અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ વિશ્વના એન્ગ્રી ઓલ્ડ મેનની ભૂમિકા ભજવતાં નજરે પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવાના એજન્ડા પર કામ કરી રહ્યા છે. જે દેશ તેમાં તેમનો સાથ આપે તેનો નેતા ટ્રમ્પનો મિત્ર બની જાય છે અને જે તેનો વિરોધ કરે અથવા સાથ ન આપે તે નેતા ટ્રમ્પનો દુશ્મન બની જાય છે. ઇરાને અમેરિકા સાથે અણુ કરાર કરવાનો ઇનકાર કર્યો તો બેબાકળા બનેલા ટ્રમ્પે ઇરાન ઉપર એટમબોમ્બ ફેંકવાની ધમકી આપી દીધી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્રમ્પની ‘હા’માં ‘હા’મિલાવવાની ‘ના’પાડી તો વ્હાઇટ હાઉસમાં બોલાવીને તેમનું અપમાન કરી નાખ્યું. સમયના જવા સાથે કે દેશના નેતાના વર્તન સાથે મિત્ર કે દુશ્મનની ભૂમિકા પણ બદલાય છે. દાખલા તરીકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયા ત્યારે ટ્રમ્પે તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા, પણ હવે પુતિન શરતો મૂકી રહ્યા છે ત્યારે તેઓ ફરીથી ટ્રમ્પના દુશ્મન બની ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ખૂબ નારાજ છે. જો પુતિન યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય તો તેઓ રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર ૫૦ ટકા ટેરિફ લાદી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે ‘‘જો રશિયા અને હું યુક્રેનમાં રક્તપાત રોકવા માટે કોઈ સમજૂતી પર ન આવી શકીએ અને મને લાગે છે કે તે રશિયાની ભૂલ છે, તો હું રશિયાથી આવતા તમામ ખનિજ તેલ પર વધારાના ટેરિફ લાદીશ. પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની વિશ્વસનીયતા પર હુમલો કર્યો છે.’’
ગયા અઠવાડિયે જ પુતિને યુક્રેનમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ નવી સરકારની શક્યતા સૂચવી હતી, જેથી દેશમાં નવી ચૂંટણીઓ યોજાઈ શકે અને તે પછી શાંતિ કરાર પર વાતચીત શરૂ થઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું નિવેદન લગભગ એક મહિના પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ હાઉસમાં બનેલી ઘટનાથી સંપૂર્ણપણે વિપરીત લાગે છે. તે સમયે, ટ્રમ્પ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઝેલેન્સ્કી સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. આ ચર્ચા પછી બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી હતી. યુક્રેનને સમર્થનના સંદર્ભમાં ટ્રમ્પનું તાજેતરનું નિવેદન ઝેલેન્સ્કી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ વાત ટ્રમ્પના રશિયા સાથેના સ્પષ્ટ સમીકરણથી પણ અલગ છે. આ પહેલી વાર છે જ્યારે અમેરિકાએ રશિયાને યુદ્ધવિરામ વાટાઘાટોથી પીછેહઠ કરવા બદલ ગંભીર ચેતવણી આપી છે. આનો અર્થ એ થયો કે અમેરિકાએ આ રાજદ્વારી પગલાં દ્વારા ફરી એક વાર બોલ રશિયાની કોર્ટમાં મૂકી દીધો છે. ટ્રમ્પે ૧૦ મિનિટના ફોન ઇન્ટરવ્યુમાં કહ્યું કે પુતિને ઝેલેન્સ્કીની વિશ્વસનીયતા પર હુમલો કર્યો હોવાથી તેઓ ગુસ્સે અને નારાજ હતા. જો કે, ટ્રમ્પે પોતે ઝેલેન્સ્કીને સરમુખત્યાર કહ્યા હતા અને ચૂંટણી કરાવવાની માંગણી કરી હતી. પુતિન વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિનું કાર્યાલય તેમના ગુસ્સાથી વાકેફ છે પરંતુ તેમના રશિયન નેતા સાથે ખૂબ સારા સંબંધો છે અને જો પુતિન યોગ્ય કાર્ય કરશે, તો તેમનો ગુસ્સો તરત જ ગાયબ થઈ જશે.
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો રશિયા યુદ્ધવિરામનું સન્માન નહીં કરે તો તેઓ રશિયાના અર્થતંત્રને નિશાન બનાવશે. જો યુદ્ધવિરામ કરાર નહીં થાય તો એક મહિનાની અંદર રશિયા પર ટેરિફ લાદવામાં આવશે. અમેરિકામાં વેચાતા તેલ અને અન્ય ઉત્પાદનો પર ૨૫% ટેરિફ લાદવામાં આવશે, જે ગૌણ ટેરિફ હશે. ગૌણ ટેરિફ એ એવા દેશો પર પ્રતિબંધો છે જે અન્ય દેશો સાથે વેપાર કરે છે. આ ટેરિફ એવા દેશોથી અમેરિકામાં આવતા માલ પર ૫૦% સુધી હોઈ શકે છે જે હજુ પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે. આ પ્રકારના સૌથી મોટા ખરીદદારો ચીન અને ભારત છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે ઝેલેન્સ્કી અમેરિકા સાથે ખનિજ સોદા પર ફરીથી વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીએ અગાઉ કહ્યું હતું કે તેઓ ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. આ કરાર પર ફેબ્રુઆરીમાં હસ્તાક્ષર થવાની ધારણા હતી, પરંતુ ફેબ્રુઆરીના અંતમાં વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે થયેલી બેઠક દરમિયાન ગરમાગરમ ચર્ચા બાદ તે કરાર પાટા પરથી ઊતરી ગયો હતો. આ કરાર દ્વારા અમેરિકા યુક્રેનના લિથિયમ જેવા ખનિજો સસ્તામાં પડાવી લેવા માગે છે. ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે ઝેલેન્સ્કી વધુ સારી સુરક્ષા ગેરંટી મેળવવા માટે કરારમાં ફેરફાર કરવા માંગે છે. તેઓ નાટોના સભ્ય બનવા માંગે છે. જો કે તેઓ ક્યારેય નાટોના સભ્ય બનવાના નહોતા, ઝેલેન્સ્કી આ વાત સમજે છે.
