સુરત: (Surat) પહેલા સુરતમાંથી સાંસદ સીઆર પાટીલને (C R Patil) ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને હવે સુરતના બીજા સાંસદ દર્શના જરદોશને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળવાની સાથે દર્શના જરદોશને (Darshna Jardosh) રાજ્યકક્ષાના ટેક્સટાઈલ મંત્રી અને રાજ્ય કક્ષાના રેલવે મંત્રી બનાવવામાં આવતાં કેન્દ્રીય રાજકારણમાં સુરતનો દબદબો વધી જવા પામ્યો છે. સુરતના બંને સાંસદ ઉચ્ચ હોદ્દા પર આવી જતાં હવે સુરતના અનેક પ્રશ્નો હલ થવાની સંભાવના જોવાઈ રહી છે. સીઆર પાટીલે ગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ (Dominance in politics) જમાવી દીધું છે તો હવે સાંસદ દર્શના જરદોશ પણ બે-બે મંત્રાલય સંભાળવાના હોવાથી સુરતને ઘણો ફાયદો થવાની સંભાવના જોવાઈ રહી છે. હવે સુરતની લાગણી અ્ને માંગણી ગુજરાતની સાથે સાથે સીધી કેન્દ્ર સરકારમાં પણ પહોંચશે.
સુરતના સાંસદ દર્શના જરદોશને કેન્દ્રીય મંત્રી (Minister) બનાવવામાં આવતાં આખરે 17 વર્ષ બાદ સુરતને ફરી કેન્દ્રીય મંત્રીનું પદ મળ્યું છે. આજે સાંજે સાંસદ દર્શના જરદોશ દ્વારા જ્યારે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લેવામાં આવ્યાં ત્યારે સુરતમાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો સંચાર થઈ ગયો હતો. જોકે, જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે દર્શના જરદોશને કયું ખાતું મળશે તે સસ્પેન્સ રહેવા પામ્યું હતું. જોકે, મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં દર્શના જરદોશને રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ તેમજ રેલવે મંત્રી બનાવવામાં આવ્યાં હતાં.
સુરતમાંથી કેન્દ્રમાં મંત્રી બનનાર દર્શના જરદોશ ત્રીજા સાંસદ બન્યાં
દર્શના જરદોશ સુરતમાંથી કેન્દ્રીય મંત્રી બનનાર ત્રીજા સાંસદ બન્યા હતાં. અગાઉ સુરતમાંથી સાંસદ કાશીરામ રાણા કેબિનેટ કક્ષાના ટેક્સટાઈલ મંત્રી હતાં. જોકે, 2004માં કેન્દ્રમાં ભાજપની સરકાર જવાની સાથે કોંગ્રેસની સરકાર આવતાં કાશીરામ રાણાનું મંત્રીપદ પણ જતું રહ્યું હતું. કાશીરામ રાણાની પહેલા સુરતમાંથી સાંસદ મોરારજી દેસાઈ કેબિનેટ મંત્રી, નાયબ વડાપ્રધાન તેમજ બાદમાં વડાપ્રધાન પણ બન્યા હતાં.
કેન્દ્રીય મંત્રી બનનાર દર્શના જરદોશ અને કાશીરામ રાણાનું ઘર અડધા કિ.મી. એરિયામાં જ છે
હાલમાં દર્શના જરદોશની કેન્દ્રીયમંત્રી તરીકે પસંદગી થઈ છે ત્યારે જોવા જેવી વાત એ છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી બનનાર કાશીરામ રાણાનું ઘર અને હાલમાં કેન્દ્રીય મંત્રી બનનાર દર્શના જરદોશનું ઘર 500 મીટરના એરિયામાં જ છે. જોગાનુજોગ છે કે એક જ વિસ્તારના બે-બે રાજકીય અગ્રણી કેન્દ્રમાં મંત્રી બન્યા. જોકે, કાશીરામ રાણા બાદમાં અડાજણમાં રહેવા જતાં રહ્યા હતાં.
