Business

ફાટેલું આકાશ થીંગડાંથી સંધાય?

પહેલાં કેટલાક આંકડા: ઈ.સ.1958માં દોઢ લાખ, ઈ.સ.1966માં ત્રણ લાખ, ઈ.સ.2000માં સાડા આઠ લાખ, અને ઈ.સ.2019માં ત્રીસ લાખ કરતાં વધુ. આ વિગતો છે ઉત્તરાખંડમાં આવેલા ગિરિમથક મસૂરીની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યા. એ કેટલી ઝડપથી સતત વધતી રહી છે એનો કંઈક અંદાજ આનાથી મળી શકશે. આશરે બે હજાર મીટરની ઊંચાઈએ આવેલા આ નાનકડા નગરની વસતિ, ઈ.સ.2011ની વસતિ ગણતરીના અહેવાલ અનુસાર 30,118 નોંધાયેલી છે. ઈ.સ.2023ના આંકડા અનુસાર અહીં 303 હોટેલો, 201 હોમસ્ટે અને છ ધર્મશાળા આવેલાં છે. ઊંચાઈ પર સપાટ જગ્યાના અભાવને કારણે અહીં ફક્ત 1,240 વાહનો પૂરતી જ જગ્યા છે.

પણ આ વાત કરવાની શી જરૂર પડી? આ રાજ્યની સરકારે એક નિર્દેશ બહાર પાડ્યો છે કે હવે મસૂરીની હોટેલો, ગેસ્ટહાઉસ, હોમસ્ટેના માલિકોએ પોતાને ત્યાં ઊતરતાં મુલાકાતીઓની નોંધણી ઉત્તરાખંડ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સંચાલિત ઈન્‍ટરનેટ પોર્ટલ પર કરાવવાની રહેશે. આવો વિચાર સરકારને અચાનક નથી આવ્યો. હકીકતમાં ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ (એન.જી.ટી.) દ્વારા નીમાયેલી એક સમિતિના 2023ના અહેવાલમાં આ વિસ્તારની અતિ નાજુક જૈવપ્રણાલીની જાળવણી માટે 19 પગલાં સૂચવાયાં છે. એમાંના એક મુજબ કોઈ જૈવપ્રણાલી કે નિર્ધારિત વિસ્તારમાં તેની વહનક્ષમતા કરતાં વધુ બોજ ન પડે એટલે કે એટલા વિસ્તાર દીઠ વ્યક્તિઓની સંખ્યા વધી ન જાય એ સુનિશ્ચિત કરવું જરૂરી છે. બોજ પડે તો નૈસર્ગિક સ્રોતને ઘસારો પહોંચે અને સરવાળે પર્યાવરણને નુકસાન થાય.

બીજી તરફ જોઈએ તો છેલ્લી વસતિગણતરી પછીના અંદાજ મુજબ, 2037માં એમાં 23 ટકાનો અને 2052માં 52 ટકાનો વધારો થશે. અત્યારે મસૂરી પાણીની તંગી અનુભવી રહ્યું છે. એક તરફ અહીંનાં રહેવાસીઓની પ્રાથમિક સુવિધાઓ અને બીજી તરફ પર્યટકોના આગમનને કારણે આ સ્થળને પહોંચતો ઘસારો. પ્રવાસીઓની નોંધણી તો ઓગણીસ સૂચન પૈકીનું એક છે. સવાલ એ છે કે આ પગલાંથી આ સમગ્ર વિસ્તારની પર્યાવરણપ્રણાલીને થઈ ગયેલું, થઈ રહેલું અને થનારું નુકસાન અટકાવી કે ટાળી શકાશે ખરું?

એક ઉદાહરણથી આખી વાત સમજીએ. ઓરકેસ્ટ્રામાં ‘કાઉન્‍ટર મેલડી’ નામનું એક વાદન હોય છે. આ વાદનપ્રકારમાં સાવ વિરુદ્ધ પ્રકારની સૂરાવલિઓ એક સાથે શરૂ થાય, જેની તીવ્રતા જુદી જુદી હોય. એક ઊંચેથી શરૂ કરીને નીચે આવે, તો બીજો નીચેથી શરૂ કરીને ઊંચી તીવ્રતા પર જાય. આવું વાદન પરંપરાગત, એકમેકને સુસંગત હોય એવા વાદનથી વિપરીત હોવાને કારણે જરા જુદું, છતાં બહુ કર્ણપ્રિય લાગે. પણ ‘કાઉન્‍ટર મેલડી’ને પર્યાવરણની વાત સાથે શો સંબંધ?
ખરેખર જોતાં-વિચારતાં એમ લાગ્યા વિના રહે નહીં કે ઉત્તરાખંડ હોય કે એવું બીજું કોઈ પણ સ્થળ હોય, બધે આવી ‘કાઉન્‍ટર મેલડી’ જ વાગી રહી છે.

