Columns

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોને ઉલટાવવામાં જો બાઇડનની શક્તિઓ ખર્ચાઈ જશે

જો બાઇડન ૭૮ વર્ષની ઉંમરે વ્હાઇટ હાઉસમાં વસવાટ કરીને અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બન્યા છે. તેમણે ૧૯૭૨ માં ૨૯ વર્ષની ઉંમરે દેલવારા રાજ્યમાંથી ચૂંટાઇને અમેરિકાના સેનેટર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ૩૬ વર્ષ તેઓ સેનેટમાં રહ્યા હતા. ૧૯૮૮ માં તેઓ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડ્યા હતા, પણ હાર્યા હતા. ૨૦૦૯ થી ૨૦૧૭ દરમિયાન બરાક ઓબામા પ્રમુખ હતા ત્યારે જો બાઇડન અમેરિકાના ઉપપ્રમુખ હતા. 

આખરે ભારે રસાકસી અને વિવાદો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને તેઓ અમેરિકાના ૪૬ મા પ્રમુખ બન્યા છે. જો બાઇડન તા. ૩ નવેમ્બરની ચૂંટણીમાં વિજયી થયા હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પની જીદને કારણે તેમણે છેક છેલ્લા દિવસ સુધી અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો. તા. ૬ જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડીંગમાં ઘૂસી ગયા તે અમેરિકાના ઇતિહાસની યાદગાર ઘટના હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જાણે બળવો કરવા માગતા હતા, પણ તેમને પરિણામો સ્વીકારવાની ફરજ પડી હતી.

જો બાઇડન અમેરિકાના પ્રમુખ બન્યા તેના પ્રથમ જ દિવસે તેમણે ૧૫ શાસકીય આદેશો પર સહી કરીને ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન જે કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા હતા તેને ઉલટાવી નાખ્યા છે.

આ ઉપરથી ખ્યાલ આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને જે દિશામાં લઇ જવા માગતા હતા તેથી તદ્દન વિરુદ્ધ દિશામાં જો બાઇડન લઈ જવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાથી છેડો ફાડી કાઢ્યો હતો તે છેડો ફરી જોડવાનો નિર્ણય જો બાઇડને કર્યો છે. આમ કરીને તેમણે અમેરિકાની સરકારને ફરીથી મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રભાવ હેઠળ લાવી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની કથિત મહામારીને ગંભીરતાથી લીધી નહોતી. તેઓ પોતે ભાગ્યે જ માસ્ક પહેરતા હતા. જો બાઇડને ૧૦૦ દિવસ માટે જાહેર સ્થળોમાં માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કદાચ વિશ્વ આરોગ્ય સંસ્થાનો પ્રભાવ કામ કરી રહ્યો છે.

ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સૂત્ર હતું : મેક અમેરિકા ગ્રેટ અગેઇન. તેમણે ચીન સાથે ટ્રેડ વોર છેડીને અમેરિકાની બેકારી દૂર કરવાના પ્રામાણિક પ્રયાસો કર્યા હતા. જો કોરોના નામની કથિત મહામારી ન આવી હોત તો અમેરિકાની બેરોજગારી મોટા પ્રમાણમાં દૂર કરવામાં ટ્રમ્પ સફળ થયા હોત.

જો બાઇડને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જ ચીન સાથેની ટ્રેડ વોર થંભાવી દેવાના નિર્દેશો આપ્યા હતા. તેમની જીતથી સૌથી વધુ ખુશી ચીનમાં જોવા મળી રહી છે. વોલમાર્ટ જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાનું ઉત્પાદન ચીનમાં કરીને માલની નિકાસ અમેરિકામાં કરતી હતી. તેમને ચીનની સસ્તી મજૂરીનો લાભ મળતો હતો, પણ તેને કારણે અમેરિકાના યુવાનો બેકાર બનતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી કરવામાં આવતી આયાતો પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નાખી દેતાં અમેરિકાના ઉદ્યોગો ધમધમવા લાગ્યા હતા. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો તો ડોનાલ્ડ ટ્રમ્પે તેને પણ ડિંગો બતાડી દીધો હતો. હવે ચીન સાથેની ટ્રેડ વોરનો અંત આવતાં ચીનના ઉદ્યોગપતિઓ ઉપરાંત અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ પણ ખુશ છે. આ નીતિને કારણે અમેરિકાને ખરેખર ફાયદો થશે કે નુકસાન? તે તો અમેરિકાનો આવનારો સમય જ કહેશે.

