Comments

કોરોના સામે લડતાં સરકારને આવડે છે?

યુદ્ધના ક્ષેત્રે નામ ખૂબ જાણીતું છે પણ ફીલ્ડમાર્શલ બર્નાર્ડ મોંટગોપરીના નામે બહુ વિજય ચડેલા નથી. હકીકતમાં હોલીવૂડની ફિલ્મ ‘અ બ્રીજ ટૂ ફાર’ બનેલી તે તેમની સૌથી જાણીતી યુધ્ધ કામગીરી ‘ઓપરેશન માર્કેટ ગાર્ડન’ મોટો ધબડકો હતો પણ ઇતિહાસકારો સંમત છે કે દરેક જનરલને આ હોવી જોઇએ અને તે છે ‘પકડ’. મતલબ કે શું પરિસ્થિતિ છે, તેને હાથ ધરવાનાં કરેલાં સંસાધનો હાથવગાં છે અને ભવિષ્યમાં શેની જરૂર પડવાની છે તેની આગોતરી જાણ હોવી જોઇએ અને ભવિષ્યમાં શું થઇ શકે તેની સૂઝ હોવી જોઇએ. આપણા વડા પ્રધાનમાં આ ગુણો નથી. તેમને ઝીણવટભરી વિગતોમાં નહીં પણ મોટી મોટી વાતોમાં રસ છે. ૨૦૧૪ ની ચૂંટણી પહેલાં પત્રકાર મધુ કીશ્વરને એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે આજે પણ મારા અધિકારીઓ મને કેટલાક કાગળ બતાવે તો હું તેમને કહી દઉં છું કે જે કંઇ તેમાં છે તે મને બે મિનિટમાં કહી દો. મારા માટે દસ પાનાના દસ્તાવેજ માટે બે મિનિટ પૂરતી છે. આ કૌશલ્ય મેં વિકસાવ્યું છે.

એક તરફ તેમને વિગતોમાં રસ નથી પણ બીજી તરફ તેમને કામગીરીથી અળગા રહેવાનું ગમતું નથી પણ હિંમતભર્યા અને કલ્પનાશીલ ફટકા મારવાનું ગમે છે. હજી ગયા માર્ચમાં બી.બી.સી.એ હેવાલ આપ્યો હતો કે ગયા વર્ષના લોકડાઉન પહેલાં તેનાં શું પરિણામ આવશે તે જાણવા માટે તેમણે પોતાના મંત્રાલયના એક પણ પ્રધાનનો સંપર્ક કર્યો ન હતો કે સલાહ મસલત ન કરી હતી. લોકડાઉન પહેલાં આરોગ્ય, નાણાં, હોનારત વ્યવસ્થાના જેવા જુદા જુદા ભારત સરકારના ખાતાને માહિતી અધિકાર હેઠળ બી.બી.સી.એ ૨૪૦ અરજી કરી હતી અને પૂછયું હતું કે લોકડાઉન પહેલાં તમારા ખાતાને કે તમારા પ્રધાન સાથે વડા પ્રધાને સલાહ મસલત કરી હતી? જે પ્રતિભાવ આવ્યો તેના પરથી જણાયું કે કોઇ નિષ્ણાતો અથવા સરકારી ખાતાને પૂછવામાં આવ્યું ન હતું. સંબંધિત ખાતાઓને પહેલાં કેમ પૂછવામાં આવ્યું ન હતું તેનો ખુલાસો કરતું કોઇ નિવેદન આપવાનો સરકારે બી.બી.સી.ને ઇન્કાર કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની શૈલીનો બીજો દાખલો છે – નોટબંધી. અહીં પણ માત્ર મુઠ્ઠીભર લોકોને જ ખબર હતી કે શું થવાનું છે. સંસદીય લોકશાહી તરીકે ભારત સામુહિક જવાબદારીના સિધ્ધાંતને અનુસરે છે. પણ ખુદ કેબિનેટને નોટબંધીના દિવસ સુધી કંઇ કહેવામાં આવ્યું ન હતું. ૮ મી નવેમ્બર ૨૦૧૬ ના દિને રૂા. ૧૦૦૦ અને રૂા. ૫૦૦ ની નોટો ચલણમાંથી રદ કરાઇ. આ નોટો ભારતના કુલ ચલણ મૂલ્યનો ૮૬% હિસ્સો હતી. સરકાર મોદીના પગલાં માટે તૈયાર નહતી. બલ્કે તેને ઇરાદાપૂર્વક અંધારામાં રાખવામાં આવી હતી. આ પ્રકારની શૈલી સારી છે કે ખરાબ, કે તેના લાભ છે કે ગેરલાભ. તે મારો મુદ્દો નથી. સત્ય નજરની સામે છે એટલે ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી પણ આપણે જે પરિસ્થિતિમાં છીએ તેમાં આ શૈલી કામિયાબ થાય છે કે નહીં તે જોવાનું છે. મહામારીની સમસ્યા એક જોરદાર ફટકાથી હાથ ધરી ન શકાય. તેને માટે રાજયને પરિસ્થિતિથી વાકેફ કરવું પડે અને કયાં સંસાધનો હાથવગાં છે અને ભવિષ્યમાં શું જરૂર પડશે અને હવે પછી શું બની શકે છે તેની માહિતી હોવી ઘટે. કેન્દ્રીય રાજય પધ્ધતિમાં જયાં થોડા માણસો અને કયારેક એકલદોકલ માણસ નિર્ણય લેતા હોય ત્યાં આ પધ્ધતિ નહીં ચાલે એવું આપણે જણાયું.

