અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જમીનભૂખનો કોઈ પાર નથી. પહેલાં કેનેડા, પછી ગ્રીન લેન્ડ અને હવે ગાઝા પટ્ટી પર તેમણે નજર બગાડી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ગાઝા પટ્ટી પર કબજો કરવાનું સૂચન કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ જાહેરાત પહેલાં જ મુસ્લિમ દેશો અને હમાસ જેવાં આતંકવાદી સંગઠનો ગભરાટની સ્થિતિમાં જોવા મળ્યાં હતાં. બેન્જામિન નેતન્યાહૂ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપેલા ગોલ્ડન પેજરને કારણે હવે લેબનોન અને હિઝબુલ્લાહ ચર્ચાનો વિષય બન્યા છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં સત્તા પરિવર્તન અને ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી કોઈ વિદેશી નેતાની આ પહેલી મુલાકાત હતી. બેન્જામિન નેતન્યાહૂએ વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ડન પેજર ભેટમાં આપ્યું હતું, જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. ગોલ્ડન પેજર એ એક પ્રતીક છે, જે સપ્ટેમ્બર ૨૦૨૪ માં લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા ઘાતક ઓપરેશનનો ઉલ્લેખ કરે છે. ઈઝરાયેલે પેજર અને બાદમાં વોકી-ટોકીનો ઉપયોગ કરીને ઈરાન સમર્થિત આતંકવાદી જૂથના સભ્યોને નિશાન બનાવ્યા હતા. ઈઝરાયેલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સોનાના પેજરની ભેટને હિઝબુલ્લાહ અને લેબનોન અંગે સંકેત ગણી શકાય.
છેલ્લા ૧૫ મહિનાથી ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભયંકર યુદ્ધમાં ઇઝરાયલે હમાસ સમર્થિત આતંકવાદીઓ સાથે ગાઝા પટ્ટીને લગભગ બરબાદ કરી દીધી છે. હવે ઇઝરાયલ ગાઝા પટ્ટી અમેરિકાને સોંપવા જઈ રહ્યું છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તાજેતરમાં વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. તે જ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૂચન કર્યું કે અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પેલેસ્ટિનિયનોને ગાઝા પટ્ટી છોડી દેવા કહ્યું હતું. એ અલગ વાત છે કે ડોનાલ્ડ ટ્રમ્પનાં સૂચનોનો વૈશ્વિક સ્તરે વિરોધ થયો છે. ખાસ કરીને મુસ્લિમ દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પનાં સૂચનો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ઘણા મહિનાઓથી ગાઝાનો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કર્યો છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પાસે કોઈ વિકલ્પ નથી. તેમની પાસે ત્યાં ફક્ત કચરો છે. પેલેસ્ટિનિયનોએ ગાઝાને બદલે કોઈ સુંદર જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ. અમે ગાઝા પર નિયંત્રણ મેળવ્યા પછી ત્યાંના બધા ન ફૂટેલા બોમ્બ અને અન્ય શસ્ત્રોનો નાશ કરવાની જવાબદારી લઈશું અને નાશ પામેલી ઇમારતોનો કાટમાળ દૂર કરીશું.
ગાઝામાંથી લોકોને ખાલી કરાવ્યા પછી અહીં પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી હાથ ધરવામાં આવશે. આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે. આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે વાત કરી છે તેમને તે ગમ્યું છે. આ વિસ્તારનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે. ગાઝા દુનિયાભરનાં લોકોનું ઘર બની શકે છે. અમે ગાઝાને મધ્ય પૂર્વનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રિવેરા વાસ્તવમાં ઇટાલિયન શબ્દ છે, જેનો અર્થ દરિયાકિનારો થાય છે. ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં તેમના પર્યટન માટે પ્રખ્યાત છે. તેવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝા ઉપર કબજો કર્યા પછી તેને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પેલેસ્ટિનિયન પ્રદેશ પર કબજો કેવી રીતે વાજબી ઠેરવી શકાય? અને ગાઝા પટ્ટીમાં રહેતા લગભગ વીસ લાખ મુસ્લિમોનું શું થશે? ગાઝા પર કબજો કરવાના ટ્રમ્પના વિચારથી ઇઝરાયલમાં જમણેરી વ્યક્તિઓ અને અમેરિકાના ઇઝરાયલ તરફી સમુદાયનાં કેટલાક લોકો ખુશ થયાં છે. ઇઝરાયલી સરકાર લાંબા સમયથી પેલેસ્ટિનિયનો પાસેથી ગાઝા પાછું મેળવવા માંગતી હતી, જેથી ખાતરી કરી શકાય કે આ જમીનનો ઉપયોગ ઇઝરાયલ સામે આતંકવાદી હુમલાઓ કરવા માટે ન થઈ શકે. જ્યારે અમેરિકા અને અમેરિકાની બહાર ટ્રમ્પના નિવેદન સામે તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ પ્રસ્તાવને વાહિયાત ગણાવવામાં આવ્યો છે. ઘણાં પેલેસ્ટિનિયન અમેરિકનોએ કહ્યું કે ગાઝા પટ્ટીમાંથી લાખો લોકોને હાંકી કાઢવાનો અને તેને અમેરિકન નિયંત્રણ હેઠળ મૂકવાનો વિચાર ભયાનક છે.
