Columns

અમેરિકાની સરકારના શટ ડાઉનને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું નાક કપાયું છે

ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની અમેરિકાની સરકારને તેને મળેલી મંજૂરી કરતાં વધુ ખર્ચ કરવાની આદતને કારણે અમેરિકાની સરકાર શટ ડાઉન થઈ ગઈ છે. બુધવારે અમેરિકામાં ફેડરલ સરકાર બંધની પહેલી સવાર હતી અને દેશની સંસદની બહાર પત્રકારોનો મેળાવડો જોવા મળ્યો હતો. શટ ડાઉનને કારણે હજારો સરકારી કર્મચારીઓને પગાર વિના રજા પર જવાની ફરજ પડી છે અને ઘણા બિન-આવશ્યક સરકારી કાર્યક્રમો અને સેવાઓ પણ બંધ થવાનું જોખમ ધરાવે છે. હકીકતમાં અમેરિકાની સેનેટ વધારાના સરકારી ખર્ચ પર સર્વસંમતિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ, તેથી આ સંબંધિત બિલ પસાર થયું ન હતું. અમેરિકામાં ૨૦૧૮ પછી આ પહેલું સરકારી શટ ડાઉન છે. આનાથી બિન-આવશ્યક કર્મચારીઓને પગાર વિના રજા પર જવાની ફરજ પડી શકે છે. સરકારને ભંડોળ પૂરું પાડવાનો ડેમોક્રેટ્સનો પ્રસ્તાવ સેનેટમાં નિષ્ફળ ગયો હતો. બિલ ૪૭ વિરુદ્ધ ૫૩ મતથી પસાર થઈ શક્યું નહીં.

સરકારી બંધ અટકાવવાના હેતુથી આ પ્રસ્તાવ ૧૦૦ સભ્યોના ગૃહમાં જરૂરી ૬૦ મતો મેળવવામાં નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ રિપબ્લિકન ફંડિંગ બિલ ૫૫-૪૫થી પરાજીત થયું હતું. અમેરિકામાં શટ ડાઉન એકદમ સામાન્ય બની ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન આવું ત્રણ વખત બન્યું, જેમાં ઇતિહાસનું સૌથી લાંબુ શટ ડાઉન પણ સામેલ હતું, જે ૩૬ દિવસ સુધી ચાલ્યું હતું, જે જાન્યુઆરી ૨૦૧૯ માં સમાપ્ત થયું હતું. ૧૯૮૦ના દાયકામાં રોનાલ્ડ રીગનના કાર્યકાળ દરમિયાન આઠ શટ ડાઉન થયાં હતાં.

વિશ્લેષકો આગાહી કરે છે કે આ શટ ડાઉન ૨૦૧૮ ના અંતમાં થયેલાં શટ ડાઉન કરતાં પણ મોટું હોઈ શકે છે, જ્યારે કોંગ્રેસે કેટલાંક ભંડોળ બિલ પસાર કર્યાં હતાં. તેમનો અંદાજ છે કે અમેરિકાની ફેડરલ સરકારના લગભગ ૪૦ ટકા અથવા ૮,૦૦,૦૦૦ થી વધુ કર્મચારીને કામચલાઉ રજા પર મોકલવામાં આવી શકે છે. આ શટ ડાઉનથી તમામ સરકારી કામગીરી બંધ નહીં થાય. સરહદ સુરક્ષા, હોસ્પિટલની તબીબી સંભાળ, કાયદા અમલીકરણ અને હવાઈ ટ્રાફિક નિયંત્રણ જેવાં કાર્યો ચાલુ રહેશે. સરકાર દ્વારા સામાજિક સુરક્ષા અને મેડિકેર ચેક મોકલવાનું ચાલુ રહેશે, પરંતુ લાભની ચકાસણી અને તે બાબતના કાર્ડ જારી કરવાનું બંધ થઈ શકે છે.

