કેટલાંક એવાં લોકો પણ હોય છે જેઓ હંમેશાં સારપનું મહોરું પહેરી ફરે છે. આવાં લોકો હિતેચ્છુ હોવાનો દેખાવ કરી પોતાની નિકટની વ્યક્તિનું મનોબળ તોડી એમને એટલા નિ:સહાય બનાવી દે છે કે એ વ્યક્તિ દરેક બાબત માટે પોતાને જ દોષી માનવા લાગે છે. મનોવિજ્ઞાનમાં આવા બેવડા વ્યવહાર માટે ‘ગેસ લાઈટિંગ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી બચવા માટે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ?
જે કોઇ વ્યક્તિ પોતાના જીવનસાથી, મિત્ર, સગાંવહાલાં કે કલીગ સાથે અતિશય પ્રેમપૂર્ણ વ્યવહાર દર્શાવી વારંવાર એને કમજોર, બેદરકાર કે ખોટા સાબિત કરવાની કોશિશ કરે તો થોડા સમય બાદ એ વ્યક્તિનું મનોબળ એટલું કમજોર થઇ જાય છે કે એ દરેક બાબત માટે પોતાને જ દોષíí´ી માનવા લાગે છે. આવી ‘પ્રેમભરી હેરાનગતિ’ની રીત એટલી ખતરનાક હોય છે કે એનો શિકાર બનનારને ખબર જ નથી પડતી કે એનું પોતાના નિકટના દ્વારા જ શોષણ અને અપમાન થાય છે. એના મનમાં હીન ભાવના ઘર કરી જાય છે. એના મનમાં ઠસી જાય છે કે, ‘હું વારંવાર ભૂલ કરું છું, મારા કારણે અન્યોને ગુસ્સો આવે છે.’ પીડિત વ્યક્તિને પોતાને પોતાની દયનીય હાલતનો ખ્યાલ પણ આવતો નથી એટલે એ કોઇને ફરિયાદ પણ કરી શકતી નથી અને આવી મનોદશામાંથી બહાર નીકળવાની કોશિશ પણ કરતી નથી.
જયારે કોઇ વ્યક્તિ ધીરે ધીરે પોતાની આસપાસનાં લોકોના વિચાર અને વર્તનને પોતાની ઈચ્છા મુજબ બહુ ચાલાકીથી બદલવાની કોશિશ કરે તો આવા વ્યવહાર માટે ‘ગેસ લાઇટિંગ’નો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોલચાલની ભાષામાં એને માટે કેટલાંક લોકો ‘બ્રેન વોશ’ શબ્દનો ઉપયોગ પણ કરે છે. કોઇ પણ સંબંધમાં જે વ્યક્તિ મજબૂત સ્થિતિમાં હોય છે તે પોતાની ચાલાકીથી સામેની વ્યક્તિના વિચારોને નિયંત્રિત કરી તેને બધી રીતે પોતાને આધીન બનાવી લે છે. એનાથી પીડિત વ્યક્તિ બીજી વ્યક્તિને પૂછયા વિના કોઇ નિર્ણય લઇ શકતી નથી.
સમસ્યા કયારે ઉદ્દભવે છે?
મોટા ભાગે નિકટના સંબંધોમાં ગેસ લાઇટિંગની શક્યતા વધારે હોય છે કારણ કે આવા સંબંધોમાં જ હિતોની અથડામણ વધારે થાય છે. સામાન્ય રીતે નિજી કે પ્રોફેશનલ જીવનમાં જયારે કોઇ વ્યક્તિ મજબૂત સ્થિતિમાં હોવા છતાં કોઇ કારણસર પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે તો તે પોતાની નજીકની વ્યક્તિઓનું ભાવનાત્મક શોષણ કરે છે. ગેસ લાઈટિંગ કરનારની વાતચીતનો અંદાજ એટલો મીઠો હોય છે કે આસપાસના લોકોને ખબર જ નથી પડતી કે એ કંઇક ખોટું કરે છે. દા.ત. કેટલાક પુરુષો અન્ય આગળ પોતાના પાર્ટનર પ્રત્યે બહુ કેરીંગ વ્યવહાર કરે છે પરંતુ એકાંતમાં એને મારપીટ પણ કરે છે. કેટલીક સ્ત્રીઓ પણ પુરુષો સાથે ગેસ લાઈટિંગ કરે છે. જે વ્યક્તિ મજબૂત સ્થિતિમાં હોય એ બીજાના વિચાર અને વ્યવહારને પોતાની રીતે નિયંત્રિત કરવાની કોશિશ કરે છે. છેલ્લે એવી પણ સ્થિતિ આવી જાય છે કે અત્યાચારથી પીડિત- વ્યક્તિ શોષકને જ પોતાના શુભચિંતક માની લે છે. પોતાને વિશે એટલું નકારાત્મક વિચારે છે કે એને એનું જીવન નિરર્થક લાગે છે એટલે એનાં લક્ષણો ઓળખી આવી સ્થિતિમાંથી બહાર નીકળવાની કોશિશ કરવી જોઇએ.
