સુરત: શહેરમાં રખડતાં કૂતરાંઓના હુમલાના આંતક સામે પાલિકા કશું જ ઉકાળી શકી નથી. સમયાંતરે શહેરના નાગરિકો કૂતરાંના હુમલાનો ભોગ બની રહ્યાં છે. ગરમીની સિઝનમાં તો ઠીક, પરંતુ વરસાદની સિઝનમાં પણ રખડતા કૂતરાંઓ બાળકો પર એટેક કરી રહ્યાં છે. વરાછામાં સાંજે એક મહિલા શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ ત્યારે તેની સાથે ગયેલા તેના 3 વર્ષના બાળકને બજારમાં જ કૂતરાંએ બચકા ભર્યા હતા. બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારની વર્ષાનગર સોસાયટીમાં કમલેશભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેઓ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરો ભવ્ય (3 વર્ષ) છે. આજે સાંજે પાંચેક વાગે કમલેશ રાઠોડની પત્ની શાકભાજી લેવા માટે શાકમાર્કેટ જવા નીકળ્યા હતા ત્યારે તેમના પુત્ર ભવ્યએ પણ સાથે જવાની જીદ્દ કરી હતી, જેથી માતા ભવ્યને સાથે લઈ ગઈ હતી.
બજારમાં પહોંચ્યા અને માતા શાકભાજી લેવામાં વ્યસ્ત હતાં, તે સમયે ત્યાં કૂતરાંએ ભવ્ય પર હુમલો કર્યો હતો. ભવ્યની પીઠના ભાગે કૂતરાંએ બચકાં ભર્યાં હતાં. ત્યાં આસપાસના લોકોએ જણાવ્યું હતું કે, કૂતરાંને લાકડી મારતાં તેણે બાળક પર હુમલો કર્યો હતો. ભવ્યને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક મહિનાઓથી સુરતમાં ડોગ બાઈટના કેસ ચિંતાજનક હદે વધ્યા છે. અવારનવાર કૂતરાંઓ રાહદારી, બાળકો અને વાહનચાલકો પર હુમલો કરી રહ્યાં છે. ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે સુરતની સરકારી હોસ્પિટલોમાં રોજ હડકવા પ્રતિરોધી રસી માટે લાઈનો લાગે છે. સુરત મનપાએ રખડતાં કુતરાઓના ત્રાસ પર અંકુશ લાવવા માટે સ્પેશ્યિલ વ્યવસ્થા કરી છે, તેમ છતાં કૂતરાંઓનો આતંક ઓછો થયો નથી.