એક યુવાન માણસ પહાડ ચડવા નીકળ્યો.પર્વત ચઢતા ચઢતા એકદમ થાકી ગયો, તેને ભૂખ પણ લાગી હતી અને હવે તેને લાગ્યું કે ત્યાંથી આગળ નહીં ચડી શકે એટલે તે પાછા વળવાનું વિચારતો હતો અને તે જેવો પાછો વળ્યો … પાછળ તેણે જોયું કે એક વૃદ્ધ માણસ એકદમ સહેલાઈથી કોઈ સાધનો વગર હાથમાં એક લાકડી અને ખભા પર એક થેલો લઈ અને આરામથી પર્વત ચઢી રહ્યો હતો.
પેલા માણસે વૃદ્ધ માણસ પોતાની પાસે આવે તેની રાહ જોઈ અને જેવો વૃદ્ધ માણસ પહાડ ચઢતા ચઢતા તેની પાસે આવ્યો એટલે તેણે તરત અભિવાદન કર્યું અને પૂછ્યું, ‘તમે આટલા વૃદ્ધ છો તો અહીં શું કામ આવ્યા છો તમે આટલો ઊંચો પર્વત કઈ રીતે ચડી શકશો?’ વૃદ્ધ માણસ હસ્યો અને બોલ્યો, ‘હું તો આ પર્વત ત્રીજીવાર ચઢી રહ્યો છું.’પેલા યુવાનને નવાઈ લાગી.તેણે નિખાલસતાથી કહ્યું, ‘ત્રીજીવાર ચઢો છો !! હું તો પહેલીવાર આવ્યો છું, ટ્રેનીંગ લઈને આવ્યો છું.પણ લાગે છે હજી ટ્રેનીંગની જરૂર છે. હું તો એટલો થાકી ગયો છું પાછા વળવાનું વિચારું છું.’ વૃદ્ધ માણસએ જવાબ આપ્યો, ‘યુવાન દોસ્ત, તમે આટલો મોટો પર્વત ચડો છો એટલે થાકી ગયા છો અને હું તો એક એક પગલું ચાલુ છું… એક એક પગલું માંડું છું એટલે એક પગલાનો શું થાક લાગે.’
આ જવાબ સાંભળીને પહેલા તો યુવાનને કંઈ સમજાયું નહીં. તેણે પૂછ્યું, ‘એટલે તમે શું કહેવા માંગો છો?’વૃદ્ધ માણસએ કહ્યું, ‘હું તો એક પગલાં પર જ ધ્યાન આપું છું અને એક એક પગલું આગળ વધુ છું પર્વતની શિખર પર ટોચ પર પહોંચવાની મને લાલચ પણ નથી અને હું ત્યાં પહોંચીશ કે નહીં તેની મને ચિંતા પણ નથી. હું બસ એક એક પગલું આગળ વધવામાં માનું છું. જીવનમાં પણ જ્યારે કોઈ પણ મોટા ધ્યેય તરફ પહોંચવું હોય ત્યારે તે મોટા ધ્યેય તરફ નજર ન રાખવી પણ એક એક પગલું કઈ રીતે આગળ વધો છો ને તેની પર ધ્યાન રાખો. મોટા ધ્યેયને નાના નાના કામમાં વહેંચી નાખીને એક એક કામ પૂરું કરતા જવું તો તમે કોઈપણ ધ્યેયને હાંસલ કરી શકશો. તમારી સફર પૂરી કરી શકશો અને થાક પણ નહીં લાગે વચ્ચે તેને છોડવી પણ નહીં પડે.’વૃદ્ધ માણસની વાત સાંભળીને યુવાન માણસમાં હિંમત આવી ગઈ અને તેણે કહ્યું, ‘દાદા, તમે આગળ વધો એક એક ડગલું… હું તમારી પાછળ તમારા પગલે પગલે એક એક ડગલું ચાલીને આવું છું.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