શટ ડાઉન દરમિયાન આવશ્યક કામદારો સામાન્ય રીતે  કામ કરે છે. કેટલાંકને આ સમયગાળા દરમિયાન પગાર મળતો નથી, પરંતુ બિન-આવશ્યક સરકારી કર્મચારીઓને કામચલાઉ ધોરણે પગાર વગરની રજા પર મોકલવામાં આવે છે. ભૂતકાળમાં આવાં કર્મચારીઓને પાછલી તારીખોથી તેમના પગાર ચૂકવવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે ખાદ્ય સહાય કાર્યક્રમો, સંઘીય ભંડોળ ઉપર ચલાવવામાં આવતી પ્રિસ્કૂલો, વિદ્યાર્થી લોન જારી કરવી, ખાદ્ય નિરીક્ષણો અને રાષ્ટ્રીય ઉદ્યાનની કામગીરી જેવી સેવાઓ બંધ થઈ શકે છે.

વિશ્લેષકોના મતે શટ ડાઉનથી દર અઠવાડિયે આર્થિક વૃદ્ધિદરમાં લગભગ ૦.૧ થી ૦.૨ ટકાનો ઘટાડો થઈ શકે છે. નુકસાનનું પ્રમાણ શટ ડાઉન કેટલો સમય ચાલે છે અને તે કેટલું વ્યાપક છે તેના પર નિર્ભર રહેશે. ભૂતકાળમાં આવા વિક્ષેપો કામચલાઉ રહ્યા હતા અને કોઈપણ સરકારી વિભાગ જે બંધ થઈ ગયો હતો તેને ઘણી વાર થોડા મહિનામાં વળતર મળી ગયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાંક સરકારી કર્મચારીઓને રજા પર મોકલવાની જ નહીં, પણ તેમને કાઢી મૂકવાની પણ ધમકી આપી છે. આ શટ ડાઉન અમેરિકાના અર્થતંત્રમાં વધુ ઊથલપાથલ પેદા કરી રહ્યું છે, જે પહેલાંથી જ ટેરિફના માર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવા ફેરફારોનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાની સરકારે દર વર્ષે બજેટ પસાર કરવું પડે છે. જો સેનેટ અને હાઉસ ભંડોળ બિલ પર અસંમત થાય, તો સરકારી એજન્સીઓ પગાર મેળવી શકશે નહીં. પરિણામે બિન-આવશ્યક સેવાઓ અને ઓફિસો બંધ રહે છે. વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટે પણ એક મેમો જારી કર્યો હતો જેમાં પુષ્ટિ આપવામાં આવી હતી કે સરકાર મંગળવારે મધ્યરાત્રિએ બંધ થઈ જશે. મેમો પર ડિરેક્ટર રસેલ વોટ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમિયાન, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંધ માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે. રિપબ્લિકન કોંગ્રેસ પર નિયંત્રણ ધરાવે છે, પરંતુ કોઈ પણ ખર્ચ બિલ પસાર કરવા માટે સેનેટમાં તેમની પાસે ૬૦ મતોનો અભાવ છે. શટ ડાઉનની અસર વ્યાપક રહેશે. રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ થઈ ગયાં છે અને શ્રમ વિભાગ હેઠળ કાર્યરત બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ પણ બંધ રહેશે. આનો અર્થ એ થયો કે માસિક નોકરીનો અહેવાલ, જે શુક્રવારે જાહેર થવાનો હતો, તે જાહેર કરવામાં આવશે નહીં.

તાજેતરના મહિનાઓમાં ભરતીમાં ઘટાડાને કારણે આ અહેવાલની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. નિષ્ણાતો કહે છે કે રિપોર્ટની ગેરહાજરીથી અમેરિકાના અર્થતંત્રનું ચિત્ર વધુ ધૂંધળું થશે અને પહેલાંથી જ અસ્તિત્વમાં રહેલી અનિશ્ચિતતામાં વધારો થશે. હજારો ફેડરલ કર્મચારીઓને અસર થશે અને ઘણી એજન્સીઓ બંધ થઈ જશે. જો કે લશ્કર, હવાઈ ટ્રાફિક નિયંત્રણ અને સામાજિક સુરક્ષા જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ શટ ડાઉનને કારણે ડોનાલ્ડ ટ્રમ્પની શાખ જગતના ચોકમાં ઘટી છે પણ તેથી તેમને કંઈ ફરક પડતો નથી.

