અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મેડનેસમાં પણ મેથડ જોવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા છે ત્યારથી કેનેડા, ગ્રીનલેન્ડ અને પનામા નહેર બાબતમાં વિવાદાસ્પદ નિવેદનો કરીને પડોશીઓની ઊંઘ હરામ કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે આર્કટિકમાં ડેનમાર્કના સ્વાયત્ત ક્ષેત્ર અને વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને બાય હુક ઓર બાય ક્રુક અમેરિકા સાથે જોડવામાં નવેસરથી રસ દાખવ્યો છે. તેમણે ૨૦૧૯માં પ્રમુખ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ગ્રીનલેન્ડ ખરીદવાનો ઈરાદો દર્શાવ્યો હતો, પરંતુ આ અઠવાડિયે તેઓ એક ડગલું આગળ વધ્યા હતા અને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકાની આર્થિક શક્તિ અથવા સૈન્યનો ઉપયોગ કરવાની શક્યતાને તેમણે નકારી કાઢી ન હતી.
ડેનિશ અને યુરોપિયન અધિકારીઓએ ટ્રમ્પની ઈચ્છાઓનો જવાબ આપતાં કહ્યું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને તેની પ્રાદેશિક અખંડિતતાનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું જોઈએ. ગ્રીનલેન્ડના વડા પ્રધાન મ્યૂટ ઇંગાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ તેના લોકોનું છે અને તે વેચાણ માટે નથી. આ અસામાન્ય પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ, જ્યારે નાટોના બે સહયોગીઓ વચ્ચે વિશાળ વિસ્તારને લઈને વિવાદ ઊભો થયો છે? ગ્રીનલેન્ડનો વિસ્તાર ૮૦ ટકા બરફથી ઢંકાયેલો છે, પરંતુ વિપુલ પ્રમાણમાં ખનિજ સંસાધનો ધરાવે છે. આ સંજોગો આખરે ગ્રીનલેન્ડની ૫૬ હજાર વસ્તીની આકાંક્ષાઓને કેવી રીતે અસર કરી શકે છે, જે ૩૦૦ વર્ષથી ડેનમાર્ક હેઠળ છે?
એવી અટકળો છે કે ટ્રમ્પની આર્થિક ડંફાસો કદાચ ડેનમાર્ક માટે સૌથી મોટો ખતરો છે, કારણ કે અમેરિકા ડેનમાર્ક અને યુરોપિયન યુનિયનમાંથી માલસામાન પર ટેરિફમાં ભારે વધારો કરી રહ્યું છે, જેના કારણે ડેનમાર્કને ગ્રીનલેન્ડના મામલામાં કેટલીક છૂટછાટો આપવાની ફરજ પડી રહી છે. ડેનિશ સરકારો આ માટે તૈયારી કરી રહી છે અને આ વાત માત્ર આર્કટિક પ્રદેશ માટે નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તમામ અમેરિકન આયાતો પર ૧૦% સીધો વેરો લાદવાની ધમકી આપી છે. અન્ય બાબતો ઉપરાંત આ બાબત યુરોપિયન દેશોના વિકાસમાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ડેનમાર્ક અને અન્ય યુરોપિયન દેશોની કેટલીક કંપનીઓ હવે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવાનું વિચારી રહી છે. ઇન્ટરનેશનલ લો ફર્મ પિલ્સબરીના બેન્જામિન કોટે વેબસાઇટ માર્કેટવોચને જણાવ્યું હતું કે ટેરિફ વધારવાના સંભવિત વિકલ્પોમાં ૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો પણ સમાવેશ થાય છે. આ કરાર સંભવિત રીતે ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગને અસર કરી શકે છે, જે ડેનમાર્કના મુખ્ય ઉદ્યોગોમાંનો એક છે. અમેરિકા ડેનમાર્કથી શ્રવણ સાધન અને ઇન્સ્યુલિન જેવા મોટા ભાગનાં ઉત્પાદનો ખરીદે છે. આ સિવાય ડાયાબિટીસની દવા ઓઝેમ્પિક પણ ડેનિશ કંપની નોવો નોર્ડિસ્ક દ્વારા બનાવવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાનાં આ પગલાંને કારણે અમેરિકન જનતાને તેમના ભાવમાં થયેલો વધારો ગમશે નહીં. અમેરિકા ગ્રીનલેન્ડ ઉપર પરમાણુ હુમલો કરશે તે દૂરનું લાગે છે.