એક તરફ ‘એન.જી.ટી.’ દ્વારા પર્યાવરણને જાળવવા માટે વિવિધ ઉપાયો સૂચવવામાં આવે અને એની સમાંતરે સરકાર વિવિધ વિકાસયોજનાઓ દ્વારા જે તે સ્થળના પર્યાવરણની ખો વાળી દે. પરિણામે પર્યાવરણ પર થનારી ગંભીર અસરમાં કશો ઘટાડો થાય નહીં અને કર્મકાંડ જેવાં બે-ચાર પગલાં અમલી બની રહે, જે એના મૂળભૂત હેતુથી સાવ દૂર, કેવળ યાંત્રિક ક્રિયાકલાપ બની રહે. મસૂરી અને એનાં જેવાં અન્ય પ્રવાસન સ્થળોની ખરી મૂડી છે એનું નૈસર્ગિક સૌંદર્ય. આ જ બાબત સ્થાનિકોની આજીવિકાનો પણ મહત્ત્વનો સ્રોત. વધુ પ્રવાસીઓ એમ વધુ આવક. આ તક કોણ છોડે? છેવટે એની વહનક્ષમતા કરતાં અનેકગણાં વધુ પ્રવાસીઓ વરસોવરસ ઠલવાતાં જાય અને અહીં રહેવાની મઝા માણીને, જાણ્યેઅજાણ્યે અહીંના પર્યાવરણને નુકસાન પહોંચાડતાં જાય.

એટલે કેવળ સરકારનો, પ્રવાસીઓનો કે એકલા નાગરિકોનો, કોઈનો દોષ કાઢી શકાય એમ નથી. કોરોનાકાળ પછી બીજું એક વલણ વ્યાપકપણે જોવા મળ્યું છે કે લોકો જાણે કે જીવનની અનિશ્ચિતતાને પામી ગયા હોય એમ પુષ્કળ પ્રમાણમાં બહાર ફરતા થઈ ગયા છે. આ બધાનો ભોગ છેવટે પર્યાવરણે બનવું પડે છે. આ વાત ઉત્તરાખંડની છે, પણ દેશની સર્વોચ્ચ અદાલતે સાવ અલગ રીતે હિમાચલ પ્રદેશ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આ રાજ્યમાં થઈ રહેલો આડેધડ વિકાસ નિયંત્રણમાં નહીં રાખવામાં આવે તો પર્યાવરણનું સંતુલન ભયાનક હદે ખોરવાઈ જશે.

જસ્ટિસ પારડીવાલાના વડપણ હેઠળની બેન્‍ચે જણાવ્યું કે અમે રાજ્ય તેમજ કેન્‍દ્ર સરકારને ભારપૂર્વક જણાવીએ છીએ કે કેવળ નાણાં રળવા જ બધું નથી. પર્યાવરણના ભોગે નાણાં રળી શકાય નહીં. જો આજની ગતિએ આવું થવાનું ચાલુ રહેશે તો એ દિવસ દૂર નથી કે સમગ્ર રાજ્ય શોધ્યું નહીં જડે.’ તેમણે એમ પણ કહ્યું કે ઈશ્વર કરે ને એવું ન થાય. આથી યોગ્ય દિશામાં પર્યાપ્ત પગલાં લેવાં અતિશય જરૂરી છે. અલબત્ત, સમગ્ર પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે વિકાસની ગાડી ઊતરતા ઢાળ પર ઊભેલી છે અને એની બ્રેક ફેઈલ થઈ ગઈ છે. કેમ કે, જે ઝડપે અને જે પ્રમાણમાં આ રાજ્યોમાં વિકાસ થઈ રહ્યો છે એ જોતાં એમાં પાછા વળવાપણું હોય એમ અત્યારે જણાતું નથી.

પ્રવાસ માનવજીવન માટે આવશ્યક છે અને માનવસંસ્કૃતિના વિકાસમાં તેનું ઘણું પ્રદાન રહેલું છે. હવે આ જ પ્રવાસ માનવજાત માટે નુકસાનકારક પુરવાર થાય એ દેખાઈ રહ્યું છે. પર્યાવરણને બચાવવા કે જાળવવા થતા પ્રયાસો છે ખરા, પણ છૂટાછવાયા અને ઘણા ખરા કિસ્સામાં ‘કાઉન્‍ટર મેલડી’ જેવા. એમ લાગે છે કે ‘બુંદ સે બિગડી હૌજ સે નહીં આતી’ કહેવત પર્યાવરણની વર્તમાન પરિસ્થિતિને બરાબર લાગુ પડે છે. આ નિરાશા નહીં, પણ વાસ્તવિકતા છે.
(નોંધ: આ લેખ લખાયો અને પ્રકાશિત થયો એની વચ્ચેના અરસામાં ઉત્તરાખંડની દુર્ઘટના બની છે. તેના વિશે હવે પછી).
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top