સંકેત ઓળખો
ગેસ લાઈટિંગ કરનાર વાતચીત દરમ્યાન કેટલાક ખાસ પ્રકારનાં વાકયોનો ઉપયોગ કરે છે. એવી કેટલીક સ્થિતિઓ છે જે સંકેત આપે છે કે વ્યક્તિ ગેસ લાઈટિંગની સમસ્યાનો સામનો કરી રહી છે અને એને કાઉન્સેલિંગની જરૂર છે.
- નિકટના સંબંધોમાં બધાં એકબીજાને થોડી ઘણી રોકટોક તો કરે જ છે. દા.ત. એક પત્નીએ તેના મિત્રમંડળ સાથે ફરવા જવાનું નક્કી કર્યું. તેના પતિએ તેને જવાની હા તો પાડી પરંતુ એની બહુ કાળજી રાખતાં હોય અને ચિંતા કરતાં હોય એમ કહ્યું કે, ‘‘તને બધાં સાથે મજા આવશે પરંતુ તું એકલી બધું મેનેજ તો કરી શકશે ને? તને પગની તકલીફ છે તો તું બધાંથી પાછળ પડી જઈશ કે કોઈક વાર તેમની સાથે નહીં જઈ શકી તો તારે હોટલમાં એકલા રહેવું પડશે. આ બધું વિચારીને જ નિર્ણય લેજે.
- કોઇ મુસીબતના સમયે નજીકની વ્યક્તિ સહાનુભૂતિ દર્શાવવાના બહાને બીજાનું મનોબળ તોડે તો એવી વ્યક્તિઓથી દૂર રહેવું જોઇએ. દા.ત. કોઇ યુવતીના છૂટાછેડા થઇ જાય અને એની ખાસ સખી એને કહે કે, તારા છૂટાછેડા થયા જાણી બહુ દુ:ખ થયું. હવે તું શું કરીશ? બીજી વાર લગ્ન કરવાનું વિચારીશ? એ પણ યોગ્ય પાત્ર ન નિવડે તો? પરંતુ તું ચિંતા ન કર. હું પણ એકલી જ રહું છું ને. એવું હોય તો આપણે બે સાથે રહીશું. જો કે એકલા રહેવું અઘરું તો છે જ.
- જયારે કોઇ નજીકની વ્યક્તિ હંમેશાં તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરે, તમારી ભાવનાઓને જરા પણ મહત્ત્વ ન આપે તો તમારે સાવધ થઇ જવું જોઇએ કે એ તમારું ભાવનાત્મક શોષણ કરે છે.
- પતિ-પત્ની, માતાપિતા, સાસુસસરા, બોસ કે કલીગ સાથે વાતચીત કરતા કોઇને ડર લાગે તો તે એ વાતનો સંકેત છે કે એ વ્યક્તિ ગેસ લાઈટિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે.
- પોતાની સાથે પણ મનની વાત કરતાં મુશ્કેલી અનુભવવી.
- હંમેશાં એવું વિચારવું કે કદાચ મારી જ ભૂલ હશે કે મારે આવું નહોતું કરવું જોઇતું.
- મારામાં જ કોઇ ખામી છે એટલે બધાં મારી સાથે આવું વર્તન કરે છે.
- વાતચીત દરમ્યાન કોઇ તમારે માટે બિચારો, કમજોર, મારે જ એનું ધ્યાન રાખવું પડે છે એવા શબ્દો કહે તો તમારે સવાધ થઇ જવું જોઇએ.
- કોઇ વિવાદ વખતે તમને બોલવાની તક ન આપે તો એનો અર્થ છે કે તમારું ભાવનાત્મક શોષણ થઇ રહ્યું છે.
જીવન પર નકારાત્મક અસર
આવી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ ઘટે છે. એ પોતાના આત્મસમ્માનની રક્ષા જાતે કરી શકતા નથી એટલે પ્રોફેશનલ જીવનમાં પણ પાછળ પડવા માંડે છે. આવી પીડિત વ્યક્તિઓના મનમાં અન્યો પ્રત્યે અવિશ્વાસની ભાવના ઉત્પન્ન થવા માંડે છે. એ લોકોને હળવામળવા અને વાતચીત કરતાં ગભરાય છે અને એકલા રહેવાનું વધુ પસંદ કરે છે એટલે ડિપ્રેશન અને એંગ્ઝાઈટી જેવી તકલીફો થઇ શકે છે. ગમે એટલો નિકટનો સંબંધ કેમ ન હોય અન્યોને તમારા પર હાવી થવા ન દો. તમારા આત્મસન્માનની રક્ષા તમારે પોતે જ કરવી જોઇએ.