જો કે, મૂળભૂત રીતે અમેરિકા માટે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ નહીં હોય, કારણ કે તેની પાસે પહેલેથી જ ગ્રીનલેન્ડમાં લશ્કરી થાણાં અને મોટી સંખ્યામાં સૈનિકો છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનો એવી માહિતી પર આધારિત હોય તેવું લાગે છે, જેનો અર્થ તેઓ સમજી શક્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રીનલેન્ડમાં અમેરિકાની કોઈ પણ સૈન્ય કાર્યવાહી આંતરરાષ્ટ્રીય વિવાદને જન્મ આપશે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર હુમલો કરે તો નાટોની કલમ ૫ મુજબ તે નાટો પર હુમલો કરશે તેવું માની લેવામાં આવશે.
જો કોઈ નાટો દેશ નાટોના કોઈ પણ સભ્ય દેશ પર હુમલો કરશે તો નાટોનું અસ્તિત્વ જ રહેશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણથી એવું લાગે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાઈવાન વિશે વાત કરી રહ્યા છે અથવા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિશે વાત કરી રહ્યા છે. જો તેમના શબ્દોને ગંભીરતાથી લઈએ તો તે પશ્ચિમી દેશોના જોડાણ માટે ખરાબ સંકેત છે. એવી અટકળો છે કે ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનો માત્ર દેખાડો છે. રશિયા અને ચીન દ્વારા આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ગ્રીનલેન્ડની સુરક્ષા વધારવા માટે ડેનમાર્કને પ્રેરિત કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
ગયા મહિને ડેનમાર્કે આર્ક્ટિક માટે ૧.૫ અબજ ડોલરના નવા લશ્કરી પેકેજની જાહેરાત કરી હતી. તે જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનો પહેલાં જ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનોના થોડા કલાકો પછી કરવામાં આવેલી આ જાહેરાતને ડેનમાર્કના સંરક્ષણ પ્રધાને ભાગ્યની રમત તરીકે વર્ણવી હતી. રોયલ ડેનિશ ડિફેન્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસર માર્ક જેકબસન માને છે કે અમેરિકાના પ્રમુખપદે બિરાજતાં પહેલાં આ ટ્રમ્પનો કેસ છે, જ્યારે ગ્રીનલેન્ડ આ તકનો ઉપયોગ સ્વતંત્રતા તરફના એક વધુ ધ્યાન ખેંચવા માટેનાં પગલાં તરીકે કરશે. ગ્રીનલેન્ડની સ્વતંત્રતા ઘણાં વર્ષોથી એજન્ડા પર છે અને કેટલાક નિષ્ણાતો કહે છે કે તેની ચર્ચા વિરુદ્ધ દિશામાં પણ જઈ શકે છે.