ઇઝરાયલે ૨૦૦૫ માં ગાઝામાંથી તેની વસાહતો અને લશ્કરી હાજરી પાછી ખેંચી લીધી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ગાઝાને હજુ પણ ઈઝરાયેલના કબજા હેઠળનો પ્રદેશ ગણવામાં આવે છે. ઇજિપ્ત ગાઝાની દક્ષિણ સરહદ (રફાહ ક્રોસિંગ) ને પણ નિયંત્રિત કરે છે. પેલેસ્ટાઇનનાં લોકો એક સમયે ઇઝરાયલના પ્રદેશથી ગાઝા અને ઇજિપ્તના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ફેલાયેલા હતા. આ એક આખો દેશ હતો, પણ હવે આ પૃથ્વી પર તેમની સ્થિતિ વિચિત્ર છે. અલબત્ત, ગાઝાને કોઈ પણ દેશ કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાર્વભૌમ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી નથી. જો કે પેલેસ્ટાઇન રાજ્યને યુનોના ૧૩૮ સભ્ય દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ દેશો ગાઝા અને વેસ્ટ બેન્ક બંનેને એક જ દેશ તરીકે જુએ છે.
જીનીવા સંમેલન હેઠળ ગેરકાયદેસર નિયંત્રણને યુદ્ધ અપરાધ ગણી શકાય. ગાઝા પટ્ટી હાલમાં હમાસ દ્વારા સંચાલિત છે. આ પ્રદેશ ઐતિહાસિક રીતે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષનું કેન્દ્ર રહ્યો છે. અમેરિકા દ્વારા ત્યાં સીધો વહીવટ સ્થાપિત કરવો એ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ અને ગેરબંધારણીય હશે. આવાં પગલાંથી અમેરિકાની વૈશ્વિક વિશ્વસનીયતાને નુકસાન થશે જ, પરંતુ મધ્ય પૂર્વમાં તેણે ભારે પ્રતિકારનો સામનો કરવો પડશે.
આ મુદ્દે ઈરાન અને અન્ય ઇસ્લામિક જૂથો સાથે પણ અમેરિકાનો મુકાબલો થશે. ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનો પરથી એવું લાગે છે કે તેઓ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના કામચલાઉ યુદ્ધવિરામ પછી શાંતિ જાળવવાના પક્ષમાં નથી. હવે તેમણે ઇઝરાયલી કાર્યવાહીને ટેકો આપવાનું શરૂ કર્યું છે. તેથી શક્ય છે કે તેઓ ગાઝા પર સંપૂર્ણ ઇઝરાયલી લશ્કરી નિયંત્રણના પક્ષમાં હોય. ઇઝરાયલ માટે ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, કારણ કે હમાસ અને અન્ય આતંકવાદી જૂથોનો ત્યાં મજબૂત આધાર છે.
અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર અથવા નાટો હેઠળ પીસકીપિંગ મિશનના નામે ગાઝામાં લશ્કરી હાજરી બનાવી શકે છે અને તેના દ્વારા તેના ઉપર પરોક્ષ નિયંત્રણનો ઉપયોગ કરી શકે છે. આ પગલાંને ખાસ કરીને આરબ દેશો અને પેલેસ્ટિનિયન ઓથોરિટી તરફથી તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. અમેરિકા ભવિષ્યમાં ગાઝામાં નવી અમેરિકન સમર્થિત સરકાર બનાવવાની યોજના પણ બનાવી શકે છે. આ રસ્તો અમેરિકા માટે વધુ સારો લાગે છે. ઘણા દેશોમાં આમ કરીને અમેરિકા પોતાના માટે અનુકૂળ સરકાર બનાવી રહ્યું છે. અમેરિકા ગાઝા માટે માનવતાવાદી સહાયની જાહેરાત કરી શકે છે, પરંતુ તે પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા મોકલવામાં આવશે.
દરમિયાન, હમાસે ગાઝા પટ્ટી ખાલી કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો સખત વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ટ્રમ્પની યોજના કબજાની ઘોષણા જેવી છે. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ હમાસે તેના નિવેદનમાં કહ્યું કે અમને ગાઝામાં બીજા કોઈ દેશની જરૂર નથી. અમે એક દેશના કબજાના બદલામાં બીજા દેશના કબજાને સ્વીકારીશું નહીં. પેલેસ્ટિનિયન એકતાનું આહ્વાન કરતાં હમાસે આરબ દેશોને ટ્રમ્પના દબાણમાં ન ઝૂકવા અને વિસ્થાપનને નકારવાના તેમના વલણ પર અડગ રહેવા વિનંતી કરી છે. હમાસે આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ ટ્રમ્પના પ્રસ્તાવનો વિરોધ કરવા હાકલ કરી છે. આ ઉપરાંત હમાસે આરબ દેશોને આ વિસ્થાપન પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે કટોકટી બેઠક બોલાવવાની માંગણી
કરી છે.
