Charchapatra

 ‘નામ’ની અપેક્ષાએ દાન

ટી.વી. પર આવતી એક જાહેરાતમાં ‘‘આમ વાલી દિલદારી, બિના નામ બતાયે હોતી હૈ’’ કહી દાન કરેલા બાંકડા પર સાચું નામ નહિ આપી દાનની ઉત્તમ રીત દર્શાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. વૃદ્ધો, ગરીબ, અનાથ બાળકો માટે અન્ન-વસ્ત્ર-શિક્ષણ- તબીબી સહાય કેટલીય વ્યકિત સાચું નામ છુપાવી કરતી હોય છે તો બીજી તરફ કેટલીય વ્યકિત થોડું પણ દાન કરે કે કોઈને મદદ કરે તો તેની જાહેરાત થાય, લોકો તેની વાહવાહ કરે એવું ઈચ્છે છે. કહેવાય છે કે શ્રેષ્ઠ દાન એ છે કે એક હાથે આપીએ તેની બીજા હાથને ખબર પણ ન પડે. કોઈને કંઈ આપીએ કે મદદ કરીએ તેનાં ગાણાં ગાતાં ફરીએ અથવા અન્યો દ્વારા તેનો ઉલ્લેખ થાય એવો આગ્રહ રાખીએ તો એ દાન-મદદ કેટલે અંશે યોગ્ય ?
          – ડો. જયા યોગેશ હલાટવાળા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રેડિયોના દિવસો તમે યાદ અપાવ્યા
સીટી પલ્સમાં ‘ગુજરાતમિત્રે’ ‘‘રેડિયો’’ અંગે કેટલાંકના અભિપ્રાય લઈ માહિતી પ્રગટ કરી છે તે વાંચી દિલ રેડિયોની અવિસ્મરણીય યાદોના હિલોળે ચઢયું. સાચે જ રેડિયો ક્યારેક ઘર-ઘરનાં આભૂષણો હતાં.  રેડિયોને સાંભળવા લાઈસન્સ લેવું પડતું એટલું જ નહીં, ધંધા અને ઘરના સ્થાનની અલગ અલગ ફી વસુલાતી. મરફી, બુશ, ફિલીપ્સ જેવી બ્રાન્ડની બોલબાલા હતી. રેડિયો પર અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવાં સ્ટેશનો પર રજૂ થતા કાર્યક્રમોની ભારે લોકપ્રિયતા હતી. વર્તમાનમાં શ્રીલંકા થયેલ ત્યારે સિલોન તરીકે રેડિયો કાર્યક્રમ દ્વારા પ્રસિધ્ધ હતું. વળી સમાચારમાં બી-બી-સી લંડન પર આવતા સમાચાર વિશ્વસનીય ગણાતાં. ઓલ ઈન્ડિયા જેવાં સ્ટેશનો પણ પ્રસિધ્ધ હતાં. વળી સમાચારમાં બિનાકા ગીતમાલા કાર્યક્રમ દર બુધવારે અમીન સયાની દ્વારા રજૂ થતો. તેની ભારે લોકચાહના હતી. ભારત પાકિસ્તાન યુધ્ધ સમયે પકડાયેલ પાકિસ્તાન યુધ્ધ કેદીઓની માહિતી તેમના જ સ્વરમાં ઓલ ઈન્ડિયા પર રજૂ થતી તેથી તેમના પરિવારને તેમની સાચી માહિતી મળી રહેતી. આમ અનેક રીતે રેડિયો પરિવારનો લાડકવાયો સભ્ય હતો.
નવસારી           – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top