Vadodara

2 કિડની, 2 કોર્નિયા અને 1 લીવરના દાનથી 4ને જીવતદાન

વડોદરા : વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે બ્રેન સ્ટ્રોકને કારણે અવસાન પામેલા 72 રમીલાબેન એ પોતાના અંગદાન થકી ચાર વ્યક્તિઓને જીવન દાન આપ્યું છે.ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતેથી ગ્રીન કોરિડોર રચી ઓર્ગન સુરત લઈ જવાયા હતા. વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે રહેતા 72 વર્ષના રમીલાબેન સલોટને 2 દિવસ અગાઉ બ્રેન સ્ટ્રોક આવતા તેમના પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યાં હતા.જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી.પરંતુ બ્રેઈન સ્ટ્રોકના હુમલાને કારણે તેમના મગજના જ્ઞાન તંતુઓ પર ખૂબજ અસર થઈ હતી.આ માટે જટીલ બ્રેન સર્જરી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.આથી તબીબો દ્વારા આ અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

સર્જરી બાદ પણ તેઓ સ્વસ્થ થશે તેની શક્યતાઓ ઘણી ઓછી હોવાથી ભાઈલાલ અમીન હોસ્પિટલના તબીબોએ પરિવારજનોને આ અંગે માહિતગાર કર્યા હતા.તેમજ સર્જરી કરાવવી કે નહીં તેનો નિર્ણય લેવા માટે જરૂરી માર્ગ દર્શન પણ આપ્યું હતું.જોકે સર્જરી બાદ પણ રિકવરીમાં નહીંવત કહી શકાય તેવી પરિસ્થિતિ ને કારણે સર્જરી નહીં કરવાનો પરિવારજનો એ નિર્ણય લીધો હતો.આ નિર્ણય બાદ રમીલાબેનના પુત્રએ હોસ્પિટલના સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં ભાઈલાલ અમીન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જે બાદ તબીબોએ કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું.જેમાં કિડની,લિવર અને ચક્ષુ દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા.આ રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓ એ સુરતના દર્દીઓને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેવો નિર્ણય ઓર્ગન મેચના આધારે લીધો હતો.જ્યારે ચક્ષુઓ વડોદરાની કાશિબાઈ આઈ બેંકને સુપ્રત કરવાની સૂચના અપાઇ હતી.જેથી ગુરુવારે સવારે રમીલાબેનના લિવર, કિડની અને ચક્ષુઓને શસ્ત્ર ક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેથળ ગ્રીન કોરિડોર રચી સુરતની કિરણ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે તેમના નેત્રોને વડોદરાની કાશિબાઇ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં.આમ ડભોઇના સ્વ.રમીલાબેનએ ચાર લોકોને જીવતદાન આપ્યું હતું.

Most Popular

To Top