમારા ઉપદેશની મારી પર કોઈ અસર થતી નથી. મારા મનને શાંતિ પ્રાપ્ત થતી નથી. મારું મન પહેલા જેવું જ અશાંત રહે છે આમ કેમ?’ ભગવાન બુદ્ધે સ્મિતસહ પૂછ્યું, ‘તું ક્યાં રહે છે?’ વ્યક્તિએ કહ્યું, ‘સારસ્વતી નગરીમા’ ભગવાન બુદ્ધે આગળ પ્રશ્ન કર્યો, ‘અહીંથી તારું ઘર કેટલું દૂર છે?’ પેલી વ્યક્તિએ પોતાના ઘર અને નગરી સુધીનું અંતર કહ્યું. બુદ્ધે બીજો પ્રશ્ન કર્યો, ‘ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તને ખબર છે?’ પેલા વ્યક્તિએ કહ્યું, ‘ભગવાન હું રોજ અહીંયા આવું છું અને પાછો ઘરે જાઉં છું તેથી રસ્તો તો બરાબર ખબર જ હોય ને.’
બુદ્ધે ત્રીજો પ્રશ્ન કર્યો, ‘તને અંતર ખબર છે… રસ્તો ખબર છે… તો અહીંથી હાલ્યા વિના રસ્તા પર ચાલ્યા વિના તું તારા ઘરે પહોંચી જઈ શકે?’ પેલા વ્યક્તિએ મૂંઝવણ સાથે કહ્યું, ‘ભગવન, ઘર સુધી પહોંચવા મારે અહીંથી જવું તો પડે ને અને પહેલા રસ્તા પર ચાલવું પણ પડે ને તો જ હું ઘરે પહોંચી શકું.’ ભગવાન બુદ્ધ હસ્યા અને પછી બોલ્યા, ‘બરાબર, તો પછી મારું પ્રવચન સાંભળી શાંતિ મેળવવાનો માર્ગ તને ખબર છે. રોજે રોજ સાંભળી તેને બરાબર સમજાયો છે અને યાદ છે પરંતુ માત્ર કલ્યાણમાર્ગ જાણવાથી કઈ નહીં થાય… ઉપદેશ સાંભળવાથી કંઈ નહીં થાય… ઉપદેશને આચરણમાં મૂકવાથી સદમાર્ગે ચાલવાથી શાંતિ મળશે, ઉપદેશ પ્રમાણે અવગુણો અને દુર્ગુણોથી પીછો છોડાવી સદમાર્ગે આગળ વધીશ ત્યારે તારા મનને શાંતિનો અનુભવ થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.