Business

ભૂલો ભલે બીજું બધું એ દિવસોને ભૂલશો નહીં…

સુરતના એ ભયંકર દિવસો યાદ કરશો તો રૂંવાડાં ઊભા થઇ જશે. હજુ એ સમય વિત્યાને ઝાઝો સમય નથી થયો. રાજ્યભરમાં જે સ્થિતિ નિર્માણ પામી હતી જે મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ હતી તેના વિષે સુરતીઓ ક્યાં અજાણ્યા છે. કોવિડની આ મહામારી સામે દર્દીઓના સગા સબંધીઓ હોસ્પિટલ, બેડ, ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેકસન, ફેબીફલૂ અને વેન્ટિલેટર બેડની સુવિધા માટે વલખા મારી રહ્યાં હતા તો બીજી બાજુ આ તમામ વસ્તુની અછત વર્તાતા કાળાબજારી શરૂ થઈ હતી અને ભાવ વધ્યા હતા, ભાવ તો આજે પણ વધી રહ્યા છે પણ રેંડેસીવીર કે ઑક્સીજનના નહીં પણ હોટેલે કે રિસોટના. જી હા, કોરોનાની સ્થિતિ સુધરતા સુરતીઓ જાણે સાપુતારા, સેલવાસ, દમણ, સ્ટેચ્યું ઓફ યુનિટી જેવા સ્થળે ફરવા માટે લોકોનું ઘોડાપુર ઊમટ્યું છે. શું સુરતીઓ સુરતના એ ભયંકર ભોગવેલા દિવસોને ભૂલી ગયા છે ? ત્યારે અમે લીધી કેટલાક લોકોની મુલાકાત કે જેઓએ પણ સુરતની આસપાસના ફરવાલાયક સ્થળે જવાનો પ્લાન બનાવ્યો હતો પણ તેમને ત્યાનું વાતાવરણ ભીડભાડ, હોટેલ રેસ્ટોરાંના બુકિંગ કે ભાવ વધ્યા હોવાનું માલૂમ પડતાં પ્લાન કેન્સલ કર્યો હોય…

અડધે રસ્તેથી જ અમે સાપુતારા ફર્યા વિના રિટર્ન થયા : તેજલ પટેલ

તેજલ પટેલ જણાવે છે કે, ‘’અમે ગયા અઠવાડિયે 6 કપલ બાઇક પર સાપુતારા જવાનો પ્લાન બનાવ્યો હતો. ઘણાય સમયથી કોરોનાને લીધે કશે જઈ શક્યા ના હતા તો વાતાવરણ હળવું થયું તો વિચાર્યું વરસાદની મોસમ શરૂ થઈ છે તો નજીકમાં સાપુતારા જઈ આવીએ. સવારે વહેલા પ્લાનિંગ મુજબ બાઇક પર 6 કપલ ભેગા થઈ નીકળ્યા પણ અડધે પહોંચ્યાં ત્યાં તો જોયું તો રસ્તા પર સાપુતારા જતાં કપલ પણ એટલા જ હતા અને ગાડીઓ પણ એટલી જ સાપુતારા જઈ રહી હતા. આથી અમે ટ્રાફિક વધુ જોઈને વિચાર્યું કે રસ્તામાં જ આ હાલત હોય તો ત્યાં શું હાલત હશે ? આમ વિચારીને અમે અડધેથી જ જવાનો પ્લાન કેન્સલ કરી લીધો અને સાપુતારા ફર્યા વિના જ રિર્ટન થઈ ગયા.’’ 

સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં ભીડ જોઈને બહારથી જ નીકળી ગ્યાં : દ્રષ્ટિ પટેલ

દ્રષ્ટિ પટેલ જણાવે છે કે, ‘અમે સ્ટેચ્યુ ઓફ યુનીટી જવા નીકળ્યા, ત્યાં પહોચયાં તો જોયું તો ભીડ ખૂબ જ હતી. કોરોનાનો કશે ગાયબ જ થઈ ગયો હોય એટલી ભીડભાડ ત્યાં જોઈ. મનમાં સતત ડર પણ હતો કે આટલી ભીડમાં નહીં આવ્યા હોત તો સારું હોત. પણ હવે પહોચ્યાં તો શું કરવું ? અમે તો ભીડ જોઈને બહારથી જ નીકળી ગયાં. અંદર સુધી લાઇનમાં ઊભા રહેવાની હિમ્મત પણ નહીં કરી.’’

જવાને દિવસે જ ફ્રેન્ડનો ફોન આવ્યો કે અહી આવવું સેફ નથી : નરેશ જોશી

નરેશભાઈ જોશી જણાવે છે કે, ‘’અમે હમણાં જ કોરોનાનું થોડું વાતાવારણ હળવું થયું ત્યારે ફ્રેન્ડ્સ સર્કલ સાથે દમણ જવાનો પ્લાન કર્યો હતો. અમારા ગ્રુપમાં બે પાર્ટ મુજબ અલગ અલગ વીકમાં જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં એક ગ્રુપ એક અઠવાડીયા પહેલા ગયેલું અને તેઓ ત્યાં પહોચ્યાં તેના 2 દિવસ બાદ અમે એમની સાથે જોડાવવાના હતા. પણ તેઓ પહોંચ્યા એના બીજા જ દિવસે કોલ આવ્યો કે તમે લોકો અહિયાં નહીં આવતા તેઓ પણ પાછા રિટર્ન થઈ રહ્યાં છે. હોટેલ બુકિંગ તો અગાઉથી કરાવી લીધું હતું એટલે તેનો તો પ્રશ્ન જ નહીં હતો પણ ત્યાં ખૂબ જ ભીડભાડ રહેવાને લીધે સેફ નહીં ગણાશે. આથી અમે પણ જવાનું કેન્સલ રાખ્યું અને તેઓ બીજા જ દિવસે દમણથી રિર્ટન પણ થઈ ગયા.’’

Most Popular

To Top