Comments

વિદ્યાર્થીઓને પાસ કરવામાં શિક્ષણને નાપાસ ન કરશો

ગયા વર્ષે તો ઓનલાઈન પરીક્ષા હતી. મારો મોટો બાબો સી.એ.નું ભણે છે. નાનો બી.કોમમાં છે એ અને તેના બધા ભાઈબંધ અમારા ઘરે જ ભેગા થયેલા અને મોબાઈલમાં ઓનલાઈન પરીક્ષા આપેલી..’’ એક વાલી આ પ્રસંગ વર્ણવી રહ્યા હતા. ‘‘એ બધા માસકોપી કરતા હતા ત્યારે તમે શું કરતાં હતાં? એ આદર્શવાદી પ્રશ્ન પૂછવાની જરૂર ન હતી.. કારણ એક યુનિવર્સિટીના કુલપતિ જ મેડીકલના વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડમાં સામેલ થયાના સમાચાર હતા.

‘‘પડે છે ત્યારે સઘળું પડે છે એ ‘ધૂમકેતુ’ વાક્ય હવે ગુજરાતના શિક્ષણજગતમાં સત્ય બની ચૂક્યું છે. સરકાર અને વિપક્ષનો વાંક છે જ. આપણે વારંવાર તેમનો ઊહાપોહ તો બતાવીએ જ છીએ પણ શિક્ષકોની ગુણવત્તાના પતન માટે તે વિદ્યાર્થીનાં માતા-પિતા કે  સમાજના આગેવાનો સહિત સૌ જવાબદાર છે. એક સમય હતો જ્યારે જાહેર માર્ગો પર ખોટી જોડણી લખનારાને ગુજરાતના સાક્ષરો પત્ર લખતા.

ગુજરાત યુનિવર્સિટીએ આંદોલનમાં શિક્ષણના દિવસો બગડ્યા એ કારણથી માસ પ્રમોશન આવ્યું તો જાગૃત નાગરિકો, શિક્ષણવિદો કોર્ટમાં ગયા હતા. વચ્ચે થોડાં વર્ષો જનરલ ઓપ્શન અપાતા તો તેની પણ ટીકા થતી. જે રાજ્યમાં ગાઈડ (ગ્રાઈડ?) રાખવી કે ટ્યુશન જવું ટીકાસ્પદ અને ડોનેશન એ દૂષણ ભ્રષ્ટાચાર ગણાતો ત્યાં અત્યારે ટ્યુશન અને ગાઈડ શિક્ષણનો અનિવાર્ય અંગ-અવિભાજ્ય હિસ્સો છે. ડોનેશન તો શાળાની ગુણવત્તાનું પ્રમાણપત્ર છે. પણ સૌથી અગત્યની નબળાઈ છે ચોરી અને માસ પ્રમોશન!

શ્રીમતી આનંદીબહેન પટેલ શિક્ષણમંત્રી હતાં ત્યારે તેમણે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં ચોરી ડામવા કડક પગલાં લેવાં શરૂ કર્યાં. પરીક્ષાકેન્દ્રો પર સી.સી.ટી.વી. કેમેરા લગાડ્યા,  ફલાઈંગ સ્કવોડ ગોઠવી.  ‘‘ચોરી કરીને પરીક્ષા પાસ કરો તો વરસ સુધરે, પણ જીવન બગડે.’’ એવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધાઓ આયોજીત કરી વિદ્યાર્થી માનસમાં કોપી કરવા વિરુધ્ધ વિચાર મૂક્યા. પણ અત્યારે શાળા કોલેજની બહાર ઝેરોક્ષ સેન્ટરો પર પરીક્ષા સમયે ભીડ જામે છે. પરીક્ષામાં ચોરી કરવા માટે ‘કાપલી કરવાનો ગૃહ ઉદ્યોગ નાશ પામ્યો છે અને માઈક્રોઝેરોક્ષનું આધુનિક રૂપ કે મોબાઈલ, બ્લુટુથના ડીઝીટલ સ્વરૂપમાં ચોરી થવા લાગી છે. માતા-પિતા મિત્ર વર્તુળમાં સગર્વ પોતાના બાળકે કરેલાં પરાક્રમો વર્ણવી રહ્યાં છે. આ દુ:ખદ છે!