જો કે, બાદમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ટ્રમ્પનો સ્વર પુતિન પ્રત્યે નરમ હતો. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે પુતિન પોતાના શબ્દોથી પાછળ હટશે. અમારા હંમેશા સારા સંબંધો રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ સપ્તાહના અંતે પુતિન સાથે વાત કરશે. ટ્રમ્પના ઇન્ટરવ્યુ પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશ્યલ મિડિયા પર લખ્યું કે રશિયા આ યુદ્ધને લંબાવવા માટે બહાનાં શોધી રહ્યું છે. પુતિન એ જ રમત રમી રહ્યા છે, જે તેઓ ૨૦૧૪ થી રમતા હતા, જ્યારે રશિયાએ એકપક્ષીય રીતે ક્રિમિયા પર હુમલો કર્યો હતો. આ દરેક માટે ખતરનાક છે અને શાંતિ ઇચ્છતા બધા વૈશ્વિક ભાગીદારો તરફથી તેનો યોગ્ય પ્રતિભાવ મળવો જોઈએ.
રશિયા કહે છે કે વર્તમાન યુક્રેનિયન સરકાર ગેરકાયદેસર છે, કારણ કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પણ સત્તામાં રહે છે અને તેથી તેઓ કાયદેસર વાટાઘાટ કરવા માટે લાયક નથી. પચાસ લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો વિદેશમાં વિસ્થાપિત થઈ ગયાં છે અને લાખો લોકો તેમનાં ઘરોથી દૂર રશિયા સામે લડી રહ્યાં છે, તેથી યુક્રેનમાં કાયદેસર ચૂંટણીઓ યોજવી લગભગ અશક્ય બની ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયાએ તેના પડોશી દેશ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું હતું. હાલમાં રશિયા યુક્રેનના લગભગ ૨૦% પ્રદેશ પર નિયંત્રણ રાખે છે. સ્વતંત્ર મિડિયા જૂથો અને સ્વયંસેવકો દ્વારા વિશ્લેષણ કરાયેલી માહિતી અનુસાર યુક્રેનમાં યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે રશિયન સેના માટે લડતાં એક લાખથી વધુ લોકો માર્યા ગયાં છે. યુક્રેને છેલ્લે ડિસેમ્બર ૨૦૨૪ માં તેના જાનહાનિના આંકડા અપડેટ કર્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સૈનિકો અને અધિકારીઓમાં ૪૩,૦૦૦ યુક્રેનિયનોના મૃત્યુનો સ્વીકાર કર્યો હતો.
તાજેતરનાં અઠવાડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિને ફોન પર વાત કરી હતી અને સાથે મળીને કામ કરવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાને દુર્લભ ખનિજો અને એલ્યુમિનિયમ ઉત્પાદન સંબંધિત આકર્ષક સંયુક્ત પ્રોજેક્ટોની લાલચ આપી છે. યુક્રેન સાથે અમેરિકાના સંબંધોમાં તિરાડ યુક્રેન માટે ગંભીર અસરો પાડશે, પરંતુ તે રશિયા માટે સકારાત્મક સાબિત થશે. જો અમેરિકા યુક્રેનને તેનાં શસ્ત્રો પૂરાં પાડવાનું બંધ કરી દે તો યુક્રેન માટે રશિયન સેનાના હુમલાથી પોતાને બચાવવા મુશ્કેલ બની જશે. યુક્રેનને યુરોપિયન નેતાઓનો મજબૂત ટેકો છે, જેમણે તેની સાથે એકતા દર્શાવવાનું વચન આપ્યું છે, પરંતુ તેમ છતાં રશિયન સેનાએ યુક્રેનના ઘણા ભાગો પર કબજો કરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી રશિયા એવું માનતું આવ્યું છે કે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં હવે તેનો હાથ ઉપર છે. ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ગરમાગરમ ચર્ચાએ આ વિચારને કદાચ વધુ મજબૂત બનાવ્યો હશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ રવિવારે રાત્રે તેમના દેશનાં લોકોને સંબોધિત કર્યાં હતાં. આ દરમિયાન તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું કે ‘‘પુતિનને અમેરિકાની પરવા નથી અને યુદ્ધ અટકાવવા માટે રશિયા પર વધુ દબાણ લાવવાની જરૂર છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં અમેરિકા તરફથી બિનશરતી યુદ્ધવિરામ માટે દરખાસ્તો આવી છે અને લગભગ હંમેશા આ દરખાસ્તોના જવાબમાં, રશિયા દ્વારા ડ્રોન, બોમ્બ, તોપખાના અને બેલિસ્ટિક મિઝાઇલો વડે હુમલાઓ થયા છે. રશિયા પર વધુ દબાણ લાવવું જોઈએ. રશિયા પર તેની યુદ્ધશક્તિ અને તેની યુદ્ધ-વ્યવસ્થાનો નાશ કરવા માટે કડક પ્રતિબંધો લાદવા જોઈએ.’’યુક્રેનના રાષ્ટ્રપતિનાં આ વિધાનો ડોનાલ્ડ ટ્રમ્પનાં પુતિન માટેનાં વિધાનો સાથે સરખાવવા જેવાં છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