૨૦૧૮માં ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં થયેલું છેલ્લું શટ ડાઉન ૩૫  દિવસ ચાલ્યું હતું. તે સમય દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવા માટે ભંડોળ માટે સેનેટની મંજૂરી માંગી હતી, પરંતુ સેનેટે તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ વખતે હેલ્થકેર સબસિડી અને મેડિકેડ ફંડિંગમાં કાપ મૂકવા અંગે વિવાદ શરૂ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી મેડિકેર ફંડિંગમાં ઘટાડો કરવા માંગે છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી સબસિડી વધારવા માંગે છે. આ મુદ્દો એક કાંટાળો બની ગયો છે. ડેમોક્રેટિક પાર્ટીનો આરોપ છે કે ટ્રમ્પની સરકાર તેમની હેલ્થકેર માંગણીઓ પૂરી કરી રહી નથી, તેથી તેઓ ખર્ચ બિલને મંજૂરી આપશે નહીં.

શટ ડાઉન પછી વ્હાઇટ હાઉસ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે વારંવાર ચેતવણીઓ આપી છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે અચાનક વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ચેતવણી આપી હતી કે જો આ ગતિરોધ દિવસો કે અઠવાડિયાં સુધી ચાલુ રહેશે, તો ફેડરલ કર્મચારીઓને છટણી કરવી પડી શકે છે. તેમણે બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ લંબાય તો નોકરી ગુમાવવી કામચલાઉ ન પણ હોય. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એમ પણ જણાવ્યું હતું કે એજન્સીઓ છટણી માટે તૈયારી કરી રહી છે અને છટણી નિકટવર્તી છે.

આશરે સાડા સાત લાખ ફેડરલ કર્મચારીઓને રજા પર ઊતારી શકાય છે અને સરકાર તેમને કામ પર પાછા ફરવાનો અને મહેનતાણું મેળવવાનો આદેશ ન આપે ત્યાં સુધી તેમનો પગાર રોકી શકાય છે. ઘણાં આવશ્યક કર્મચારીઓ, જેમ કે લશ્કરી કર્મચારીઓ, હવાઈ ટ્રાફિક નિયંત્રકો અને સરહદ એજન્ટો, તેમની ફરજો બજાવવાનું ચાલુ રાખશે પરંતુ થોડા સમય માટે તેમને પગાર વિના કામ કરવાની જરૂર પડી શકે છે. જો કે, FBI એજન્ટ એસોસીએશન અને અન્ય સુરક્ષા જૂથોએ ચેતવણી આપી છે કે શટ ડાઉન દેખરેખ અને ફોરેન્સિક કાર્યને અસર કરી શકે છે. તેમનું કહેવું છે કે ઓછાં સંસાધનોથી આતંકવાદ, ડ્રગ હેરફેર અને સાયબર ધમકીઓનો સામનો કરવો મુશ્કેલ બનશે. ઘણા ટોચના સુરક્ષા સંગઠનોએ શટ ડાઉનને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિરિયરની યોજના મુજબ ઘણાં રાષ્ટ્રીય ઉદ્યાનો આંશિક રીતે ફરી ખૂલશે, પરંતુ સેવાઓ ઓછી કરવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારો બંધ થઈ શકે છે. કેટલાંક રાજ્યો પોતાની સહાય આપી રહ્યાં છે. જો કે, ઘણાં ઉદ્યાનો સ્ટાફની અછત અને સુરક્ષા ચિંતાઓનો સામનો કરી રહ્યાં છે. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું છે કે તેઓ આ વખતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ખુલ્લું રાખવા માટે રાજ્ય ભંડોળનો ઉપયોગ કરશે નહીં, તેથી જો ફેડરલ સરકાર સેવાઓ બંધ કરે તો ત્યાંની સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે. જો કોઈ સમાધાન નહીં થાય તો શટ ડાઉન લંબાઈ શકે છે, જેની અસરો મહિનાઓ સુધી અનુભવાશે. તેથી પગારની ચૂકવણીમાં વિલંબ થશે, સરકારી સેવાઓમાં કાપ મૂકવામાં આવશે અને રાષ્ટ્રીય સુરક્ષા કામગીરી પર અસર પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top