ગાંધીનગર: સૌરાષ્ટ્રના (Saurashtra) સાગરકાંઠે પોરબંદર (Porbandar) નજીક મધદરિયે ડોલ્ફિનોનો (Dolphin) શિકાર કરતી એક ગેંગને ઝડપી લેવાઈ છે. આ ગેંગની બોટમાંથી 22 મૃત ડોલ્ફિન તથા 4 મૃત બુલશાર્ક જપ્ત કરાઈ છે. વિધાનસભામાં કોંગીના સીનીયર સભ્ય અર્જન મોઢવાડિયાએ પોરંબદર નજીક દરિયામાં ડોલ્ફિનનો શિકાર થતો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરીને સરકારના નિવેદનની માંગણી કરી કરી હતી.
વન મંત્રી મૂળૂભાઈ બેરાએ સમગ્ર ઘટનાની વિગતો આપતાં કહ્યું હતું કે ગત તા.15મી માર્ચના રોજ પોરબંદર નજીક દરિયામાં ડોલ્ફિનનો શિકાર કરતીં ગેગ અંગે વન વિભાગને માહિતી મળી હતી. જેના પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ, પોરબંદર એસઓજી પોલીસ તથા વન વિભાગના સિનિયર અધિકારીઓએ દરિયામાં એક ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં એક શંકાસ્પદ બોટ દયાનાસ – 2 દેખાઈ હતી. આ બોટને ઝડપી લેવાઈ હતી. જેમાંથી તામિલનાડુના 5, આસામના 2, ઓરીસ્સાના 1, કેરળના 2 મળીને કુલ 10 માછીમારો ઝડપાયા હતા. જયારે બોટમાંથી 22 જેટલી મૃત હાલતમાં ડોલ્ફિન તથા 4 મૃત હાલતમાં બુલશાર્ક મળી આવી હતી. આ તમામ શિકારી માછીમારો સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 અન્વયે બરડા અભ્યારણ્ય રેન્જ , રાણાવાવ ખાતે ગુનો દાખલ કરીને તમામ 10 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરાઈ છે. ડોલ્ફિનનો શિકાર અટકાવવા માટે પોરબંદર નજીક દરિયામાં ડોલ્ફિન ટુરિઝમ પણ વિકસાવાઈ રહ્યુ છે. આ ટુરિઝમતી સ્થાનિક લકોને રોજગારી સાથે આવક પણ મળશે. જેના માટે રજીસ્ટર્ડ ટુર ઓપરેટર તથા બોટ માલિકોની મદદ લેવાઈ રહી છે.