Charchapatra

શ્વાન સામ્રાજ્ય

સુરતનો સેન્ટ્રલ ઝોન અને ખાસ કરીને મહિધરપુરા, રામપુરા આ બધો વિસ્તાર આમ તો ભાજપનો ગઢ ગણાય, પરંતુ હમણાં થોડા વખતથી આ બધા એરિયામાં કૂતરાનું સામ્રાજ્ય હોય એવું લાગે છે. એક એક ગલીમાં ૨૫-૩૦ કૂતરાં  છૂટાં રખડતાં જોવા મળે છે. અચાનક આટલી બધી કૂતરાની વસ્તી કેવી રીતે વધી ગઇ? શું અન્ય પોશ એરિયામાંથી પકડીને અહીં છોડવામાં આવે છે? કૂતરાની વસ્તી નિયંત્રિત કરવા માટે ખસીકરણની યોજના છે તો પછી આ વિસ્તારમાં આટલી બધી વસ્તી કૂતરાઓની વધી ગઇ તેને માટે શું સમજવું? ડોગ બાઇટના અનેક બનાવો બનતા જ હોય છે પરંતુ લોકોની ઉદાસીનતાને કારણે જાહેર થતું નથી. આ વિસ્તારના કોર્પોરેટર મહાશયો, ધારાસભ્યો આ બાબતે કંઇ પગલાં લેવા હરકતમાં આવશે ખરા? કોર્પોરેશને આ અંગે મૌન સેવી લીધું છે કાં હાથ ઊંચા કરી દીધા છે. આ વિસ્તારનાં લોકો શ્વાન સામ્રાજ્યથી મુક્તિ ઇચ્છે છે.
સુરત     – પી. એમ. કંસારા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

હાઉસીંગ બોર્ડનાં મકાનો
હાઉસીંગ બોર્ડની તમામ વસાહતો 40 વર્ષથી વધુ જૂની છે. અર્થાત્ આયુષ્ય મર્યાદા વટાવીને જર્જરિત થઈ ભયજનક બની ચૂકી છે. થાંગડ થીંગડ રીપેરીંગ ચાલે એમ નથી અને જેમને મકાનો ફાળવાયેલાં એમાંનો એક પણ મૂળ માલિક હવે અહીં વસ્તો નથી અને તમામ મકાનો થર્ડ પાર્ટી કબજામાં છે. વળી 90 ટકા મકાનોમાં કોમર્શિયલ વપરાશ છે. લોકોએ મંજૂરી વિના ટેકાની દીવાલો કાઢી નાંખીને મોટા મોટા શો રૂમો, દુકાનો અને ગોડાઉનો ઊભાં કરી દીધાં છે અને જંગી ભાડાં ખાય છે. રહેણાંક વસાહત હવે રહેણાંક રહી જ નથી.

આ ભયજનક બનેલી વસાહતનાં તમામ મકાનોની જો કોઈ હોનારત થાય તો જવાબદારી કોની ગણવી? હાઉસીંગ બોર્ડ અને સ્થાનિક SMC ઝોનલ અધિકારીઓ માત્ર નોટીસ બોર્ડ મૂકી પોતાની ફરજ પૂરી થયાનું માને છે. આ મકાનો એટલી હદે જર્જરિત બન્યાં છે કે ગમે ત્યારે મોટી હોનારત થઈ શકે છે. આ મકાનો આજે માત્ર એકબીજાના ટેકાથી જ ઊભેલાં છે. મ્યુનિસિપલ કમી.શ્રીએ ઝોનલ અધિકારીઓને બાજુએ રાખીને જાતે આવી વસાહતનો રાઉન્ડ મારી અન્ય ઉચ્ચ એન્જીનિયર પાસે અહીંનાં જર્જરિત મકાનો તેમજ બેફામ દબાણો અને સમસ્યાઓનો વ્યાપક સર્વે કરાવી તત્કાળ યોગ્ય પગલાં ભરવાં જરૂરી બને છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top