આમ વારંવાર મને બોલાવો નહીં, હવે એ નથી રહયો હું કોઈ બીજો છું હું. કોઈ તમને વારંવાર બોલાવે ત્યારે તમને એ આત્મીયતાથી બોલાવતો હોય છે પરંતુ જયારે આત્મીયતા જ નહીં રહી હોય તો બોલાવનારને એમ કહેવાનું મન થાય કે હવે મને તું નહીં બોલાવ. કારણ કે હવે હું એ નથી રહયો જે તું સમજે છે. હવે હું કોઈ બીજો છું. જેને તું ઓળખતો નથી. સમય અને સંજોગો માણસને પહેલા જેવો રહેવા દેતા નથી. ઘણી વાર સામેથી જે બોલાવી રહયો છે તેનો સૂર પણ બદલાયેલો લાગે. એવી જ રીતે કેટલીક વાર આપણામાં પણ કેટલોક બદલાવ આવી ગયો હોય. જેની સામેવાળાને હજી જાણ નહીં હોય. આમ આપણે એના એ જ હોવા છતાં એ રહેતા નથી. દુનિયાના અનુભવો માણસને ઘણું શીખવાડતા હોય છે. માણસ પોતાની જાત સાથે સંવાદ કરે ત્યારે પણ તે એવું કહે છે કે તું હવે મને ઢંઢોળવાનું છોડી દે.
કારણ કે હવે હું પહેલાં જેવો રહયો નથી. મારી આસપાસના લોકોએ મને ઘણું શીખવાડ્યું છે. મારી અંદરથી હવે મારાપણું જ જાણે ગાયબ થઈ ગયું છે. હું મારામાં રહેતો નથી. જાણે કોઈ બીજું મારામાં રહે છે. જેને હું પણ બરાબર ઓળખતો નથી. એટલે હવે મને બોલાવવાનું તારે માંડી વાળવું. મને વારંવાર સાદ કરવાનું તું રહેવા દે. હવે હું એ રહયો નથી. કેટલાક લોકો સમય પ્રમાણે બદલાઈ જતા હોય છે. કેટલાક લોકો સમય બદલાયો હોવા છતાં તેના તે રહે છે. આવા લોકોને સંજોગો પણ બદલી શકતા નથી. આવા લોકો પોતાનો સ્વભાવ અને પોતાનો મિજાજ અકબંધ રાખી શકતા હોય છે. પરંતુ એવા લોકો ખૂબ ઓછા હોય છે. મોટાભાગના માણસો સમય સાથે બદલાઈ જતા હોય છે. આવા લોકો સામેના લોકોની સ્થિતિને જોઈને સંબંધ રાખતા હોય છે. એવા માણસને બોલાવો જે તમને તમારા કોઈ પણ રૂપમાં સ્વીકારવા તૈયાર હોય. તમારી હેસિયત જોઈને તમને બોલાવતા લોકોથી દૂર રહો.