જો બાઇડને અમેરિકાને ફરીથી પેરિસ પર્યાવરણ સમજૂતીમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેનો ત્યાગ કર્યો હતો કારણ કે વિકાસશીલ દેશોના પર્યાવરણને સુધારવા પાછળ અમેરિકાને ભારે ખર્ચ કરવો પડતો હતો. બદલામાં પર્યાવરણના વિષયમાં અમેરિકાને દુનિયાના નેતા બનવાની તક મળતી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે વિચાર્યું હતું કે ઘરનાં છોકરાં ઘંટી ચાટતાં હોય ત્યારે ઉપાધ્યાયને આટો આપવાની કોઈ જરૂર નથી. જો બાઇડને પ્રમુખપદનો હોદ્દો અંગીકાર કરતાં જાહેર કર્યું છે કે તેઓ ફરીથી પેરિસ સમજૂતીમાં જોડાઇ જશે. આ નિર્ણયને કારણે આર્કટિક અભયારણ્યમાં તેલ અને વાયુની શોધખોળ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તે પછી તેમણે મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર કેટલાંક નિયંત્રણો મૂક્યાં હતાં. તેમનો ઉદ્દેશ ત્રાસવાદના ફેલાવા સામે અમેરિકાનું રક્ષણ કરવાનો હતો, પણ તેને જાતિવાદી સંકુચિતતા માનવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોરા નાગરિકોની તરફેણ કરવાનો પણ સતત આક્ષેપ કરવામાં આવતો હતો.

જો બાઇડને પ્રમુખપદના શપથ લઈને તરત જ મુસ્લિમ દેશો સામેના પ્રતિબંધો હટાવી લેવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશો અમેરિકાની વધુ નજીક આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ માનતા હતા કે અમેરિકામાં વિદેશી વસાહતીઓ સતત આવ્યા કરે છે તેને કારણે અમેરિકાના યુવાનો નોકરીથી વંચિત રહી જાય છે. બહારના લોકો પર નિયંત્રણો મૂકવા તેમના કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશનના કાયદાઓ સખત બનાવવામાં આવ્યા હતા. તેને કારણે ભારતમાંથી જોબ માટે અમેરિકા જતાં લોકોને નુકસાન પણ ગયું હતું.

ભારતની જે સોફ્ટવેર કંપનીઓ અમેરિકામાં ઓફિસો ધરાવે છે તેમને ભારતીયોને નોકરીમાં રાખવામાં તકલીફ પડતી હતી. તેમણે અમેરિકનોને નોકરીમાં રાખવા પડતા હતા. મેક્સિકોની સરહદનો ઉપયોગ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે કરવામાં આવતો હતો.

તેને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની સરહદે અબજો ડોલરના ખર્ચે મોટી દિવાલ બનાવવાનો પ્રારંભ કર્યો હતો. જો બાઇડને પ્રમુખપદના શપથ લીધા પછી મેક્સિકોની દિવાલ માટે ભંડોળની ફાળવણી બંધ કરી છે. તેમણે ઇમિગ્રેશનના કાયદાઓમાં ફેરફારો કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. તેને કારણે અમેરિકામાં નોકરી માટે જવા માગતા વિદેશી નાગરિકોને ફાયદો થશે, પણ અમેરિકાના યુવાનોને નુકસાન થશે.

વિશ્વમાં ૧૯૯૦ ના દાયકાથી ઉદારીકરણ અને જાગતીકરણનો પવન ફૂંકાઇ રહ્યો હતો, જેના અન્વયે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કરાર પર સહી કરવામાં આવી હતી અને વિદેશ વ્યાપાર સામેનાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે જાગતીકરણનો લાભ કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓને જ થાય છે, પણ અમેરિકાના આમ નાગરિકને તેનાથી કોઈ ફાયદો થતો નથી. તેની તો નોકરી ચાલી જાય છે.

આ કારણે તેમણે ઉદારીકરણનો માર્ગ છોડીને સંરક્ષણાત્મક અભિગમ અપનાવ્યો હતો. તેને કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓના માલિકો નારાજ થઈ ગયા હતા. તેમણે જો બાઇડનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને માતબર ભંડોળ પણ આપ્યું હતું. બીજી બાજુ અમેરિકાના બહુમતી મતદારો ડોનાલ્ડ ટ્રમ્પની પડખે ઊભા રહ્યા હતા. તેમ છતાં અમેરિકાની જટિલ ચૂંટણી પદ્ધતિને કારણે જો બાઇડનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા પછી પણ હતાશ નહોતા થયા. તેમણે જો બાઇડનની ચૂંટણીને કોર્ટમાં પડકારીને છેક છેલ્લી ઘડી સુધી સત્તામાં ટકી રહેવા પ્રયાસો કર્યા હતા; પણ તેમાં તેઓ સફળ થયા નહોતા. હવે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી કરવું પડ્યું છે, પણ તેઓ કહેતા ગયા છે કે તેઓ ફરી આવશે. જો ડોનાલ્ડ ટ્રમ્પને પાણીચું આપવાનો પ્રસ્તાવ સેનેટમાં પસાર નહીં થાય તો ૨૦૨૪ માં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડીને ફરીથી અમેરિકાના પ્રમુખ બનવાનો પ્રયત્ન કરશે.

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top