રસી, ઓકિસજન અને વેન્ટીલેટરની તંગીના મામલે સરકારની સત્તાવાર સ્થિતિ એવી થઇ ગઇ છે જેની કોઇએ આગોતરી કલ્પના પણ નહીં કરી હોય, પણ હકીકત એ છે કે બાકીના વિશ્વને ખબર હતી કે કયારે શું થઇ શકે. સર તરીકે આપણને આ જે જે કંઈ મળે છે તે કંઇ ગઇ કાલે ઉત્પાદિત થયેલી નથી. આપણે આ જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ તેનો આગોતરો ખ્યાલ કરનાર દેશોએ ઉત્પાદિત કરેલી એ વધારાની સામગ્રી આજે આપણને મળે છે. ભારતને જરૂર પડશે એવા ખ્યાલે કોઇ દેશ મોંઘીદાટ દવાઓનો નકામો જથ્થો રાખી નહીં મૂકે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં રસી નથી તેનું કારણ એ છે કે આપણને જરૂર પડશે એવો આપણને ખ્યાલ જ ન હતો તેથી આપણે તે મંગાવવાનો ઓર્ડર આપ્યો જ નહીં?હજી ગયા જાન્યુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું હતું, ભારત વધુમાં વધુ સંખ્યામાં તેના નાગરિકોનો જીવ બચાવવા દેશોમાં એક છે ને કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. ભારતની સફળતાને અન્ય દેશોની સફળતાની તુલના કરવાનું સલાહભર્યું નથી. કેટલાક ભારત એ દેશ છે જેમાં વિશ્વની ૧૮% વસ્તી છે અને આ દેશે કોરોનાને અસરકારક રીતે કાબૂમાં લઇને માનવજાતને બચાવી છે.

પુરાવા જોઇને આપણે સ્વીકારી લીધું કે ભારત અજોડ છે અને તેણે કોરોનાને મારી હઠાવ્યો છે. અન્ય દેશોએ કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે અને માત્ર પ્રથમ મોજાં સુધી મર્યાદિત નહીં રહે તેવું જાણ્યું હતું અને સમયસર રસી મંગાવી અને મેળવી. તેમણે તેમના વૈજ્ઞાનિકોને દૈવી પ્રેરણાનું નેતૃત્વ આપવાને બદલે મહામારી સામેનો જંગ જીતાયો છે કે નહીં તે નકકી કરવા દીધું. એક વાર વૈજ્ઞાનિકોએ જાહેર કરી દીધું કે માત્ર પૂર્વ સાવચેતી રસીકરણ અને આરોગ્ય સંભાળથી જ મહામારી અટકાવી શકાશે અને ત્યાં જ તે દેશોનું સરકારી તંત્ર કામે લાગ્યું. આપણને કોરોનાના બીજા અને વિનાશક મોજાંના આગમનનો કોઇ આગોતરો ખ્યાલ નહીં આવ્યો? જવાબ એ છે કે નેતૃત્વ એ પરિસ્થિતિ પર કાબૂ મેળવવો હોય તો બુધ્ધિના ચમકારા બતાવવાને બદલે પકડ મેળવી લેવી જોઇએ. બુદ્ધિના ચમકારાથી કામ કરવામાં શૈલીના લાભ મળે એવા સમય સૈધ્ધાંતિક રીતે આવી શકે પણ આ યુગ તેમાંનો નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top