Comments

આજથી ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ઇનિંગ શરૂ, યુક્રેન, નાટો અને મધ્યપૂર્વના વિવાદ સૌથી મોટા પડકાર

નવેમ્બરમાં યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ એટલે કે આજે વ્હાઇટ હાઉસમાં ફરીવાર પ્રવેશ કરશે. યુએસ રાષ્ટ્રપતિ તરીકે તેમની બીજી ઇનીંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની વિદેશનીતિને ફરીથી આકાર આપશે. આ વિદેશનીતિના કેન્દ્રમાં તેઓ ‘અમેરિકા ફર્સ્ટ’ને રાખવા માંગે છે. આ નવી વિદેશનીતિ અમેરિકાની સરહદની બહાર રહેતા લાખો લોકોના જીવન પર પણ અસર કરશે. વર્ષ 2017થી 2021 સુધી યુએસ રાષ્ટ્રપતિ રહેલા ટ્રમ્પ કેટલાક મહત્ત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે કેવું વલણ રાખી શકે તેના પર એક નજર કરીએ.

ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે વારંવાર કહ્યું હતું કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ‘એક દિવસમાં’ જ સમાપ્ત કરી દેશે. પરંતુ તે અંગેની કોઇ વિગત તેઓ આપતા નથી. વર્ષ 2022માં રશિયાના આક્રમણ પછી યુક્રેનને અપાતી અબજો ડૉલરની યુએસ લશ્કરી સહાય અંગે તેઓ લાંબા સમયથી ટીકા કરી રહ્યા છે. આનાથી યુક્રેનના સમર્થકોમાં ચિંતા ફેલાઈ ગઈ કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરશે. યુક્રેન અને રશિયા માટે ટ્રમ્પના ખાસ દૂત તરીકે નામાંકિત કીથ કેલોગે જાન્યુઆરીની શરૂઆતમાં ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તેમનું ધ્યેય 100 દિવસની અંદર આનો ઉકેલ લાવવાનું છે.

કેલોગે ગયા એપ્રિલમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે યુક્રેનને ફક્ત ત્યારે જ વધુ યુએસ સહાય મળશે જો તે મૉસ્કો સાથે શાંતિ વાટાઘાટોમાં ભાગ લેવા સંમત થશે. ટ્રમ્પે કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમને મળવા માંગે છે અને તેમની ટીમ મિટિંગ ગોઠવી રહી છે. નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન(નાટો) જે યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સ સહિત 32 દેશોનું બનેલું લશ્કરી જોડાણ છે. ટ્રમ્પને આ સંગઠન પરત્વે અણગમો છે. રાષ્ટ્રપતિ તરીકેના પહેલા સમયગાળા દરમિયાન તેમણે ધમકી આપી હતી કે જો અન્ય સભ્યો સંરક્ષણ પર કુલ સ્થાનિક ઉત્પાદન(GDP)ના 2% ખર્ચ કરવાનાં તેમનાં લક્ષ્યો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો યુએસ નાટોમાંથી ખસી જશે.

તેમણે એવું પણ સૂચવ્યું હતું કે જો હુમલો થાય તો યુએસ એવા સભ્યોનો બચાવ કરશે નહીં જે તેનો હિસ્સો પૂરો ચૂકવતા નથી. જાન્યુઆરી 2025 ની શરૂઆતમાં તેમણે નાટોના યુરોપિયન સભ્યોને તેમની રાષ્ટ્રીય આવકના 5% સુધી ખર્ચ કરવાની હાકલ કરી છે. ટ્રમ્પની ચૂંટણીપ્રચારની વેબસાઇટ પ્રમાણે, તેઓ નાટોનાં હેતુ અને મિશનનું મૂળભૂત રીતે પુનર્મૂલ્યાંકન કરવાની મનસા રાખે છે. તેઓ યુએસને નાટોમાંથી પરત ખેંચી લેશે કે નહીં તે અંગેના અભિપ્રાયો વિભાજીત છે. વિશ્લેષકો કહે છે કે એવા પણ રસ્તાઓ છે કે જેનાથી તેઓ ગઠબંધનમાંથી બહાર નીકળ્યા વિના નાટોને નબળું પાડી શકે છે. ઉદાહરણ તરીકે યુરોપમાં યુએસ સૈનિકોની સંખ્યા ઘટાડીને તેઓ આમ કરી શકે.

મધ્યપૂર્વની વાત કરીએ તો  ગાઝા યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની સહમતી અમલમાં મુકાશે તે પછી ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ સંભાળશે. તેમના સલાહકારોએ જઇ રહેલા રાષ્ટ્રપતિ બાઇડનની ટીમ અને કતાર અને ઇજિપ્તીયન વાટાઘાટકારો સાથે વાતચીત કરી હતી. હવે આ બંને આવતા અને જતા રાષ્ટ્રપતિ આ સમજૂતીનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ સમજૂતીના અમલીકરણમાં આગળ ઘણા પડકારો રહેલા છે. ખાસ કરીને અંતિમ તબક્કાઓને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમાં બાઇડનના શબ્દોમાં ‘યુદ્ધનો કાયમી અંત’ પણ સામેલ છે. પોતાના પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ઇઝરાયલ તરફી નીતિઓ અપનાવી હતી જેમાં જેરુસલેમને ઇઝરાયલની રાજધાની જાહેર કરીને તેલ અવીવથી યુએસ દૂતાવાસને ત્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો.

તેમના વહીવટી તંત્રે ઈરાન પ્રત્યે પણ કડક વલણ અપનાવ્યું હતું. જેમાં પરમાણુ કરારમાંથી બહાર નીકળવું અને પ્રતિબંધો વધારવા અને ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરવી સામેલ છે. ટીકાકારોનું માનવું છે કે ટ્રમ્પની નીતિઓનો આ પ્રદેશ પર નકારાત્મક પ્રભાવ પડ્યો અને તેણે પેલેસ્ટેનિયનોને બધાથી અલગ કરી દીધા. આ માટે તેમણે ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સુદાન અને મોરોક્કો વચ્ચે રાજદ્વારી સંબંધોને સામાન્ય બનાવતા ઐતિહાસિક અબ્રાહમ કરારો કરાવવામાં આગેવાની લીધી. ભવિષ્યમાં સ્વતંત્ર પેલેસ્ટાઇનનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના જ આ કરારો પર સંમતિ સાધવામાં આવી હતી. અગાઉ આવા કરાર માટે પેલેસ્ટાઇનની સ્વંતંત્રતા આરબ દેશોની પૂર્વશરત રહેતી. ગાઝા યુદ્ધવિરામની જાહેરાત થયા પછી ટ્રમ્પે કહ્યું કે તેઓ આ પ્રદેશમાં શક્તિ દ્વારા શાંતિને પ્રોત્સાહન આપશે. અને અબ્રાહમ કરારોને વધુ સુદ્ઢ બનાવશે. આનો અર્થ એ થાય કે સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે સમજૂતી કરાવવી.

Most Popular

To Top