વરસાદના કારણે સુરત શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાય છે. લોકોના ધંધા નોકરી રઝળી પડે છે. મહાનગરપાલિકા વિચારતી નથી કે તેમની બેદરકારીના કારણે લોકોને વ્યક્તિગત સ્તરે ચોમાસા દરમ્યાન કેટલું આર્થિક નુકશાન ભોગવવું પડે છે. વરસાદમાં પાણી ભરાય ત્યારે હજારો કારો ફસાઈ જાય છે અને ઇન્શ્યોરન્સ કલેઇમનો વારો આવે છે. વીમાકંપનીઓ હજાર બહાના કાઢી કલેઇમને નકારે છે. તેમને પ્રિમીયમમાં જ રસ હોય છે સામે ચુકવવામાં ઠાગાઠેયા કરવા હોય છે. આવા સંજોગોમાં કારચાલકોએ પોતે જ તકેદારી રાખવી પડશે અને કલેઇમ મંજૂર તાય તે માટે યોગ્ય પૂરાવા આપવા પડશે. આ માટે તેમણે વીમા એજન્સીની પણ સલાહ લઇ રાખવી જોઈએ બાકી કાર પાણીમાં અને અત્યાર સુધી ભરેલા પ્રિમીયમ પણ પાણીમાં.
કતારગામ રમણીક અગ્રાવત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતમાં 28 લાખ વિદેશી પ્રવાસી? આંકડો છેતરામણો છે
વિદેશથી દેશનાં રાજ્યોમાં પ્રવાસે આવતાં પ્રવાસીઓ વિશે કેન્દ્ર સરકારે લોકસભામાં એક જવાબ હેઠળ જે વિગતો આપી છે તેનું યોગ્ય પૃથકકરણ કરવું જરૂરી છે કારણ કે જે પાંચ રાજયોમાં સૌથી વધુ વિદેશી પર્યટકો આવ્યાં તેમાં 28.06 લાખ સાથે ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાત કોઇ પ્રવાસન માટે પસંદગીનું રાજ્ય નથી. વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં નવા પ્રવાસન સ્થળ વિકસાવવાના પ્રયત્નો થયા છતાં ગુજરાત પ્રાકૃતિક સૌંદર્ય બાબતે સમૃદ્ધ નથી અને આબોહવાની દૃષ્ટિએ પણ નિયમિત રીતે વિદેશી પ્રવાસીઓને આકર્ષે તેમ નથી. તો બીજા ક્રમે કઇ રીતે આવ્યું? શું વિદેશમાં રહેતા એનઆરઆઈને વિદેશી પ્રવાસી તરીકે ગણી લેવામાં આવે છે? સરકારે આપેલા આંકડા ગણી લેવામાં આવે છે. સરકારે આપેલા આંકડા અસ્પષ્ટ અને છેતરામણા હોવાનું લાગી રહ્યું છે.
ભરૂચ – કમલ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.