Charchapatra

મંદિરોને દાન અને સોનાનો ચડાવો

દેશના સૌથી વધારે ધનાઢય મંદિર તરીકે પ્રતિષ્ઠિત તિરૂપતિ બાલાજી અને શીરડી સાંઇ મંદિરને દાનમાં મળતી રોકડ રકમનો આંકડો વાંચતાં આંખો ચાર થઇ જાય છે. ઉપર્યુકત મંદિરો સહિત અને તે ઉપરાંત અંબાજી મંદિરને થતો સોનાનો ચડાવો ધ્યાનમાં લેતાં એમ ચોક્કસ કહી શકાય કે આ દેશ ગરીબ તો નથી જ અને દેશનાં તમામ મંદિરોની આવક તથા સોનાનો ચડાવો ગણતરીમાં લઇએ તો રાજય તેમ જ કેન્દ્રના બજેટની ખાધ સહેલાઇથી પૂરી શકાય તેમ છે. આ તો દરેકની શ્રધ્ધાની અને બંધારણ અંતર્ગત મળેલ ધર્મ સ્વાતંત્ર્ય અધિકારની બાબત છે.

આપણે તેને સન્માનીએ છીએ. તેની ટીકા કરવાનો આશય નથી. પરંતુ એક પ્રશ્ન જરૂર ઉદ્‌ભવે છે કે જયાં રાજયમાં શાળાનાં અનેક મકાનો ખંડેર હાલતમાં હોય, જયાં પાણી ટોઇલેટની સુવિધા ન હોય, રમતગમતનું મેદાન ગેરહાજર હોય, હજારોની સંખ્યામાં શિક્ષકોની ઘટ હોય, જાહેર પરિવહનની પૂરતી સુવિધાના અભાવના કારણે નદીનાં પાણીમાંથી પસાર કરવાની ફરજ પડતી હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જેમની નિયમિત હાજરીની અપેક્ષા હોય, તે તબીબ નિયમિત રીતે ગેરહાજર હોય, સારા વરસાદ છતાં શિયાળામાં જ કેટલાક વિસ્તારોમાં પાણીની બૂમરાણ શરૂ થઇ જતી હોય, ત્યારે આ અધધધ રકમનો કેટલોક હિસ્સો શું લોકહિતનાં આવાં કામો માટે ખર્ચી ન શકાય? મંદિરને ભલે દાન મળે કે સોનું ચડે, પરંતુ તેની ચોક્કસ ટકાવારી આવાં લોકહિતનાં કામો માટે ફરજીયાત ખર્ચવામાં આવે તો પ્રજાકીય મુશ્કેલી હાવી થતાં રાહતનો અનુભવ થાય.
પાલનપુર           – અશ્વિન ન. કારીઆ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તાપી મૈયા કી જય
સુરત શહેરની મધ્યેથી પસાર થતી તાપી નદીએ શહેરીજનોની જીવાદોરી છે તે છતાં તેનાં વહેતાં પાણીમાં શહેરીજનો માતા કહેવાતી તાપી મૈયામાં ફૂલ-હાર ને કચરો અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનને તાપી નદીમાં જોડી દઇ ગંદકી ફેલાવી રહ્યા છે. કોઇ વ્યક્તિ પોતાની માતા બેઠી હોય તો તેની પર કચરો (ભીનો કે સૂકો) નાંખે છે ખરો?! નાંખી શકે ખરો?! જો આનો જવાબ ના માં હોય તો આપણી જીવાદોરી સમાન તાપી મૈયામાં કેમ આમ થાય છે?

તાપી મૈયા માટે શહેરીજનોમાં અહોભાવ જાગે, તેને નમન કરતા થાય. 80 લાખની વસ્તીમાંથી રોજરોજ 800 થી વધુ વ્યક્તિ આ તાપી કિનારે ભેગા થતા થાય અને તાપી મૈયાની આરતીમાં સહભાગી થાય તો આવનાર દિવસોમાં આ તાપી તટ ખૂબ વિકિસત થઇ શકે તેમ છે અને એક દિવસ ગંગા મૈયાની આરતીની જેમ જ તેનું અતિ મહત્ત્વ બની જાય છે. જરૂર છે માત્ર શહેરીજનોને જાગૃતિની અને સ્થળ પર હાજર રહી સામુહિક આરતીમાં જોડાવાનું.

તાપી મૈયાની આરતીના આયોજકો જાહેરમાં કહે છે કે,  કોઇ પણ વ્યક્તિ-સમાજ-સંસ્થા સમૂહમાં આરતીનાં સાધનો લાવી તેઓ પણ આ આરતીમાં જોડાઈ શકે છે. તો શહેરની તમામ એનજીઓ આ દિશામાં જાગૃત થાય તો એકાદ વર્ષમાં તો એક સુંદર નયનરમ્ય સ્થળ અને તેમાં ધાર્મિક સંગઠનનું પ્રદર્શન રોજ-રોજનું જોવા મળી શકે છે.આયોજકોને અભિનંદન અને શહેરીજનોની જાગૃતિ આવે તેવી શુભેચ્છા શાસ્ત્રોમાં ગંગા મૈયાની પણ અતિ મહત્ત્વની અને પવિત્ર નદી તરીકે તાપી નદીની નોંધ જોવા મળે છે.
સુરત     – પરેશ ભાટિયા સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top