ક્રોધ અને આક્રમકતા માનવીની માનસિકતા બગાડે છે. ગુસ્સો આગ કરતા પણ વધુ તેજ અને ભભુકતો છે; પવન કરતા પણ વધુ ઝડપથી વહેતો અને શરીરને નામશેષ કરતો જ્વાળામુખી છે. ગુસ્સો ગુમરાહ કરતો અસુર છે. વહેલી તકે ગુસ્સાને કાબુમાં રાખતા શીખી લો. વધુ પડતો ગુસ્સો તમારા શરીરને નુકસાન કરે છે.
ગીતામાં લખ્યુ છે; “કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અને લાલચ આત્માનું પતન કરનારા નર્ક ના પ્રવેશ દ્વારો છે. ગુસ્સો કરનાર વ્યક્તિ જ્યારે ગુસ્સો કરે છે ત્યારે એની આંખો બંધ થઈ જાય છે આથી તે સારા નરસાનું ભાન ભૂલી જાય છે. અને સારા સંબંધો પર પાણી ફેરવી દે છે. નાનકડી એક પળની ગેરસમજ, આ ગુસ્સાને કારણે જીંદગી ભરના સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકી દે છે. સ્વામી વિવેકાનંદ એ પણ કહ્યુ છે કે, “ઉપવાસ ફક્ત અનાજનો જ શા માટે? ગુસ્સો, લોભ અને લાલચનો કેમ નહિ? ?
સાચી વાત છે ગુસ્સો આવે ત્યારે તમારી જાતને સંભાળી લો..પરિસ્થિતિ નું અવલોકન કરો. ઉંડા શ્વાસ લો. અને ત્યારે તમે ચોક્કસ અનુભવશો કે તમે ગુસ્સાના રાવણને ભસ્મીભૂત કરી નાખ્યો છે. ક્રોધ એક એવી સ્થિતિ છે જેમાં જીભ મનથી અધીક ઝડપથી કામ કરે છે. બીજા નો ગુસ્સો જે પોતાની અંગત વ્યક્તિ ઉપર ઉતારે છે એ પછી મનભરીને પસ્તાય છે.
બુદ્ધિમાન કદી ગુસ્સે થતાં નથી અને જે ગુસ્સો કરે છે તે કદી બુદ્ધિમાન હોતા નથી. ક્રોધ એક એવો શાપ છે જે વ્યક્તિ પોતાની જાતે પોતાને જ આપે છે. ધૈર્યથી જ ગુસ્સા ને કાબૂમાં રાખી શકાય.
જેમ માચીસ કોઈ બીજી ચીજ ને બાળતા પહેલા પોતે બળે છે તે જ રીતે ગુસ્સો પણ આ માચીસ જેવો જ છે બીજાને બાળતા પહેલા પોતે બળવું પડે છે.. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો સૌ પ્રથમ ગુસ્સાની લંકાને બાળો…માટે જ…
સુરત – દિલીપ વી ઘાસવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.