Charchapatra

ડોહા, મોટો થા

આપણે ત્યાં કોઈને લબડાવવો હોય તો દીકરા મોટો થા પછી પરણાવશું એવું વલણ રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડના પેન્શનરો સાથે એવું વલણ રાખ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. પ્રોવિડન્ટ ફંડનાં ખાતાધારકોના વ્યાજના દર નક્કી કરવા માટે ઘણી રાહ જોવડાવ્યા પછી મળેલી બેઠકે એક ધડાકે વ્યાજના દર સૌથી તળિયાના એટલે કે ૮.૧ ટકા  નક્કી કરી દીધા. ખાતાધારકોના પૈસે અઢળક કમાણી કરી હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો. કોઇ પણ ચૂંટણીમાં ઝળહળતો વિજય મળે પછી સરકાર આવાં આકરાં પગલાં લેવા માટે જાણીતી છે. આ વખતે તેણે પ્રોવિડન્ટ ખાતાનાં ધારકોને નિશાન બનાવ્યાં. અને પ્રોવિડન્ટ ખાતાનાં પેન્શનરોને કહ્યું:’ડોહા, મોટો થા’. ૧૯૯૫ માં વિકલ્પ આપ્યા વગર ખાતાધારકોને ફેમિલી પેન્શન સ્કીમમાં ફરજિયાતપણે ખેંચી લઇ પ્રોવિડન્ટ ફંડની અડધી રકમ જમા રાખી પેન્શન આપવાનું શરૂ કર્યું અને ત્યારથી આ પેન્શનરો ભૂખે મરવાની હાલતમાં જીવે છે.

હજાર બે હજારની આવકમાં આ પેન્શનરો કેવી રીતે જીવતાં હશે?! ઘરમાં બીજું કોઈ કમાનાર નહીં હોય તો એ લોકોની શું હાલત થાય?! એક બાજુ સરકાર એમ કહે છે કે પેન્શનરોને વધુ પેન્શન આપવાની માંગણી સુપ્રીમ કોર્ટની વિચારણા હેઠળ છે. બીજી બાજુ સરકાર આ મુદ્દે ટાસ્ક ફોર્સની રચના કરે છે. આ ટાસ્ક ફોર્સની રચના થયા પછી જે મિટિંગ મળશે તે મોટે ભાગે ભોજન ભથ્થાં લઈને છૂટી પડશે. આતંકવાદીઓના પ્રશ્ને અડધી રાતે કોર્ટ બોલાવી શકાતી હોય તો આ તો પેન્શનરોના જીવન અને મરણનો પ્રશ્ન છે. સરકારે આ મુદ્દે તાકીદે નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટને કહેવું જોઈએ. આજે આ પેન્શનરોના મામલે બોલનાર કોઈ નથી એટલે સરકાર તેમને એવું કહેવા માગે છે કે, ‘ ડોહા, મોટો થા’!? સરકાર સમજશે ત્યાં સુધીમાં તો ઘણાં પેન્શનરો મરી જશે. સરકારને એવું જોઈએ છે ?!
સુરત – સુનીલ રા.બર્મન -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top