ગ્રીનલેન્ડમાં સામાન્ય સર્વસંમતિ છે કે તેઓ આખરે સ્વતંત્રતા મેળવશે. જો ગ્રીનલેન્ડ તેની તરફેણમાં મતદાન કરશે, તો ડેનમાર્ક તેને સ્વીકારશે અને સમર્થન પણ કરશે. જો કે જ્યાં સુધી ગ્રીનલેન્ડનાં લોકોને ખાતરી ન મળે કે તેઓ આરોગ્ય સેવાઓ અને કલ્યાણ યોજનાઓ માટે ડેનમાર્ક પાસેથી સબસિડી મેળવતા રહેશે ત્યાં સુધી ગ્રીનલેન્ડ તેની સ્વતંત્રતા માટે મત આપશે તે અસંભવિત છે. ડેનિશ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક ઉલિક ગાડે કહ્યું કે ગ્રીનલેન્ડના વડા પ્રધાન ભલે ગુસ્સે થતા, પણ જો તેઓ ખરેખર જનમતની જાહેરાત કરે તો તેમને ગ્રીનલેન્ડની અર્થવ્યવસ્થાને કેવી રીતે બચાવવી તે અંગે મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. આ મુદ્દા પર એક સંભવિત પગલું મફત સહકાર હોઈ શકે છે.
અમેરિકાએ હાલમાં પેસિફિક ક્ષેત્રના દેશો માર્શલ આઇલેન્ડ, માઇક્રોનેશિયા અને પલાઉ સાથે જેવું કર્યું છે, તેવું કંઈક ગ્રીનલેન્ડ માટે પણ કરવું જરૂરી બની જાશે. ડેનમાર્કે અગાઉ ગ્રીનલેન્ડ અને ફેરો ટાપુઓ બંને માટે આવા દરજ્જાનો વિરોધ કર્યો હતો, પરંતુ ડેનમાર્કના વર્તમાન વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન ચોક્કસપણે તેની વિરુદ્ધ નથી. ગ્રીનલેન્ડના ઐતિહાસિક અનુભવ વિશે ડેનમાર્કની સમજ ૨૦ વર્ષ પહેલાંની સમજની સરખામણીમાં ઘણી સારી છે.
ડેનમાર્કે હવે તેની સંસ્થાનવાદી જવાબદારી સ્વીકારી છે. તાજેતરની ચર્ચાઓ ફ્રેડરિકસેનને એવું કહેવા માટે સમજાવી શકે છે કે ડેનમાર્કને આર્કટિકમાં રાખવું વધુ સારું છે. ગ્રીનલેન્ડ સાથે કેટલાક સંબંધો જાળવી રાખવા જોઈએ, પછી ભલે તે નબળા હોય. પરંતુ જો ગ્રીનલેન્ડ ડેનમાર્કથી છૂટકારો મેળવવામાં સફળ થાય તો પણ તે અમેરિકાથી છૂટકારો મેળવી શકશે નહીં તે તાજેતરનાં વર્ષોમાં સ્પષ્ટ થઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધમાં તેનો કબજો મેળવ્યા પછી અમેરિકનોએ વાસ્તવમાં ક્યારેય આ ટાપુ છોડ્યો ન હતો, કારણ કે અમેરિકા ગ્રીનલેન્ડને પોતાની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માને છે.
૧૯૫૧ના કરારે મૂળરૂપે ગ્રીનલેન્ડ પર ડેનમાર્કનું સાર્વભૌમત્વ સ્થાપિત કર્યું હતું, પરંતુ વાસ્તવમાં અમેરિકાને કરારમાં જે જોઈતું હતું તે બધું આપવામાં આવ્યું હતું. ગ્રીનલેન્ડના અધિકારીઓ અમેરિકાની ભૂમિકા વિશે છેલ્લા બે અમેરિકન પ્રમુખોના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં હતા. હવે ગ્રીનલેન્ડનાં લોકો જાણે પણ છે કે અમેરિકા ક્યારેય ગ્રીનલેન્ડ છોડીને નહીં જાય. અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મેડનેસમાં પણ ચોક્કસ મેથડ જોવા મળે છે. તેઓ અમેરિકાને ફરીથી મહાન અને વિશ્વનેતા બનાવવા માગે છે. તેમના રસ્તામાં જો યુરોપિયન યુનિયન પણ આવશે તો ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપિયન યુનિયનને પણ તોડી નાખતાં અચકાશે નહીં તે નક્કી છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.