એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકલ નિખિલભાઈ ૭૫ વર્ષની વયે પણ કામ કરે પણ પોતાની શરતે અને સમયે તેમણે ૬૦ વર્ષ પછી નિવૃત્તિ અને પ્રવૃત્તિનું બેલેન્સ કર્યું હતું એટલે પોતાના મોજ શોખ પણ કરે અને કામ પણ છોડ્યું ન હતું. પોતાના મિત્રો સાથે વિક એન્ડમાં બહારગામ ફરવા ગયા હતા ત્યાં એક મિત્રે કહ્યું, ‘નિખિલ ,હજી પૂરેપૂરો રીટાયર થયો નથી.શું થાક્યો નથી? અમારા બધામાં તું સૌથી વધારે ફીટ છે.સૌથી સફળ છે.સૌથી સુખી છે.સૌથી ખુશ છે અને તારા મોઢે કોઈ દિવસ લાઈફ માટે કે ,કામ માટે કે ઘર માટે,બાળકો માટે કે પત્ની માટે કોઈ ફરિયાદ સાંભળી જ નથી. એવો તે કેવો હિસાબ રાખે છે કે બધું બરાબર બેલેન્સ થાય છે.’
નિખિલભાઈ હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, તને ખબર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું જીવન આંકડાઓ અને હિસાબમાં જ અટવાયેલું હોય.જીવનભર કામ માટે બસ હિસાબ જ હિસાબ કર્યા છે અને મેં એક નિયમ બનાવ્યો છે કે જીવન જીવવામાં ક્યારેય કોઈ હિસાબ કરવો નહિ.હું કોઈ હિસાબ કરતો જ નથી અને એટલે જ હું સાચા મનથી ખુશ છું અને સાચા દિલથી ખુશ છું એટલે બધાને ખુશ રાખી શકું છું.’ બીજા મિત્રે કહ્યું, ‘પણ દોસ્ત, હિસાબ તો મહત્ત્વનો છે ને.જીવનમાં શું મળ્યું અને શું ખોયું તેનો હિસાબ તો રાખવો જ પડે ને.’
નિખિલભાઈએ કહ્યું, ‘જો દોસ્ત, મારી વાત કદાચ કવિતા જેવી લાગશે, પણ હું આ પ્રમાણે જ માનું છું અને જીવું છું.આપણે બધા જ કાળના પ્રવાહમાં આ દુનિયામાં થોડાં વર્ષો માટે આવીએ છીએ. આપણી પહેલાં પણ દુનિયા હતી અને આપણે જતાં રહીશું પછી પણ હશે તો આ થોડાં વર્ષોમાં હિસાબ શું કરવો.જીવનમાં રોજ આપણને કેટલું કેટલું મળે છે.રોજે રોજ મળે છે તો જે કંઈ ન મળ્યું તેનો હિસાબ શું કરવો.દરેક નવો દિવસ નવી રોશની.નવો પ્રકાશ લાવે છે તો રાત્રીના અંધકારનો હિસાબ શું કરવો.આનંદની ક્ષણ જે મળે, જયારે મળે તેમાં દિલથી જીવી લેવું, ઉદાસી અને દુઃખની ક્ષણોનો હિસાબ શું કરવો.
સ્વજનો પાસેથી પ્રેમ મળે મેળવી લેવો.અપેક્ષાથી વધારે મળ્યો કે ઓછો તેનો હિસાબ ન કરવો.સ્નેહી, સ્વજનો કે દૂર રહેતાં બાળકો મળી શકાય તો મળી લેવું, નહિ તો યાદોમાં ખુશ રહેવું, ન મળ્યાનો હિસાબ ન રાખવો.મારા અને તમારામાં દરેકમાં કૈંક તો સરસ અને મનગમતું હોય જ છે તે જોવું, કોઈકની થોડી ખામીઓનો હિસાબ શું રાખવો.દોસ્તો, હું તો આ બધા જ હિસાબ રાખ્યા વિના જીવું છું અને ખુશ છું. તમે પણ આ બધા હિસાબો રાખવાનું બંધ કરો.’ બધા મિત્રોએ નિખિલભાઈની વાતને તાળીઓથી વધાવી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે