સુરત: (Surat) સુરત શહેરના હજીરા મગદલ્લા ખાતે આવેલા દરિયામાં ડોલ્ફિન (Dolphin) દેખાતા કુતુહલ (Curious) સર્જાયું છે. આ ડોલ્ફિન હજીરા રોરો ફેરી સર્વિસ વાલા રૂટ ઉપર કાયમ જોવા મળતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. આ દરિયાઈ વિસ્તારમાં 7-8 ડોલ્ફિન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
- સુરતના દરિયામાં ડોલ્ફિન દેખાતા કુતુહલ સર્જાયુ
- આ વિસ્તારમાં 7-8 જેટલી ડોલ્ફિન હોવાની ચર્ચા
સુરત શહેરના તાપી નદીમાં તથા દરિયા કિનારે અનેક વખત મગર તેમજ અન્ય દરિયાઈ જીવો જોવા મળે છે. હવે સુરત પાસેના દરિયામાં ડોલ્ફિન દેખાઈ છે. છેલ્લા બે દિવસથી સુરતના હજીરા મગદલ્લા ખાતે આવેલા દરિયામાં ડોલ્ફિન ફરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો અંગે એવી ચર્ચા છે કે ગઈકાલે નાવડીની હરીફાઈ વખતે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે.
લોકોનું કહેવું છે કે હજીરા રો રો ફેરીના રૂટ ઉપર આ ડોલ્ફિન માછલી કાયમ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં ડોલ્ફિન માછલીની 40થી વધુ પ્રજાતિઓ છે. જોકે સુરત દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફિન કઈ પ્રજાતિની છે તે અંગે હાલ જાણી શકાયું નથી. ડોલ્ફિન માછલી જો સુરતના દરિયા કિનારે ફરતી હોય તો આ અંગે ટુરિઝમને પણ ડેવલપ કરી શકાય તેમ છે. આ દરિયાઈ સ્થળ પર 7 થી 8 ડોલ્ફિન દેખાતી હોવાની ચર્ચા છે.