દૃશ્ય પહેલું
મમ્મીએ સરસ ગુજરાતી જમવાનું બનાવ્યું હતું દાળ ,ભાત ,શાક રોટલી,સલાડ, અથાણું, ચટણી અને છાશ.થાળી પીરસાઈ.ગરમ દાળની સુગં ધ આવતી હતી.મહેક જમવા આવી અને થાળી જોઇને બીજી જ ક્ષણે ચિડાઈને બોલી. આજે પણ આ દાળ ભાત શાક રોટલી! મારે નથી જમવું.હું મારું જમવાનું ઓર્ડર કરી લઇશ.
દૃશ્ય બીજું
ઘરમાં પૂજા હતી. મમ્મીએ મિષ્ટાન્ન ,ફરસાણવાળું સરસ જમવાનું બનાવ્યું હતું.ભગવાનને ભોગ ધરાયો,બધા જમવા બેઠાં.સાસુએ વાંધો કાઢ્યો. આ ચટણી બરાબર નથી બની, દાળમાં પણ મજા નથી.દીકરો બોલ્યો, ‘મને ભીંડાનું શાક નથી ભાવતું.’
દૃશ્ય ત્રીજું
એક ઝૂંપડામાં મા રોટલા બનાવી રહી હતી. મનમાં વિચારી રહી હતી લોટ ઓછો છે, એટલે થોડા નાના નાના રોટલા બનાવું એટલે છ તો બની જશે,બે છોકરાઓ અને તેમના પપ્પા બે બે ખાઈ લેશે.તો તેમને એમ લાગશે આજે એકને બદલે બે રોટલા ખાધા અને મારું શું છે હું તો પાણી પી ને સૂઈ જઈશ.
દૃશ્ય ચોથું
એક ફકીર બે દિવસથી ભૂખ્યા હતા.આજે કોઈ બે સૂકી રોટલી આપી ગયું.તેમણે ખુશ થઈને સૂકી રોટલી આપનારને ઘણી દુઆઓ આપી.એટલી વારમાં એક કૂતરો આવીને એક રોટલી ખેંચી ગયો.ફકીર હસ્યા અને બોલ્યા, ‘આભાર ભગવાન, આજે મને એક રોટલી તો મળી, પેલી કૂતરાના નસીબની હશે.’આટલું કહી ફકીરે ભગવાનનો આભાર માનતાં માનતાં પ્રેમથી રોટલી ખાધી. ઉપરના દરેક દૃશ્યોમાં વાત ભોજનની અને અન્ન પ્રત્યેના વ્યવહારની છે.દરેકના સંજોગો જુદા જુદા છે અને તે પ્રમાણે દરેકનાં વર્તન પણ જુદાં જુદાં છે.જેમને થાળી ભરીને ભોજન મળે છે તેમને તેમાં પણ વાંધા કાઢી અન્નનું અને અન્ન બનાવનારનું અપમાન કરી, નકામી વસ્તુઓ ખાવી છે.પ્રસાદ રૂપી અન્ન સામે છે તે પ્રેમથી આરોગવાને બદલે તેમાંથી પણ ખામીઓ કાઢવી છે. જેમને મહેનતે અન્ન મળે છે તેમાં ભોજન બનાવનાર મા ઓછું હોય તો પોતે ભૂખી રહીને પતિ અને બાળકોના પેટ ભરવાની કોશિશ કરે છે.
જેમને મળતું જ નથી તેઓ બે દિવસે એક સૂકી રોટલી મળે તો પણ ભગવાનનો અનેક અનેક આભાર માને છે. જો તમને બે ટંક ભાવતાં ભોજન ભરપેટ મળે છે તો તમે નસીબદાર છો.તે માટે ઈશ્વરનો આભાર માનો અને અન્નનો અનાદર ક્યારેય ના કરો. ભોજન બનાવનાર અન્નપૂર્ણા મા હોય કે પત્ની કે અન્ય કોઈ ક્યારેય ભોજનમાં વાંધા કાઢી તેમનું અપમાન ન કરો.ઈશ્વરનો રોજ રાત્રે આભાર માનો કે તેમણે તમને ભૂખ્યાં સુવાડ્યાં નથી.અન્ન્નની ખરી કિંમત તો જેમને માંડ એક ટંક ભોજન મળે છે અથવા ક્યારેક બે બે દિવસ સુધી નથી મળતું તેઓ જ સમજે છે અને સૂકો રોટલો મળે તો પણ ભગવાનનો આભાર માની ખુશી ખુશી ખાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.