મોક્ષા એક કલાકાર જીવ. રંગોની દુનિયા. કંઇક નવું કરવું. કંઇક નવું લખવું. કંઇક નવું બનાવવું તેને ગમે. બધી ઘરની જવાબદારી બાદ પણ થાક્યા વિના તે કંઇક નવું કરતી રહે. તેની કલાને બધા બિરદાવે અને તેણે કંઇક મોટા પાયે આ કલાનો ઉપયોગ કરી બિઝનેસ કરવાની સલાહ આપે. બાળકો મોટાં થતાં મોક્ષાએ પોતાની કલાના આધારે …..સ્વર શબ્દ શણગાર……બિઝનેસ શરૂ કર્યો…પ્રસંગ ,તહેવારને અનુરૂપ કલાકૃતિ , ડેકોરેશન, સુંદર લખાણ વગેરે ઘણું બધું. બિઝનેસ જામી ગયો. મોક્ષાએ અમુક જરૂરિયાતમંદ સ્ત્રીઓને કામે રાખી. તેમને કામ શીખવ્યું. સારું વળતર આપતી. તેમના વિચારો સાંભળતી. સારા કાર્યની કદર કરતી અને ખાસ તેમના પરિવાર વિષે પૂછતી અને તકલીફમાં બનતી મદદ પણ કરતી.જે મોક્ષા સાથે કામ કરતું તે તેનાં વખાણ કરતું અને એકદમ નિષ્ઠાથી ફરજ નિભાવતું. કામ સરસ થતું તેથી નામ થયું અને હવે તો વિદેશથી પણ કામ મળવા લાગ્યું . મોક્ષાની ગેરહાજરીમાં પણ કામ સુંદર રીતે થતું.
એક મહિલા માસિકમાં સફળ બિઝનેસ વુમન તરીકે મોક્ષાનો ઇન્ટરવ્યુ આવ્યો.ખાસ સવાલ પૂછવામાં આવ્યો કે ‘તમે ખૂબ જ વ્યસ્ત રહો છો, કામ ઘણું મોટું છે છતાં તમારી દેખરેખ ન હોય ત્યારે પણ કામ સારું જ થાય છે, કોઈ ફરિયાદ આવતી નથી તેનું રહસ્ય શું છે?’ મોક્ષાએ જવાબ આપ્યો,’મારાં નિષ્ઠાવાન કલાકાર સાથીઓ.’આ જવાબ બાદ ઇન્ટરવ્યુ લેનારે તુરંત સવાલ કર્યો કે તમારી પોતાના વર્કરોને સાચવવાની અલગ જ ખાસિયત છે. આ કયો અને કોણે આપેલો બિઝનેસ મંત્ર છે? મોક્ષા હસી, પછી કહ્યું,’પહેલાં તો મારાં સાથીઓ ‘વર્કરો’નથી. સાથી કલાકારો છે અને મારા પરિવારનો ભાગ છે અને આ કોઈ બિઝનેસ મંત્ર નથી.આ તો મારાં સાસુએ શીખવેલી રીત છે.હું જ્યારથી પરણીને આવી ત્યારથી મેં જોયું કે મારાં સાસુ ઘરની કામવાળી બાઈને રોજ ગરમ ચા આપતાં,તેના પરિવારની ખબર પૂછતાં,તકલીફમાં વગર માંગે પૈસા આપતાં,માંદી હોય તો દવા પણ આપતાં.
અન્ય કોઈ પણ કામ કરવા ઘરે આવે, બધાને માન આપતાં, ચા નાસ્તો કરાવતાં.વોચમેન કે સફાઈ કામદાર બધાને જાળવતાં.કોઈનું અપમાન ન કરતાં અને જયારે અમે કોઈ તેમને આવું શું કામ કરો છો પૂછીએ તો સમજાવતાં કે તેઓ કામ કરે છે એટલે તમે પૈસા આપો છો પણ તેથી તમે મોટા અને એ લોકો નાનાં નથી બની જતાં.બધાંને પોતાનાં ગણવાથી પ્રેમ અને માન આપવાથી તેઓ તમારાં બની જશે અને તમારું કામ ચીવટથી કરશે.બસ મેં મારાં અનુભવી સાસુમાનો આ જ મંત્ર અપનાવ્યો છે અને એટલે બધાં મારાં પોતાનાં છે અને મારું કામ સરસ જ થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