ફોટોગ્રાફર પિતાને ત્યાં જન્મ થયો અને પિતાના પગલે દર્શના જરદોશે કેમેરો પકડ્યો
સુરતમાં 1947ની 15મી ઓગસ્ટે પોતાના ફોટો સ્ટુડિયોની સાલગીરી મનાવતાં કાંતિભાઈ અને અમિતાબહેન નાયક (અનાવીલ બ્રાહ્મણ)ને ત્યાં 21 જાન્યુઆરી, 1961ના રોજ દર્શનાબેનનો પહેલા સંતાન તરીકે જન્મ થયો હતો. પરિવારમાં એક નાનો ભાઈ હોવા છતાં કાંતિભાઈએ દર્શનાબેનનો બાળપણથી જ એક દીકરા તરીકે ઉછેર કર્યો હતો. ફોટોગ્રાફીનાં સંસ્કારો તો ગળથૂથીમાં મળ્યાં હતાં. એટલે નાની ઉંમરથી જ ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી દીધી હતી. ફોટોગ્રાફીનો શોખ આજે પણ ચાલુ છે. નાનપણમાં તથા કોલેજ કાળ અને ત્યાર પછી પણ તેઓ જાહેર ફંક્શન, લગ્ન, પાર્ટી વગેરેમાં એક કોમર્શિયલ ફોટોગ્રાફની જેમ ફોટો પાડવા જતાં હતાં.
જીવન ભારતીમાં જીએસ, મહિલા બેંકની ચૂંટણીથી દર્શના જરદોશે રાજકીય શરૂઆત કરી હતી
દર્શના જરદોશ કોટ વિસ્તારની જીવન ભારતી શાળામાં ભણ્યાં છે. ત્યાં ધોરણ-10માં અભ્યાસ કરતી વખતે જીએસ બન્યાં હતાં અને એ જ વર્ષે શાળામાં બેસ્ટ સ્ટુડન્ટ તરીકેનો એવોર્ડ પણ જીતી આવ્યા હતા. તેઓએ કોમર્સમાં બેચલર ડીગ્રી હાંસલ કરી હતી. દર્શનાબેન જરદોષ તેના કોલેજના છેલ્લા વર્ષમાં હતાં. અને તેમની ક્લાસમેટના ભાઈ રોજ બસ સ્ટેન્ડ પર આવતાં જેમાં બન્નેની આંખો મળી ગઈ હતી. બાદમાં પરિવારની સંમતિથી લવમેરેજ કર્યા હતાં. તેમના પિતાએ પણ તેમના સમયમાં માત્ર સવા રૂપિયાનો ખર્ચ કરીને સાદાઈથી લગ્ન કર્યા હતાં. મુળ અનાવિલ દેસાઇ પરિવારના દર્શના બહેને જરદોષ પરીવારમાં આંતરજ્ઞાતી લગ્ન કર્યા છે. તેમના માતાને મહિલા બેંકમાં અન્યાય થયો હતો. જેથી તેણીને ન્યાય અપાવવા માટે પોતે, માતા અને માસીએ બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું બાર સભ્યોની પેનલ ન હોવાથી 1200ની સામે 400 મત મળ્યાં હોવા છતાં તેઓ હારી ગયા હતાં. પરંતુ રાજકારણમાં તેમનો અહિંથી પ્રવેશ થયો હતો.
2000ની સાલમાં સુરત મનપામાં બિનહરીફ કોર્પોરેટર બન્યા બાદ 2009માં સાંસદ બન્યા
બેંકની ચૂંટણીમાં તેઓએ ત્રણેકવાર હારનો સામનો કર્યો. પરંતુ 2000ની સાલમાં સુરત મનપામાં ભાજપે ટીકીટ આપી હતી ત્યારે તેની સામેના ઉમેદવારની ઉમેદવારી રદ થતા બીન હરીફ થયા હતા ત્યાર બાદ રાજકારણમાં સતત આગળ વધતાં હતાં. બાદમાં મહિલા મોરચાના પ્રમુખ બન્યા ચોથી વખતના પ્રયત્નમાં મહીલા બેંકમાં જીતી ગયા હતા જો કે 2009માં સુરત લોકસભા બેઠક પરથી ચુંટણી જીતી ગયા હતા. ત્યારથી સતત ત્રણ ટર્મથી સુરતના સાંસદ છે.
દર્શના જરદોશે 2019ની લોકસભાની ચૂંટણીમાં તમામ મહિલા સાંસદોમાં સૌથી વધુ લીડ મેળવી હતી
બીજીવાર લોકસભાની ચૂંટણીમાં દર્શના જરદોશે ઈતિહાસ રચી દીધો હતો. 2014ના ઈલેક્શનમાં તેઓએ દેશમાં સૌથી વધુ 5 લાખ 33 હજાર કરતાં વધુ મતોથી વિજય હાંસલ કર્યો હતો. જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી 5.47 લાખથી વધુની લીડથી વિજય હાંસલ કર્યો હતો. 2019માં દર્શના જરદોશે મેળવેલી લીડ દેશના તમામ ચૂંટાયેલા મહિલા સાંસદોમાં સૌથી વધુ હતી.