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે! વાલીઓ જ બાળકોને યેનકેન પ્રકારે ડીગ્રી ભેગો કરવા ગમે તે ભોગે પાસ કરાવવા મથતા હોય તો સંચાલકો તો ઈચ્છવાના જ છે કે વધારે વિદ્યાર્થીઓ પાસ થાય!

ગયા વર્ષોમાં કોરોનાને કારણે શાળાકીય પરીક્ષામાં માસ પ્રમોશન કોલેજ કક્ષાએ પણ લગભગ ‘‘બધા પાસ’’ ની નીતિ પછી આ વર્ષ દસમા-બારમાની અને યુનિવર્સિટીઓમાં પરીક્ષા તો લેવાઈ છે. પણ તે સિવાયના વર્ગોમાં પ્રજાએ માંગ્યા વગર સરકારી શિક્ષણ વિભાગે માસ પ્રમોશન જાહેર કર્યું છે. હવે દસમા-બારમામાં પણ અઢળક ગ્રેસીંગ દ્વારા પરિણામ ઊંચું લાવવાના પ્રયત્ન થશે અને છતાં નપાસ થશે તે પૂરક પરીક્ષામાં પાસ થશે! આવું આપણે ક્યાં સુધી ચલાવવું છે? એક આખી પેઢી નબળી પડી રહી છે કોઈક તો બોલો!

રાજ્યમાં ખરા અર્થમાં ‘‘સાક્ષરો’’ નામશેષ થઈ રહ્યા છે. આપણે જાતે જ સરકારને કહેવું પડશે કે મૂલ્યાંકનના માપદંડો આટલા નબળા ન કરો! અમારાં બાળકોનું વરસ સુધારવાના નામે ભવિષ્ય ન બગાડો. આમ પણ શિક્ષણને સમય સાથે જોડવું ખોટું છે. વાલીઓ સમજો! હવે કોઈ નોકરી આ ડીગ્રીને આધારે નથી મળતી તો પછી શા માટે આ ભ્રમણાનાં પ્રમાણપત્રોમાં પડો છો! શિક્ષણમાં એક પ્રશ્ન હવે યુક્રેનના પાછા ફરેલા વિદ્યાર્થીઓનો છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ડોક્ટર બનવાની ઘેલછા વધી ગઈ છે. ગુજરાત અને દેશમાં સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજો છે! પણ ત્યાં પણ એક મેરીટ લીસ્ટ હોય છે. ભરતીની પ્રક્રિયા હોય છે. પણ ત્રીસ-પચાસ લાખ ખર્ચીને એજન્ટ મારફતે સરળતાથી રશિયા, ચીન, યુક્રેન કે અન્યત્ર મેડીકલ કોલેજોમાં બાળકોના એડમિશનનું તંત્ર ઘણા વખતથી ચાલે છે. 

હવે યુક્રેન રશિયાનું યુદ્ધ થયું તો આ રૂપિયા ખર્ચી ડોલર થવા પહોંચેલા સલવાયા. સરકારે  માનવતા અને નાગરિક રક્ષાના નાતે તેમને ત્યાંથી બચાવી લીધા, દેશમાં લાવી દીધા! પણ લોભને થોભ નહીં! હવે આ યુદ્ધમાંથી પાછા ફરેલા અહીં મેડીકલ પ્રવેશ માટે લાગણીનું દબાણ ઊભું કરી રહ્યા છે. સરકાર અને અધિકારીઓમાં ચક્કર ચલાવી રહ્યા છે. પણ આ ખોટું છે! આપણે સરકારને કહેવું પડશે કે આ ખોટી પ્રથા ન પાડશો. ભારતમાં મેડીકલ પ્રવેશની પ્રક્રિયામાં તેઓ અયોગ્ય હતા. માટે જ બીજા દેશમાં ગયા હતા. જેઓ યુક્રેન નથી ગયા અને ભારતમાં રહ્યા છે તથા મેડીકલમાં પ્રવેશ મેળવવામાં રહી ગયા છે તેમણે શું ગુનો કર્યો હતો? હા, નવા વર્ષે પ્રવેશ પરીક્ષા આપો અને યુક્રેનમાં રૂપિયા ખર્ચ્યા એમ અહીં પણ સેલ્ફ ફાયનાન્સમાં ભણી શકો તો ભણો! દેશમાં આવી ગયા એટલે મેડીકલમાં જ ભણવું પડે! સરકારે જ વ્યવસ્થા કરવી પડે તે વાત ખોટી. આશા છે સરકાર દેશનાં નાગરિકોને અન્યાય નહીં કરે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top